- કુખ્યાત ધીરેન કારીયા 18 ગુન્હામાં હતો મોસ્ટ વોન્ટેડ : આખા સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું ધરાવે છે નેટવર્ક
Amareli News : ગુજરાતનો ટોપ વોન્ટેડ આરોપી જે 18 ગુના આચરીને નાસતો ફરતો હતો તે ધીરેન કારીયાને ઉજ્જૈન શહેરમાંથી અમરેલી ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો છે. ઉજ્જૈનમાં ફોરચુનર કારમાં ડ્રાઈવર સાથે અમરેલી એસપીની ટીમે ઝડપી લીધો છે.
ગુજરાતના 11 જિલ્લામાં વોન્ટેડ
ગુજરાતનો સૌથી મોટો વોન્ટેડ આરોપી ધીરેન કારીયાને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો છે. જૂનાગઢ શહેરનો રેહવાસી ધીરેન કારીયા ગુજરાતના 11 જિલ્લામાં વોન્ટેડ હતો. જેમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, મોરબી, જામનગર, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો હતો. દારૂના ધંધામાં સપ્લાયમાં તે મોટું નેટવર્ક ધરાવતો હતો. 11 જિલ્લાઓમાં 18 જેટલા ગુનાઓમાં પોલીસે તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. આ આરોપી દારૂના ધંધામા મોટું નેટવર્ક ધરાવતો હતો. તે ટ્રક મારફતે મોટો જથ્થો વેચાણ અને સપ્લાય કરાવતો હતો. ધીરેન કારિયાની પત્ની જુનાગઢમાં વોર્ડ નંબર 3 માં કોર્પોરેટર છે, અને વર્ષોથી ચૂંટાઈ આવે છે. તે મૂળ જુનાગઢનો છે, અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો બુટલેગર છે.
દારૂના ધંધામાં મોટું નેટવર્ક
2010 બાદ આરોપી કુખ્યાત વોન્ટેડ ધીરેન કારિયા સામે અત્યાર સુધીમાં 59 જેટલા ગુનાઓમાં અલગ અલગ જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયેલા છે. તેને અગાઉ પાસા હેઠળ પણ જેલ હવાલે કર્યો હતો. પરંતુ દારૂના ધંધામાં સૌથી મોટું નેટવર્ક બનાવી તેણે દારૂની સપ્લાયને જ પોતાનો બિઝનેસ બનાવ્યો હતો. જેના કારણે 11 જિલ્લાની પોલીસ અને પોલીસની અનેક એજન્સીઓ શોધતી હતી. ઉલ્લેખનીય છે કે, બુટલેગરની પત્ની જૂનાગઢ વોર્ડ નંબર 3માં કોર્પોરેટર તરીકે કાર્યરત છે. આ વચ્ચે અમરેલી એસપી હિમકર સિંહની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઉજ્જૈન શહેરમાંથી આરોપીને તેની ડ્રાઈવર સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે.
હાલ આરોપીની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે જુનાગઢમાં અગાવ સોશિયલ મીડિયા મારફતે અનેક વીડિયો ઓડિયો કલીપ મારફતે પોલીસ અધિકારીઓ સામે પણ આક્ષેપો કરી ચૂક્યો છે. ત્યારે વોન્ટેડ આરોપી સામે પોલીસે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.