દેશભરમાં ચકચાર બનેલા પેગાસીસ કેસની સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ મારફત તપાસ કરાવવા કોંગી અગ્રણીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીને લેખિત રજૂઆત કરી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ પેગાસીસ કેસ મામલે ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી નાખે તેવા ઇઝરાયલના એનએસઓ કંપનીના પેગાસીસ સોફ્ટવેર/માલવેર દ્વારા ફોન હેકીંગથી ભારતમાં વિરોધ પક્ષના નેતાઓ, શાસક પક્ષના અમુક નેતાઓ, ટોચના પત્રકારો, માનવ અધિકાર માટે લડતા કર્મશીલો, સુપ્રિમ કોર્ટના તથા તેના સ્ટાફ, ચુંટણી પંચના કમિશ્રર સહિતના અંદાજે 300 જેટલા ફોન હેક કરવાની ઘટનાને ભારતની જનતાના સ્વતંત્ર જીવન જીવવાના અધિકાર ઉપર તરાપ મારનાર અને શાસન ટકાવી રાખવા માટે બંધારણ અને રાજનીતીક પ્રક્રિયા સાથે ચેડા કરવા સમાન છે.
ગુજરાતમાં વર્ષ 2017 અને 2020ની રાજ્યસભાની ચુંટણીઓ વખતે તથા વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષના અને ભાજપના ટોચના નેતાઓના ફોન હેકીંગ દ્વારા જાસૂસી થઇ રહી હોવાનો આક્ષેની શંકા છે. કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપ સરકારના બે મંત્રીઓ પ્રહલાદ જોષી અને વિષ્નોઇના ફોન હેક કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ભાજપ સરકારે પાકિસ્તાન કે ચીનની જાસૂસી કરવાને બદલે પોતાના જ દેશના નાગરિકોની જાસૂસી કરીને નિમ્ન કક્ષાની રાજનીતીના કારણે ભારતની આબરૂ દેશ અને દુનિયામાં ધોવાણ થયું છે. ભારતના નાગરિકોને બંધારણે આપેલો સ્વતંત્ર અને વ્યક્તિગત જીવન વિના રોક-ટોકે જીવવાનો જે અધિકાર આપ્યો છે તેની રક્ષા કરવાને બદલે ભાજપ સરકાર આવું ગેરકાનૂની રીતે ફોન ટેપીંગ કરાવી રહી છે.
અંતમાં જણાવ્યું છે કે આ બાબતે સર્વાંગી તપાસ જરૂરી છે તેમજ દેશમાં અને રાજ્યમાં ક્યા મહાનુભાવોના ગેરકાયદેસર રીતે ફોન ટેપીંગ કરવામાં આવેલ તેની સત્ય વિગતો નાગરિકો સામે જાહેર કરવામાં આવી નથી જે બદલ દેશના વડાપ્રધાન દેશના લોકોની માફી માંગે તેમજ જેમના શીરે દેશ અને જનતા જનાર્દનની સુરક્ષાની જવાબદારી છે તેવા બેરોજગાર ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીના હોદ્ા પરથી રાજીનામું આપે અને ગેરકાયદેસર કૃત્ય કરવામાં સંડોવાયેલા સામે પગલાં લેવાય તે માટે સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ મારફતે તપાસ થાય તેવી માંગણી કરી છે.