જીલ્લામાં વિવિધ વિકાસના કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહુર્ત
25.78 કરોડના ખર્ચે અમરેલી- લીલીયા ફોરલેન બનશે
દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર, અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં દાદા ભગવાનના 116માં જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં આગામી તા. 28 નવેમ્બર,2023 સુધી વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી લીલીયા રોડ સ્થિત ત્રિમંદિર ખાતે પૂજ્ય સીમંધર સ્વામીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર દર્શન બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વિક્રમ વૈતાલ’ અને ‘સાયરન’ મલ્ટી મીડિયા થીમ પાર્કની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મલ્ટી મીડિયા થીમ પાર્કમાં આધ્યાત્મિક શોર્ટ ફિલ્મ નિહાળી થીમ પાર્કની સફરનો આનંદ માણ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમરેલી જિલ્લાની વિકાસયાત્રાને આગળ વધારતા વિકાસકાર્યનું ખાતમુહૂર્ત સંપન્ન થયું. મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે અમરેલી જિલ્લાના અમરેલી -લાલાવદર- લીલીયા (એસ.એચ.110) રસ્તાની પહોળાઈ તેમજ મજબૂતી કરણના કામનો પૂજનવિધિ સાથે શુભારંભ થયો હતો. વિકાસને વરેલી રાજ્ય સરકારની વિકસિત રાજ્ય બનાવવાની નેમ હેઠળ અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં પ્રગતિ કરી રહ્યો છે.
આ પ્રસંગે પ્રેરક ઉદ્બબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વિકાસ અને વિકાસ કાર્યોના ફળ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે તેના પાયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ માટેની રાજનીતિ છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે, અમરેલી જિલ્લામાં જે નવા કાર્યો થઈ રહ્યા છે, તેની ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકાર સાથે જન પ્રતિનિધિઓની પણ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ રુ.03 લાખ કરોડનું છે. અનુદાન (ગ્રાન્ટ)ના યોગ્ય ઉપયોગ થકી રાજ્યના વિકાસ કાર્યો કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં મજબૂત આર્થિક પાયો નાંખ્યો છે. કોરોનાના કપરા કાળમાં વિશ્વના મોટા-મોટા દેશોના અર્થતંત્ર પણ પણ નબળા પડ્યા ત્યારે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર પાંચમા સ્થાને પહોંચ્યું છે ત્યારે આપણે આત્મનિર્ભરતા તરફ વધી રહ્યા છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, વડાપ્રધાને ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો છે. આ વિકાસયાત્રામાં ગામે ગામ જવાની છે ત્યારે સરકારી યોજનાઓનો લાભ જેને ન મળ્યો હોય તેમના ઘર સુધી યોજનાકીય લાભો પહોંચાડવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં ’વિકસિત ગુજરાત’ આગેવાની લઈ વિકસિત ભારત બનાવવા મહત્વનું યોગદાન આપે એવો સંકલ્પ લઈએ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના પ્રારંભે નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી-લાલાવદર-લીલીયા રોડના ચાર માર્ગીયકરણની મંજૂરી આપી ખાતમુહૂર્ત કરવા બદલ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યુ હતું. આ સાથે જ તેમણે અમરેલી રાજમહેલના રિ ડેવલપમેન્ટ માટે રુ.27 કરોડ, અમરેલી જિલ્લાકક્ષાના રમત ગમત સંકુલના નિર્માણ માટે મંજૂરી, અમરેલી એરપોર્ટના રન-વેને 2500 મીટર લાંબો કરવાના કાર્યની મંજૂરી, અમરેલીના સૂચિત રિવરફ્રન્ટ, સાવરકુંડલામાં નાવલી નદીના કાંઠે રિવરફ્રન્ટ નિર્માણની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા અભિવાદન કર્યુ હતું. કાર્યક્રમમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા, જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ, લીલીયા રોડ વિસ્તારમાં આવતી વિવિધ સોસાયટીના રહીશો હાજર રહી મુખ્યમંત્રીનું સન્માન-અભિવાદન કર્યું હતું
આ કાર્યક્રમમાં સાંસદ, નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, કાર્યકારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઈજનેર, પ્રાંત અધિકારી અમરેલી, જિલ્લા વહીવટીતંત્રના અગ્રણી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરિયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો, વિવિધ સંસ્થાના આગેવાનો અને અમરેલીના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.