રાજકોટના તબીબ બોગસ મેડિકલ સર્ટી કાઢી આપતો: ૬ કેદીની ધરપકડ
અમરેલી જીલ્લા જેલમાંથી એક માસ પૂર્વે ઝડતી દરમ્યાન મોબાઈલ મળી આવ્યા હતા જેની તપાસમાં ઘટસ્ફોટ વિગતો બહાર આવી છે. જેલના યાર્ડ નં.૫માં કુખ્યાત કેદીઓ હેમખેમ પ્રવેશ મેળવી તમામ સુવિધાઓ ભોગવતા હતા એટલું જ નહીં જેલમાંથી પીસીઓ ચલાવી અન્ય કેદીઓ પાસે બહાર ફોન કરવા મજબુર કરી મોટી રકમ પડાવતા હતા. સાથે રાજકોટનો તબીબ કેદીઓને જેલમાંથી બહાર કાઢવા માટે ખોટા સર્ટીફીકેટ પણ બનાવી આપતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજયના જેલ વડાની સુચનાથી તા.૨૦મી જુલાઈના રાજયની ઝડતી સ્કવોર્ડ અમરેલી જેલમાં તપાસ દરમિયાન યાર્ડ નં.૫માં ડયુલસીમવાળો મોબાઈલ મળી આવ્યો હતો. જેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયા બાદ અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે. અમરેલી જીલ્લા પોલીસ વડા નિર્લીપ્તરાય દ્વારા એક સ્પેશિયલ ટીમની રચના કરી જેલમાં મોબાઈલના ગુનામાં તપાસ કરતા જેલમાં ગોરખધંધા કરવા માટે કેદીઓ સાંઠગાંઠ કરી જેલના યાર્ડ નં.૫ના બેરેક નંબર ૯ અને ૧૦માં મેળવી કેદીઓ તમામ સુવિધાઓ ભોગવતા હતા.
જે મામલે સ્પેશિયલ ટીમે ઉંડાણપૂર્વક તપાસ કરતા યાર્ડ નં.૫ની બેરેક ૯ અને ૧૦માં વીઆઈપી કેદીઓ પ્રવેશ કરી જુદા-જુદા ૪૦ મોબાઈલનો ઉપયોગ કરી અલગ-અલગ ૧૭ મોબાઈલ નંબરના ઉપયોગ થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અન્ય કેદીઓને બહાર વાત કરવા માટે મજબુર કરી એક ડોલ દીઠ મોટી રકમ પડાવી પ્યોર પીસીઓ ચલાવાનું કારસ્તાન ઝડપાયું હતું. આ કારસ્તાનમાં જેલમાં રહેતા હત્યાનો આરોપી કાંતિ મુળજીવાળા, ગુજીકોટના આરોપી શિવરાજ ઉર્ફે મુન્નો રામકુ વિંછીયા, શૈલેષ નાથા ચંદુ, બાલસીંગ જયતા બોરીચા, દુષ્કર્મનો આરોપી સુરા સાર્દુલ હાડગરડા અને આર્મ્સ એકટનો આરોપી ઈરફાન ઉર્ફે ગલકી મહમદ ખીમાણી સહિતના કેદીઓ સામે ગુનો નોંધાયો છે.જયારે આ કારસ્તાનમાં રાજકોટનો ડો.ઘીવાલા પણ કેદીઓને નકલી મેડિકલ સર્ટીફીકેટ કાઢી દેતો હોવાનું ખુલ્યું છે. પોલીસે કેદીઓ અને રાજકોટના તબીબ સહિત ૬ શખ્સોની ધરપકડ કરી છે અને આ કારસ્તાનમાં કોઈ જેલતંત્રના કર્મીઓ હાથ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.