હદ કરી નકલી નોટો ઘરબેઠા મળે છે !
ઈન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ વેબસાઈટ પરથી રૂ.50 હજારમાં બે લાખની નકલી ચલણી નોટો મંગાવ્યા હોવાની કબૂલાત
પોલીસે રૂ 1.14 લાખની નકલી નોટ કબજે કરી અન્ય ક્યાં ખર્ચ કર્યા હોવાની પૂછતાછ હાથધરી
અમરેલીના નાના ભંડારિયા ગામના ત્રણ શખ્સોએ ઓનલાઇન ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ જોઈ વેબ સાઈટ પરથી રૂ.50 હજારમાં બે લાખની નકલી ચલણી નોટો મંગાવી હતી. જે જાણ પોલીસને થતા પોલીસે આ શખ્સોનો ભાંડો ફોડી તેની ધરપકડ કરી તેની પાસેથી રૂ.1.33 લાખની નકલી નોટો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
વિગતો મુજબ અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામની ત્રિપુટીએ બનાવટી ભારતીય ચલણી નોટો જ ઓનલાઈન મંગાવી લીધી, એ પણ થોડી ઘણી નહીં. પરંતુ બે લાખની ખોટી ચલણી નોટો સોશિયલ મીડિયા પર એક રિલ્સ જોયા બાદ આ ત્રિપુટીએ જે તે વેબસાઈટ કે વ્યક્તિઓનોનો સંપર્ક કરીને બે લાખની બનાવટી ચલણી નોટોનો ઓર્ડર પણ આપી દીધો જેમા કેશ ઓન ડીલીવરીમાં 50 હજાર ચુકવીને બે લાખની બનાવટી નોટો મેળવી હતી.જોકે આ ત્રીપુટીને અમરેલી એસઓજીએ પકડી પાડી હતી.
પોલીસે અમિત વિનુભાઇ માધડ (ઉ.વ. 21, રહે.ભંડારીયા), ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ (ઉં.વ.23, રહે.સુરત, કતારગામ) તથા 16 વર્ષીય કાયદાથી સંઘર્ષિત કિશોરને બાતમીના આધારે ઝડપી પાડયા હતા.આ ત્રણે’ય આરોપીઓ પાસેથી રૂા. 200ના દરની 83 નોટો જેની કિંમત રૂ. 16,600 તથા રૂા. 500ના દરની 197 બનાવટી ચલણી નોટો જેની કિંમત રૂા. 97,500 જપ્ત કર્યા હતા. આ ઉપરાંત એક મોબાઈલ ફોન મળી કુલ 132100 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.હાલ આ સિવાયની અન્ય બનાવટી ચલણી નોટો આરોપીઓ એ ક્યા ખર્ચ કરી છે.તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.