108 વહીવટીતંત્રની ટીમની કાર્યનીષ્ઠા અને માનવતા મહેકી ઉઠી
રાજ્યના છેવાડાના માનવી સુધી આરોગ્યની સુવિધા પહોંચાડવાના રાજ્ય સરકારના સંકલ્પ-પ્રતિબદ્ધતાને સાકાર કરતો એક કિસ્સો રાજુલા તાલુકામાં બન્યો. રાજુલા તાલુકાના મોટા અગરીયા ગામે વાડી વિસ્તારમાં એક શ્રમજીવી સગર્ભા મહિલાને વરસાદની ઋતુમાં લીધે સર્જાયેલી વિષમ પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર અને 108 સેવાની જહેમત અને સંક્લન દ્વારા તમામ વિઘ્નો વચ્ચે હોસ્પિટલમાં સુધી પહોંચાડવાની માણવતલક્ષી કામગીરી થઇ છે.
મોટા અગરીયા ગામેથી સગર્ભાને હોસ્પિટલે લઈ જવા માટે મદદ માંગવામાં આવી હતી. જો કે આ સગર્ભા મહિલા હતાં ત્યાં વાડી વિસ્તારમાં વરસાદને લીધે પાણી ભરાઈ ગયા હતા અને તેથી 108 સેવા ત્યાં એટલી સરળતાથી પહોંચી શકે તેમ નહોતી. આ સ્થિતિમાં વહીવટી તંત્રએ કોઈ પણ સ્થિતિમાં મહિલા સુધી પહોંચવાનો રસ્તો કરવાનો નિર્ધાર કર્યો હતો. 108 વહીવટી તંત્ર અને સ્થાનિકોએ આ સગર્ભાને પહેલા તો એમ્બ્યુલન્સ સેવા સુધી લઈ જવા ટ્રેક્ટરની મદદ મેળવી અને સગર્ભાને સહી સલામત કોઈ તકલીફ થાય નહિ તે રીતે પહોંચાડયા હતા.
એકસાથે બે જીવને બચાવી લેવા માટે થયેલી આ કામગીરીની વિગત આપતા અમરેલી 108 સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતનભાઈ ગાધેએ જણાવ્યુ કે, તા.11 જુલાઈના રોજ રાત્રે 10.12 કલાકે સગર્ભાને હોસ્પિટલે લઈ જવા માટે કોલ મળ્યો હતો. પાયલોટ સાથેની ટીમ જ્યારે સ્થળે જવા નીકળી ત્યારે રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા અને તેથી આ સગર્ભા મહિલા જ્યાં હતા તે સ્થળ સુધી પહોંચવું ઘણું મુશ્કેલ હતું. આ સ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની સૂચના અને માર્ગદર્શનમાં રાજુલા વહીવટી તંત્ર અને મામલતદારશ્રીના નેતૃત્વમાં સુચારું સંકલન દ્વારા આ ભગીરથ કાર્ય સફળ થયું હતું.
વાત એવી હતી કે, વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રેકટરમાં 108નો સ્ટાફ વાડી સુધી ગયો હતો. મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહીશ અને હાલ અમરેલી જિલ્લામાં શ્રમજીવી તરીકે કાર્ય કરતા સગર્ભા સકુબેન કાતરિયા 23ની વય ધરાવે છે. પણ તેમને આ સ્થિતિમાં સમજાવવા અને સહકાર સાથે આ વિશે તેમની સહમતિ મેળવવા સહિતના કાર્યો પાર પાડવાના હતા. આ રીતે 108 સેવા મારફતે હોસ્પિટલ સુધી પહોચાડવા, 108 સેવાના કર્મચારીઓ દ્વારા સકુબેનને સમજાવી તેમનો વિશ્વાસ સંપાદિત કરવામાં આવ્યો. ત્યારબાદ તેમને ટ્રેક્ટરમાં બેસાડી એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા હતા. આવી સ્થિતિથી અવગત હોય 108ની ટીમ સ્થળ પર પ્રસુતિ કરાવી શકાય તેટલી વ્યવસ્થા અને તૈયારી સાથે સુસજ્જ હતી. પરંતુ મહિલાની તબિયત સ્થિર જણાતા તેમને રાજુલા હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા હતા.
સકુબેન મમતા કાર્ડ ધરાવે છે અને તેમની તબિયત આજે તા.12 જુલાઇના રોજ સવારની સ્થિતિએ સ્થિર હોવાનું રાજુલાના આર.એમ.ઓશ્રી ખુમાણે જણાવ્યું હતું. આ સમગ્ર કામગીરી દરિયાન અમરેલી જિલ્લા અને રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરી આ કામગીરીને સુચારું રીતે પાર પાડી હત ી. 108ની સેવાઓ ચોમાસાની ઋતુની વિષમ સ્થિતિમાં પણ સેવા માટે તત્પર હોવાનો વધુ એક પ્રેરણારૂપ દાખલો સામે આવ્યો છે.