ઠાકોરજીને ધરાવેલ 6000 કિલો કેરીઓ ગરીબોને વહેંચાશે
અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે પરંતુ આ વર્ષે ઓછા પાકને લીધે કેરીઓના ભાવ આસમાને છે. આવા સમયે સમાજના ગરીબ વર્ગ અને દર્દી નારાયણને પણ પ્રસાદરૂપ કેસર કેરીનો આસ્વાદ લઈ શકે તે માટે સત્સંગ પ્રચારાર્થે વિદેશ વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં ચાલી રહેલ 85 કલાકની અખંડ ધૂન દરમ્યાન, ભીમ એકાદશીના પુનિત પર્વે કચ્છ, દ્રોણેશ્વર તેમજ તાલાલા વગેરે સ્થળોથી હરિભકતોના સહયોગથી આવેલ 6000 કિલો જેટલી કેરીઓ ઠાકોરજીને ધરાવી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા. ઠાકોરજીને ધરાવેલી તમામ કેરીઓ હોસ્પટલ તેમજ ગરીબો વગેરેને પ્રસાદરુપે વહેંચાશે. કેરી વિતરણની વ્યવસ્થા કોઠારી મુકતસ્વરૂપ દસજી સ્વામી અને ભંડારી અક્ષરસ્વરૂપ દાસજી સ્વામી સંભાળી રહ્યા છે.