ગાજયા મેઘ વરસશે?
સરકાર પણ પારોઠના પગલાના ભાગ રૂપે ક્રીમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારીઓની જિલ્લા બહાર કરી ફેકાફેકી
અબતક,રાજકોટ
સંખીયાબંધી અને મુનિરા વચ્ચેના બે નંબરી વ્યવહાર સુલટાવવામાં વચ્ચે આવેલી પોલીસને બદનામ કરતા કેટલાક તત્વો પોતાનો રાજકીય રોટલો સેકવા મેદાને આવ્યા હોય તેમ આક્ષેપોની વરસાદ વરસાવી દીધી છે ત્યારે આક્ષેપો કરવા સરળ છે પરંતુ આક્ષેપો પુરવાર કરવા વચ્ચે કાયદાકીય રીતે મહત્વનું રહ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આક્ષેપો કરનારાઓ પાસે શું પુરાવા છે. તે અંગેની તટસ્થ તપાસ ચાલી રહી છે. આક્ષેપો કરનાર પુરવા રજુ કરી શકે તેવી સ્થિતીમાં ન જણાતા આગામી દિવસોમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કદાચ બાય ઇજ્જત બરી પુરવાર થાય તો નવાઇ નહી રહે તેમ જાણકારો કહી રહ્યા છે.
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ વેપારી સખીયા પરિવારને ન્યાય અપાવવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લખેલા લેટરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કથિત આક્ષેપ કરતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પોલીસ સામે આ ઉપરાંત અન્ય કેટલીક વ્યક્તિઓ પણ મેદાને આવી પોલીસ સામે આક્ષેપ શરૂ કરી દીધા હતા. ભાદરવાના ભીંડાની જેમ ફુટી નીકળેલા આક્ષેપબાજો મનફાવે તેવા આક્ષેપો શરૂ કરી દીધા ‘પેપર ધડાકા’નો મારો ચલાવ્યો હતો.
‘પેપર ધડાકા’ કરી રાજકોટની શાંતિ ડહોળતા તત્વો ભાદરવાના ભીંડાની જેમ ફુટી નીકળ્યા
‘પેપર ધડાકા’ના પગલે સરકારે પણ પારોઠના પગલા ભરી ક્રિમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારીઓની જિલ્લા બહાર બદલી કરી છે. જેના કારણે પોલીસ અધિકારીઓનું મોરલ તુટી રહ્યું છે. ખરેખર પેપર પરના ધડાકા કરનારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કરેલા આક્ષેપો પુરવાર કરી શકશે તેવો સવાલ થઇ રહ્યો છે.
કાયદાની પર જઇ કરેલા વ્યવહાર કરનાર લોકો દ્વારા જ પોલીસ સામે આક્ષેપ કરી રહ્યા છે. તેઓ જાણતા નથી કે આક્ષેપ પુરવાર કરવા માટે પુરાવાની જરૂર હોય છે. આ એક પ્રથા પડી ગઇ છે. ન્યાય મંદિર કરતા પોલીસ પાસે ઝડપી ન્યાયની અપેક્ષાએ તંત્રનો કયાંક ઉપયોગ થઇ રહ્યો છે. ઝડપી ન્યાય મેળવવા ઇચ્છતી વ્યક્તિઓ રાજકીય સંબંધના દાવે કે વ્યક્તિગત સંબંધના દાવે ઉપયોગ કરી રહ્યા છે. કયાંક તંત્રનો પણ પગ લપસી ગયો હોય છે.આક્ષેપોમાં કયાંક નીચેના કર્મચારીઓની બેદરકારી કે અણઆવડતના કારણે લક્ષ્મણ રેખા ઓળગી રહ્યા હોય તેવો ઘાટ સર્જાતા તંત્રનું મોરલ તુટી રહ્યું છે. આની સજા આવતા દિવસોમાં રાજકોટની રંગીલી પ્રજાને ભોગવવી પડે તેવો ઘાટ ઘડાય રહ્યો છે.
રાજકોટમાં વર્તમાન પરિસ્થિતીમાં સજ્જનોનું મૌન આવતા દિવસો માટે કાયદો અને વ્યવસ્થા નબડી પાડી દેવામાં નિમિત બની જશે તેવું જાણકારો કહી રહ્યા છે. આ બધી પરિસ્થિતીમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કાદવ ઉછાડવામાં આવી રહ્યો છે. પરંતુ કહેવાય છે. કે, કાદવમાં જ કમળ ખીલે છે. તેમ પુરાવાના અભાવે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને બાય ઇજ્જત બરી થશે? સાથે સાથે સમયની પણ અવધી પુરી થતી હોય તેને રાજધાનીમાં સ્થાન અપાવી દેવામાં આવશે તેવા સવાલ થઇ રહ્યા છે.રાજકોટ શહેરમાં નવા આવનાર પોલીસ કમિશનરને છેલ્લા બે માસમાં રાજકોટમાં બનેલી ઘટનાના કારણે ખુબ મોટો પડકાર બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી તેઓને સાફ સુફીની જરૂર બની જશે તેમ જાણકારો કહી રહ્યા છે.