રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસો. ડોમેસ્ટિક કાઉન્સીલમાં સ્થાન મેળવ્યું
સોના-ચાંદી, જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં નડતી તમામ સમસ્યાનો થશે ઉકેલ: રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર રાજકોટના વ્યાપારીઓને મળશે નવી ઓળખ
ભારતમાં પ્રાચીન સમયથી સોનુ-ચાંદી અને જવેરાત આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી રહી છે. આયુર્વેદિ દ્રષ્ટીએ મનુષ્યએ સોનુ, ત્રાંબુ, ચાંદી, કોડી, સુખડ, ચંદન આ સાત વસ્તુઓનો શરીરને સ્પર્શ રહે તેનો આયુર્વેદિક દ્રષ્ટીએ ઘણા ગુણો ચરક શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. ત્યારે સોના-ચાંદી, હિરા જવેરાતના દાગીના બનાવવા એ હસ્તકલા કારીગરીનો ઉદ્યોગ છે પરંતુ આજના બદલાતા સમયમાં હસ્તકલાની સાથો સાથ આધુનિક મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણા ઉદ્યોગમાં ખુબ જરૂરી અને અનિવાર્ય બન્યો છે. જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટની સ્થાપના તા.૮-૭-૨૦૧૨ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થા મેન્યુફેકચર્સ, ટ્રેડર્સ, રીટેઈલર તેમજ સુવર્ણ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ સંસ્થાના સભ્ય બની શકે છે અને સંસ્થાનો લાભ તેમના વ્યાપાર માટે પણ મેળવી શકે છે.
ઐતિહાસિક વાત તો એ છે કે, રાજકોટની જેમ્સ એન્ડ જવેલરી ઈન્ડસ્ટ્રીને સૌપ્રથમ વખત ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન આપવામાં આવ્યું છે. વાણીજય મંત્રાલય દ્વારા નવનિર્મિત ડોમેસ્ટીક કાઉન્સીલની બેઠકમાં ભારતની ૧૪ સંસ્થાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાની એક સંસ્થા એટલે રાજકોટની જેમ્સ એન્ડ જવેલરી સંસ્થા. ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન મળવાથી રાજકોટના જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રને ઘણો વેગ મળશે અને તેમના પડતરપ્રશ્નોનો પણ નિરાકરણ થશે તે વાત પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ત્યારે રાજકોટના જેમ્સ એન્ડ જવેલરી અને સોના-ચાંદીના વેપારીઓ દ્વારા વાણીજય મંત્રી સુરેશ પ્રભુનો આભાર પણ માન્યો હતો કે, ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન મળવાની સાથે જે પ્રશ્ન ઉદ્ભવીત થતાં હતા તે તમામનું નિરાકરણ શકય બનશે.
રાજ્યભરમાં ઉત્સાહ આજનો દિવસ ઐતિહાસિક: દિવ્યેશ પાટડિયા
રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસો.ના પ્રમુખ દિવ્યેશભાઈ પાટડિયાએ ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ માટે આ ખુબજ ઐતિહાસિક દિવસ તરીકે ઈતિહાસમાં પ્રસ્થાપિત થશે. કારણ કે જે વાણીજય મંત્રાલય દ્વારા ડોમેસ્ટીક કાઉન્સીલની રચના કરવામાં આવી છે અને તેમાં પણ એડહોક કમીટીમાં રાજકોટની જેમ્સ એન્ડ જવેલરી એસો.ને સમાવવામાં આવી છે તે ખુબજ ઐતિહાસિક પળ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટની જેમ્સ એન્ડ જવેલરી એસો. છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે અને અનેકવિધ પ્રકારની તકલીફો, સમસ્યાઓથી તેઓ ઝઝુમી આગળ વધી છે ત્યારે રાષ્ટ્રીય ફલક ઉપર સ્થાન મળતાની સાથે જ એસો.ને પડતી મુશ્કેલીમાંથી નિવારણ થઈ શકશે અને આવનારા સમયમાં એસો.ના વિકાસને વેગ મળી રહેશે. ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન મળવાની સાથે જ સ્થાનિક સ્તર ઉપર પણ એસો.નું પ્રભુત્વ વધશે અને વેપારીઓ અને ઉદ્યોગકારોને સાથે સમાવી વિકાસની દોડમાં સંસ્થા આગળ વધશે તો નવાઈ નહીં.
વાણિજય મંત્રાલય દ્વારા લેવાયેલો નિર્ણય ખૂબજ આવકારદાયક: મયુર આડેસરા
‘અબતક’ સાથેની વાતચીતમાં જુગલ જવેલર્સના અને રાજકોટના જેમ્સ એન્ડ જવેલરી એસો.ના મંત્રી મયુરભાઈ આડેસરાએ જણાવ્યું હતું કે, તેઓ વાણીજય મંત્રાલય અને સવિશેષ વાણીજય મંત્રી સુરેશ પ્રભુનો આભાર માને છે અને તેમના નિર્ણયને આવકારે છે. રાજકોટ શહેર માટે આ ખુબજ મહત્વપૂર્ણ વાત કહી શકાય કે, ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન મળતું તે આસાન નથી પરંતુ સંસ્થાની કામગીરી અને તેમની નિયતતાને ધ્યાને લઈ તેમને જયારે સ્થાન આપવામાં આવ્યું છે તેથી હવે એસો.ની જવાબદારી પણ વધી જશે અને કઈ રીતે દેશને વિકાસના પથ પર આગળ વધારવો તે પણ મહત્વપૂર્ણ બાબત સાબીત થશે. આ સંસ્થાને અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ કાઉન્સીલમાં સ્થાન મળતાની સાથે જ જાણે ચિંતાના વાદળો દૂર થઈ ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક વ્યાપારીઓમાં પણ વાણીજય મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયને ખૂબજ હર્ષોલ્લાસભેર માનવામાં આવી રહ્યો છે.
ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન મળવાથી સમગ્ર ઈન્ડસ્ટ્રીઝને મળશે વ્યાપક ફાયદો: દિનેશભાઈ રાણપરા
સોની પ્રભુદાસ માણેકલાલ વિંછીયાવાળાના દિનેશભાઈ રાણપરાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્ર હોય કે સોના-ચાંદી બજાર હોય આ સંગઠનમાં સ્થાન મળવાથી સ્થાનિક સ્તર ખૂબજ વિકક્ષીત થશે અને જે ગ્રાહકો છે તેને પણ ફાયદો થશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારની ઘણી એવી યોજનાઓ લોકો સુધી પહોંચતી ન હોવાથી આ સંગઠનમાં સ્થાન મળવાની સાથે જ આ તમામ સમસ્યાનો ઉકેલ આવી જશે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન મળવાની સાથે રાષ્ટ્ર આખુ એક તાંતણે જોડાઈ જશે એટલે કે, લોકો હોય, વેપારી હોય કે ઉદ્યોગકારો હોય તેમને તેમના ક્ષેત્રમાં તમામ નવી શોધ, સંશોધન સહિત કોઈપણ ફરિયાદ પણ સીધી કાઉન્સીલમાં રજૂ કરી શકશે જેથી તેમની સમસ્યાના ઉકેલમાં જે સમય લાગતો હતો તે હવે નહીં લાગે. ત્યારે કેન્દ્ર સરકારના વાણીજય મંત્રાલય દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબજ આવકાર્ય છે.
રાજકોટના વ્યાપારીઓને મળશે નવી ઓળખ: પરેશ આડેસરા
વૃંદા ગોલ્ડ પેલેસના પરેશ આડેસરાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ડોમેસ્ટીક કાઉન્સીલ એક એવી સંસ્થા છે જેનાથી સંલગ્ન સંસ્થાને એક નવી ઓળખ મળે છે. એવી જ રીતે રાજકોટની જેમ્સ એન્ડ જવેલરી એસો.ને ડોમેસ્ટીક કાઉન્સીલમાં એડહોક કમીટીમાં સ્થાન મળવાની સાથે જ રાજકોટના વેપારીઓની એક નવી ઓળખ ઉભી થશે. સાથો સાથ તેમના દ્વારા જે તકલીફનો સામનો કરવો પડતો હતો તે પણ હવેથી નહીં કરવો પડે. ત્યારે વાણીજય મંત્રી સુરેશ પ્રભુ દ્વારા જે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે તે આવકાર્ય છે.
ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન મળ્યું તે રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસો.નું ગૌરવ: જયસુખ આડેસરા
‘અબતક’ સાથેની વાતચીતમાં જેમ્સ એન્ડ જવેલરી એસો.ના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ આડેસરાએ જણાવતા કહ્યું હતું કે, વાણીજય મંત્રાલય દ્વારા નવનિર્મિત ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન મળવું તે એસો.નું ગૌરવ કહી શકાય. તનતોડ મહેનત અને ઉદ્યોગકારો વેપારીઓ સાથે દરેક પગલે સાથ આપનારી સંસ્થાને જે ડોમેસ્ટીક કાઉન્સીલમાં સ્થાન મળ્યું છે તે ખૂબજ આવકારદાયક છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વેપારીઓ અને ઉદ્યોગકારોને જે રીતે ટેકસ ઈમ્પોર્ટ એક્ષપોર્ટ સહિતની કામગીરીમાં જે તકલીફો પડતી હતી તે હવે નહીં પડે અને તેઓ સીધા જ વાણીજય મંત્રાલયના ડોમેસ્ટીક કાઉન્સીલ સાથે સીધો સંપર્ક સાધી શકશે.