- ધનસુરા-બાયડ હાઇવે પર આવેલા શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લિકેજ
- કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લિકેજ થતા અફરાતફરી સર્જાઈ
- મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ
અરવલ્લીના ધનસુરા-બાયડ હાઇવે પર આવેલા શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લિકેજ થયો હતો. તેમજ ગેસ લિકેજ થતા અફરાતફરી સર્જાઈ હતી. આ દરમિયાન મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર મેન સુનિલ માવી અને ફાયર ટીમે ગેસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ધનસુરા-બાયડ હાઈવે પર આવેલા રાધે કોલ્ડ સ્ટોરેજમાં વહેલી સવારે એમોનિયા ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવી છે. હાલ ઉનાળાની સીઝન હોવાથી બટાકાનો સંગ્રહ પૂરજોશમાં ચાલી રહ્યો છે. વહેલી પરોઢે કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા ગેસ લીક થવાની ઘટના બની હતી. ગેસ લીકેજના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તકલીફ અનુભવતા રહીશોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને એમોનિયા ગેસની પાઈપલાઈનનો વાલ્વ બંધ કરી દીધો હતો. આ ત્વરિત કાર્યવાહીને કારણે ગેસ લીકેજ અટકી ગયું અને મોટી દુર્ઘટના ટળી હતી. ઉનાળામાં અત્યધિક ગરમીને કારણે ગેસથી ચાલતી મશીનરીમાં ખામીઓ સર્જાવાની શક્યતા વધી જાય છે. આવી પરિસ્થિતિમાં મશીનરીની નિયમિત જાળવણી અને મરામત અત્યંત આવશ્યક છે.
ગેસ સિલિન્ડરના વિસ્ફોટને ટાળવા અને તેનાથી બચવા માટે ગૃહિણીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. રસોઈ કર્યા બાદ ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરની સ્વીચ બંધ કરી દેવી જોઈએ. જો ગેસ સિલિન્ડર ચાલું રાખવામાં આવે તો ગેસનો બગાડ થાય છે. રસોડાની બારી હંમેશા ખુલ્લી રાખવી જોઈએ. જો બારી બંધ હોય તો ગેસ આખા રૂમમાં પ્રસરી જાય છે. પરિણામે વિસ્ફોટ સર્જાય છે. ગેસ પાઇપ લીક થઈ રહી છે કે નહીં તેની પણ નિયમિતપણે ચકાસણી કરતાં રહેવું જોઈએ. આ માટે, સાબુ પાવડર અને પાણીને મિક્સ કરો અને સાબુનું દ્વાવણ બનાવવું. આ દ્વાવણને હોસપાઈપ, રેગ્યુલેટર, વાલ્વ વગેરે પર લગાવો. જે પણ જગ્યાએ લીકેજ હશે, ત્યાં આ દ્રાવણ મોટા પરપોટા બનાવીને પ્રતિક્રિયા આપશે. આ જગ્યા લીકેજનું સૂચન કરે છે. જેનો જલ્દી નિરાકરણ લાવી દેવું જોઈએ.
ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહી.બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહી.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ