વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભારત વિજય યાત્રાના કુશળ સંગઠન શિલ્પી એકાત્મ સાથી અમિતભાઈ શાહે કાશ્મીર મામલે મોદી સરકારની કાશ્મીર નીતિ-નિર્ણયની મજબૂત ઇચ્છાશક્તિ દર્શાવી છે: ધ્રુવ
ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સામાન્યતમ કાર્યકર્તા તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર વ્યક્તિ આજે ભારતીય રાજકરણમાં ’ચાણક્ય તરીકે ઓળખાય છે. પક્ષનાં સામાન્ય કાર્યકર્તામાંથી પ્રમુખ કર્તાહર્તા બનનાર તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ બાદ કાશ્મીર સમસ્યા ના ઉકેલ માટે દીર્ઘદ્રષ્ટિ સાથે મજબૂત નીતિ નિર્ણય લેનાર બીજા ગુજરાતી કેબિનેટ ગૃહમંત્રી થનાર અમિતભાઈ શાહ પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે રાજુભાઈ ધ્રુવે આ અંગે જણાવ્યું હતું કે, અમિતભાઈ શાહ એક અત્યંત પ્રેરક નેતૃત્વના ધની, અથાક પરિશ્રમી, અદ્દભુત રણનીતિજ્ઞ, કૂશળ સંગઠનકર્તા અને સંનિષ્ઠ કર્મયોગી છે એટલું જ નહીં, ભાજપના કરોડો કાર્યકર્તાઓના અનન્ય પ્રેરણાસ્ત્રોત સમાન અત્યંત યશસ્વી રાજપુરૂષ એવા પક્ષ અધ્યક્ષ અને દેશનાં ગૃહમંત્રી છે. કોઈપણ પક્ષના પ્રમુખ કેવા હોવા જોઈએ તેનું અત્યંત ઉત્તમ ઉદાહરણ અમિતભાઈ શાહે દેશના તમામ રાજકીય પક્ષોને પૂરું પાડ્યું છે. અલબત્ત ભારતનાં ગૃહમંત્રી બન્યા બાદ કાશ્મીર, અમરનાથ યાત્રા, શાંતિ-સલામતી, આતંકવાદ, કલમ ૩૭૦ સહિતનાં મુદ્દે અમિતભાઈ શાહનું વલણ જોતા તેઓ એક સફળ ગૃહમંત્રી પણ સાબિત થશે એમાં કોઈ બેમત નથી. અમિતભાઈ શાહે પોતાની રાજનૈતિક કારકિર્દીને માત્ર વ્યવસાયિક રાજકરણનો ભાગ બનાવવાને બદલે દેશસેવાનું માધ્યમ બનાવ્યું છે.
દેશનાં નવા ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાશ્મીર સમસ્યા ઉકેલ માટે કેટલા પ્રતિબદ્ધ છે એ તેમની કાશ્મીર યાત્રા પરથી સમજી શકાય છે. ધર્મનાં આધારે દેશમાં ભાગલા પાડનાર અને પં.નહેરુની ભૂલોનું વારંવાર પુનરાવર્તન કરનાર કોંગ્રેસ આજ સુધી કાશ્મીર મુદ્દે ગંભીર ન હતી પરંતુ દેશનાં પ્રથમ ગુજરાતી ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ બાદ વર્તમાન ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાશ્મીર સહિતનાં મુદ્દે અત્યંત ગંભીર-કડક વલણ દાખવી દેશમાં એકતા-અખંડિતા વાતાવરણ વધુ મજબૂત બનાવશે. કાશ્મીરમાં ૯૦૦થી વધુ લોકોની બિનજરૂરી સુરક્ષા હટાવી લેવામાં આવી છે એ જ રીતે કામચલાઉ લાદવામાં આવેલી કલમ ૩૫૬, ૩૭૦ પણ ભવિષ્યમાં કાશ્મીરમાંથી હટી જાય તો નવાઈ નહીં. અમરનાથ યાત્રા શરૂ થવાના પગલે લાખો શ્રદ્ધાળુઓની સલામતી ચકાસણી સ્વયં પોતે અમરનાથ જઇ ને કરી અમિતભાઈ શાહે પુરવાર કર્યું છે કે, તેઓ દેશ ની પ્રજાની શાંતિ-સલામતી બાબતે જરા પણ બાંધછોડ નહીં કરે. ઈતિહાસમાં જવાહરલાલ નહેરુએ કરેલી કાશ્મીર ભૂલો વર્તમાનમાં પોતાની કાશ્મીર નીતિ દ્વારા અમિતભાઈ શાહ સુધારી લેશે.
અમિતભાઈ શાહની ૩-૪ જુલાઈ દરમિયાન ગુજરાત યાત્રાથી પ્રજા અને પક્ષમાં ઉત્સાહ-ઉમંગનો માહોલ છે. ખાસ કરીને અમદાવાદ-ગાંધીનગરનાં લોકોમાં અમિતભાઈ શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અચૂક જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવાના હોય આનંદનો અભૂતપૂર્વ સંચાર થયેલો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા અમિતભાઈ શાહની મુલકાત ખાસ અગત્યની બની રહેવાની છે. તેઓ ત્રણ જુલાઈના રોજ આશ્રમ રોડ પર નવનિર્મિત ઇન્કમટેક્ષ તદુપરાંત ડી કે પટેલ હોલ અને લાઇબ્રેરીનું અનાવરણ કરશે અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ અષાઢી બીજના પાવન દિવસે અમિતભાઈ શાહ જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક મંગળા આરતીમાં ભાગ લેશે. આટલું જ નહીં જનસંઘ-ભાજપ ના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ નિમિત્તે સંગઠન પર્વની ઉજવણી નજીક હોય ત્યારે અમિતભાઈ શાહની ગુજરાતમાં હાજરી પક્ષ માટે પ્રેરક બની રહેશે.
ભારતનાં ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપને અત્યંત સંગઠિત, મજબૂત અને દેશવ્યાપી બનાવવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું ચરિતાર્થ કરવાના અભિયાનમાં નરેન્દ્રભાઈ મોદી સાથે હંમેશા ખભે ખભા મિલાવીને સંનિષ્ઠ કાર્ય કરી રહેલા અમિતભાઈ આજે ભાજપના નાનામાં નાના કાર્યકરથી માંડી પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય કક્ષાના તમામ નેતાઓ માટે અખૂટ પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે. અમિતભાઈ અને નરેન્દ્રભાઈએ ભાજપની સફળતાયાત્રામાં કદીયે પાછું વળીને જોયું નથી. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી અને તેમાં ભાજપની ભવ્ય સફળતા પછી ભાજપના સંગઠનની જવાબદારી કોને સોંપવી તે અગત્યનો વિષય હતો પરંતુ નરેન્દ્રભાઈ મોદીને અમિતભાઈની શક્તિ, કુનેહ, આવડત અને ગોઠવણમાં સૌથી વધુ વિશ્વાસ હતો એટલે સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો સમન્વય રહે તે બાબત નજર સમક્ષ રાખીને અમિતભાઈને જ એ જવાબદારી સોપવામાં આવી. અમિતભાઈએ છેલ્લા સાડા પાંચ વર્ષ દરમિયાન ભારતભરમાં સતત પ્રવાસ, બેઠકો, રેલીઓ, સભા સંમેલન , જે તે રાજ્યના ગણમાન્ય નેતાઓની સંપર્ક-મુલાકાતો અને તેના માધ્યમથી ભાજપના સંગઠનને વધુ ચેતનવંતુ બનાવ્યું અને દરેક રાજયમાં જુના નવા અગ્રણીઓ વચ્ચે સંકલન સાધવાની સાથે ભાજપને કેન્દ્રમાં રાખીને અદ્દભૂત પક્ષીય માળખું ગોઠવ્યું જેનાથી ભાજપ અને સંઘ પરિવારનું સંકલન દેશભરમાં ખૂબ જ અસરકારક બની રહ્યું. પરિણામસ્વરૂપે ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહનાં નેતૃત્વમાં ભાજપ ૨૦૧૪ કરતા પણ વધુ ભવ્યાતિભવ્ય જીત મેળવવામાં સફળ રહ્યું અને અમિતભાઈ શાહ ભારતનાં ગૃહમંત્રી તરીકે મોદી સરકાર માં ખુબજ મહત્વ ની જવાબદારી સંભાળી રહ્યા છે.કાશ્મીર અને બંગાળ માં રાષ્ટ્રીય હિતો ને ધ્યાન માં રાખી ખુબ અગત્યના જરૂરી નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે ભારતનાં ગૃહમંત્રી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતબાઈ શાહના ગુજરાત પ્રવાસને આવકારતા આ પ્રવાસ પ્રજા-પક્ષ બંને માટે લાભદાયી નીવડશે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.