બપોરે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માતાના મઢે દર્શન કરી અમિત શાહ કચ્છથી રવાના થશે
કેન્દ્રીય ગૃહ મંત્રીનું ગત રાત્રે કચ્છમાં આગમન થયું છે. સરહદી ક્ષેત્ર વિકાસ મહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું. તેઓ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાયેલ સંમેલનમાં ભાગ લીધો હતો.
સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ ૨૦૨૦ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી-વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રિય ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ૧૦૬, પાટણના ૩૫, બનાસકાંઠાના ૧૭ મળી કુલ ૧૫૮ ગામના સરપંચો, આગેવાનો સહભાગી થયા હતા. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં ૬૦ ટકા કેન્દ્ર સરકારની અને ૪૦ ટકા રાજય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના ૧૬ રાજયો અને ૨ કેન્દ્ર શાસિત માં ૧૧૧ જેટલા સરહદી જિલ્લાઓમાં ૩૯૬ બ્લોક આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય, સુખાકારી, ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહયા છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં ૧૬૩૮ પ્રોજેકટ હેઠળ રૂ.૧૯,૩૭૫.૪૮ લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં ૧૦૦૨, બનાસકાંઠા જિલ્લામાં ૩૫૫ અને પાટણ જિલ્લામાં ૨૮૧ પ્રોજેકટ પૂર્ણ કરાયા છે.
ધોરડો ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં અમિત શાહે પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ મુખ્ય કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરાયુ હતું. ઉપરાંત સરપંચોએ પણ પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રિય ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદબોધન કર્યું હતું.
ધોરડો સુધી વોલ્વો બસનો આજથી પ્રારંભ
કચ્છના પ્રખ્યાત સફેદ રણ ધોરડો સુધી વોલ્વો પ્રિમિયર બસ સર્વિસ શરૂ થશે. આજે ધોરડો થી બપોરે ૧૪.૧૦ થી રાજકોટ, રાજકોટથી ધોરડો સવારે ૬ કલાકે, ધોરડો થી બરોડા બપોરે ૧૪.૧૦ કલાકે, બરોડા થી ધોરડો રાત્રે ૨૧ કલાકે અને ધોરડો થી સુરત બપોરે ૧૫.૧૦ કલાકે તેમજ સુરતથી ધોરડો રાત્રિના ૧૯ કલાકે વોલ્વો બસનો પ્રારંભ કરાશે. વિશેષમાં કચ્છ જિલ્લાના દરેક ડેપો મધ્યેથી દાહોદ, ગોધરા, સંજેલી, બોડેલી, છોટા ઉદેપુરનું એકસ્ટ્રા સંચાલન ચાલુ જ છે. તે ઉપરાંત ગુજરાતના કોઇપણ જગ્યાએ મુસાફરોને જવા માટે એકસ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેની નોંધ મુસાફરો જનતાએ લેવી તેવું એસ.ટી.વિભાગીય નિયામક, ભુજની યાદીમાં જણાવાયું છે.
આગામી તા.૩૦ અને દેવદિવાળીએ કચ્છની બે મોટી યોજનાઓનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
આગામી ૩૦મીએ દેવ દેવાળીના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવશે અને જિલ્લાની બે મોટી યોજના નવીનીકરણીય ઉર્જા અને દરિયાઇ પાણીના શુધ્ધિકરણ પ્લાન્ટના કામનો પ્રારંભ કરાવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જિલ્લામાં સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પાર્કના કામનો પ્રારંભ કરાવવા વડાપ્રધાન કચ્છ આવવાના હોઇ, તે જ દિવસે માંડવી ખાતે આકાર પામનારા દરિયાઇ પાણીના શુદ્ધિકરણ માટેના પ્લાન્ટના કામનો પ્રારંભ કરાવવા રાજ્ય સરકારે પણ આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં વડાપ્રધાન કચેરીને પ્રોજેક્ટની તૈયારી અંગેની માહિતી અપાઇ છે. અત્રે એ નોંધનીય છે કે, ગુજરાત કેબિનેટ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૦માં સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પાર્ક માટેની લાંબા સમયથી બાકી રહેલી દરખાસ્તને મંજૂરી અપાઇ છે. ઔપચારિક કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાથી વડાપ્રધાન ગ્રાઉન્ડ લેવલથી એજન્સીઓ મારફતે કાર્યનો પ્રારંભ કરાવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે પી.એમ.ઓ. દ્વારા બે વર્ષ એટલે કે, ૨૦૨૨ સુધીની અવધિ અપાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.