બોલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો બ્લુ કલરનો હાથી રુ. ૧૦ લાખમાં વેચાયો હતો. શિનવારે રાત્રે મુંબઈમાં એલિફંટ પરેડ દરમિયાન આ બોલી લાગી હતી. જે પાછલા એક મહિનાથી ચાલતા પ્રદર્શનનો છેલ્લો તબક્કો હતી. એલિફંટ પરેડમાં હાથીઓની રંગબેરંગી મૂર્તીઓનું પ્રદર્શન ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતેથી શરુ થઈને પ્રિયદર્શિની પાર્ક, વર્લી સી ફેસ, બાંદ્રા ફોર્ટ જેવા વિસ્તારોમાં યોજાયું હતું જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
હાથીઓની આ મૂર્તીઓ જોવામાં સૌથી વધુ ઉત્સાહ બાળકોને આવ્યો હતો. બાળકો આ હાથીઓની સાથે સેલ્ફી, ફોટો લેતા હતા અને તેને ભેટી પડતા હતા. પાંચ ફૂટ ઉંચા આ હાથીઓને અનેક ચિત્રકારો, શિલ્પકાર, લોક કલાકારો, ફેશન ડિઝાઇનર્સ અને બોલિવુડ એક્ટર્સ અને એક્ટ્રેસીસે પોતાની કલ્પના મુજબ લાલ, ગુલાબી, લીલા અને પીળા રંગોથી સજાવ્યા હતા.
હાથીઓની સંખ્યામાં થતા ઘટાડા સામે હાથીઓને સંરક્ષણ પૂરુ પાડવા માટે બનાવવામાં આવેલ એલિફંટ ફેમિલીના અધિકારીઓએ ૧૦૧ હાથીઓના આ પ્રદર્શનમાં અમિતાભ બચ્ચનના નામનો હાથી મુકવા માટે બીગ બી સાથે વાત કરી હતી.
જે પછી અમિતાભે પોતાની પંસદનો હાથી તૈયાર કરાવડાવ્યો હતો. જેમાં તેમણે હાથીનો રંગ બ્લુ રાખ્યો અને પછી તેના પર ફૂલ-પાન વગેરે સજાવ્યા હતા. તેમજ હાથીના શરીર પર હરીવંશરાય બચ્ચને બાળકો માટે લખેલી કવિતા કોતરવામાં આવી હતી.