ગુજરાતની ટૂંકી મુલાકાતે પધારેલા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે સોમવારે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો ત્યારબાદ જે ચિત્ર ઉપસી રહ્યું છે તેના પરથી એવા રાજકીય સંકેતો મળી રહ્યાં છે કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે શાહની વન ટુ વન મુલાકાત ખુબજ સુચક માનવામાં આવે છે અને કોઈ ગંજીપો ચીપાશે કે કેમ તે અંગે રાજકીય વર્તુળો અનેક પ્રકારની ચર્ચા-વિચારણામાં ગુથાઈ ગયા છે, અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. પણ એ તમામ અનુમાનોની આંધી વચ્ચે એવી સંભવિત અને નક્કર હકીકત ઉપસી રહી છે કે, 2022 સુધીમાં વહીવટી માળખામાં વ્યાપક ફેરફારો હાથ ધરવામાં આવી શકે છે.
2022 પહેલા વહીવટી માળખામાં વ્યાપક ફેરફારો થવાની શકયતાનો સંકેત
આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા કાબેલ અને અનુકુળ અધિકારીઓ મુકવાનો વ્યૂહ
આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા કાબેલ અને વહીવટી કુનેહ ધરાવતા અધિકારીઓને યોગ્ય જગ્યાએ મુકવાની મોટી કવાયતના આયોજનરૂપે ગાંધીનગરમાં ઉચ્ચકક્ષાની બેઠક થઈ હોવાનું માનવામાં આવે છે.
ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે રૂપાણી અને નીતિન પટેલ સાથે અમિત શાહે લાંબો સમય ચર્ચા-વિચારણા કરી હતી. અમદાવાદ ખાતેના એસ.જી.રોડ તથા અન્ય સ્થળના જાહેર કાર્યક્રમો સમયે પણ રૂપાણી અને નીતિન પટેલ સતત અમિત શાહની સાથે જ રહ્યાં હતા. એટલું જ નહીં ગાંધીનગરમાં અમિત શાહ જ્યારે સર્કિટ હાઉસ આવ્યા ત્યારે તે કારમાં શાહની સાથે નીતિન પટેલ પણ જોવા મળ્યા હતા. રાજકીય અને જાણકાર સુત્રો આ કવાયત અને ચર્ચાને ઘણું મહત્વ આપી રહ્યાં છે અને રાજકીય નહીં પણ વહીવટી ફેરફારો સાથે સાંકળીને આ મુલાકાતને જોઈ રહ્યાં છે. કેબીનેટમાં રીશફલની કોઈ શકયતા દેખાતી નથી. પણ વહીવટી દ્રષ્ટિએ મોટાપાયે ગંજીપો ચીપવામાં આવે તેવી શકયતા રાજકીય સુત્રો જોઈ રહ્યાં છે.
2022ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા વહીવટી ફેરફારો હાથ ધરવામાં આવી શકે છે. મહત્વના સ્થાન ઉપર વહીવટી કુનેહ ધરાવતા સક્ષમ અને કાબેલ અધિકારીઓને મુકવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે તેવું મનાય છે. ગૃહમંત્રી શાહ દ્વારા આ મુદા પર જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે વિચાર મંથન કરવામાં આવ્યું હોય તેવી પુરી શકયતા છે. આગામી દિવસોમાં વહીવટી પાંખમાં મોટાપાયે ફેરફારોનો ગંજીપો ચીપાશે તે નક્કી માનવામાં આવે છે.