ગુજરાતમાં ૧૫૦ અને લોકસભામાં ૩૫૦ બેઠકો પર જ ધ્યાન કેન્દ્રીત કરશે દશેરા પછી ભાજપ ઈલેકશન મોડમાં: ૧લી ઓકટોબરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કેબિનેટ મિનિસ્ટર તરીકે જોડાય તેવી શક્યતાને ભાજપના ઉચ્ચ વર્તુળોએ તદ્દન પાયાવિહોણી અને વાહિયાત ગણાવી ફગાવી દીધી છે. તેઓ હાલ ગુજરાત વિધાનસભા તથા આગામી લોકસભા ચૂંટણીમાં પક્ષને મહત્તમ સફળતા અપાવવા પર જ ધ્યાન કેન્દ્રીત કરશે તેમ જણાવાયું છે.
અમિત શાહ તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા છે. બીજી તરફ હવે હવે ગમે તે ઘડીએ મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની ઘડીઓ ગણાઇ રહી છે. આ તબક્કે રાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં અમિત શાહ મોદી કેબિનેટમાં જોડાઇ રહ્યાની અફવાઓએ વેગ પકડ્યો હતો. અમિત શાહ આગામી તા. ૨૫મીએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કરવાના છે અને ત્યારબાદ પક્ષના આગામી એજન્ડા પર સંપૂર્ણ ફોક્સ કરવાના છે. વર્તુળોના જણાવ્યા અનુસાર અમિત શાહ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ૧૫૦ બેઠકો તથા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પક્ષને ૩૫૦ બેઠકો મળે તે માટેની વ્યૂહરચના આગળ વધારી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપે ૧૫૦ પ્લસ બેઠકોના લક્ષ્યને પાર પાડવા માટે તૈયાર કરેલી રણનીતિ મુજબ હવે આગામી બે મહિના સુધીના ચૂંટણીલક્ષી કાર્યક્રમો આજે જાહેર કરી દીધા છે. તેમાં સપ્ટેમ્બર માસમાં મોટાભાગના રાજ્યને આવરી લેતી રાજ્ય સરકાર તેમજ વિવિધ સ્વૈચ્છિક, સામાજિક સંગઠનો, જનતાના સહયોગથી નર્મદા મહોત્સવ યાત્રા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે વખત ગુજરાત યાત્રાથી ચૂંટણી પૂર્વેના વાતાવરણને ચાર્જ-અપ થશે. ત્યારબાદ ૧ ઓક્ટોબરથી ભાજપ તેનો વિધિવત ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરશે.
આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષની ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારો, કોર કમિટી, પાર્લામેન્ટરી બોર્ડ, મોરચા, જિલ્લા મહાનગરોના પ્રમુખ, મહામંત્રીઓ, પ્રભારીઓ અને વિધાનસભાના વાલીઓની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વાઘાણીએ રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહે ગુજરાત માટે નિશ્ચિત કરેલા ૧૫૦ પ્લસ બેઠકોની જીતના લક્ષ્યાંકને પાર પાડવા માટે સંગઠનના વિવિધ સ્તરોને સક્રિય કરી માઇક્રો પ્લાનિંગ કરવા, રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારોની પ્રજાલક્ષી કામગીરીને જનજન સુધી પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે પણ કેટલાક સૂચનો કર્યા હતા.
પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે નક્કી થયેલા કાર્યક્રમોની વિગતો આપતા કહ્યું કે, ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન છે અને આ દિવસે તેઓ ગુજરાત જ નહીં સમગ્ર દેશના વિકાસમાં સિંહફાળો આપનાર નર્મદા ડેમનું લોકાર્પણ કરનાર છે. અહીં નોંધવું જરૂરી છે કે વડાપ્રધાન ૧૩ સપ્ટેમ્બરે જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેની ઉપસ્થિતિમાં અમદાવાદ-મુંબઇ વચ્ચેના હાઇસ્પિડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરનાર છે. આ ઉપરાંત પણ વિવિધ કાર્યક્રમો, ખાતમુહૂર્ત તેમના હસ્તે થનાર છે.
પંડ્યાએ કહ્યું કે, ૨૪ ઓગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન યુવા મોરચા દ્વારા ૧૮૨ વિધાનસભા દીઠ વિજય ટંકાર યુવા સંમેલનો યોજાશે. ૨૭ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ તમામ ૪૯,૦૦૦ બૂથ ઉપર કાર્યકર્તાઓ એકત્રિત થઇને સાંભળશે. ગુરુવારથી રાષ્ટ્રીય સ્તરે જાહેર થયેલા અને ગુજરાતભરમાં શરૂ થયેલા ભારત જોડો કાર્યક્રમ થકી નયા ભારતના નિર્માણ માટે સૌને જોડાવા હાકલ કરી છે તેના ભાગરૂપે સંકલ્પ સે સિદ્ધિના મંત્ર સાથે ભાવનગર, સુરત, મહેસાણા, ભુજ, બનાસકાંઠા, વડોદરા, અમદાવાદ અને દાહોદ ખાતે કેન્દ્રિય પ્રધાનો મનસુખ માંડવીયા, સ્મૃતિ ઇરાની, હરિભાઇ ચૌધરી, પી.પી. ચૌધરી, પ્રકાશ જાવડેકર, જશવંતસિંહ ભાભોર તેમજ રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, ઉપપ્રમુખ ઓમ માથુર તેમાં હાજર રહી સંબોધન કરશે. આ જ રીતે સપ્ટેમ્બર માસમાં યુવા, મહિલા, બક્ષીપંચ, અનુસૂચિત જાતિ, જનજાતિ, કિસાન મોરચા દ્વારા વિધાનસભા દીઠ સંમેલનો યોજાશે, જેમાં પ્રદેશ અગ્રણીઓ, ધારાસભ્યો, સાંસદો વગેરે ઉપસ્થિત રહેશે. ૩ સપ્ટેમ્બરે પ્રદેશ સ્તરે મીડિયા વર્કશોપ અને સોશિયલ મીડિયા વર્કશોપ યોજાશે.
૬થી ૧૫ સપ્ટેમ્બર નર્મદા યાત્રામાં ભાજપ સંગઠન પણ સક્રિય રીતે જોડાશે, તેમ કહી પ્રવક્તાએ ઉમેર્યું છે કે, ૧થી ૫ ઓક્ટબર દરમિયાન ભાજપના ૪૯,૦૦૦ બૂથ પર વિસ્તારકો પાંચ દિવસ ઉપસ્થિત રહી લોકસંપર્ક, પેજ પ્રમુખ મિલન, સ્વચ્છતા અભિયાન જેવા સેવાકીય કાર્યો કરશે. ૧થી ૧૫ ઓક્ટોબર દરમિયાન પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશના નેતાઓ કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ પ્રચાર યાત્રાઓ શરૂ કરશે. આ દરમિયાન દિવાળી પછીના નૂતન મિલન સમારંભો દરેક વિધાનસભા દીઠ યોજવામાં આવશે.
ચૂંટણીમાં ૧૦૦ રિટર્નીંગ ઓફિસરોને ઈવીએમ સાથે વીવીપીએટીની સ્લીપો ગણવાનું કહેણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર-૨૦૧૭માં બે તબક્કામાં યોજાવાની છે. જેની તારીખની જાહેરાત સંભવત: ઓક્ટોબર દરમિયાન થશે. જેમાં પ્રથમવાર ગુજરાતમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીન સાથોસાથ વોટર વેરિફાઈ્ડ પેપર ઓટિડ ટ્રેઈલ (વીવીપીએટી)નો પણ ઉપયોગ કરાશે. સામાન્ય રીતે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીના પરિણામો બાદ ઈવીએમમાં ચેડા કરાયા હોવાના આક્ષેપો કરાય છે ત્યારે આ વખતે ગુજરાતમાં પ્રથમવાર લગભગ દરેક વિધાનસભાની બેઠક હેઠળ આવતાં બૂથોમાંથી અમુક ટકા (અંદાજે ૧૦ ટકા) બૂથોને પસંદ કરીને તેમાં ઈવીએમ ઉપર થયેલા મતદાન મુજબના મત(વોટ)ની ગણતરીની સાથોસાથ વીવીપીએટીની સ્લીપોની પણ ગણતરી હાથ ધરાય ઉપરાંત દરેક બેઠક દીઠ મહિલાઓ માટે મહિલાઓ દ્વારા સંચાલિત એવા અમુક બૂથ અનામત રખાય અને તેવા બૂથોને પિન્ક-બૂથનામ અપાય, તેવી બાબત હાલ પંચની વિચારણા હેઠળ છે.
કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા હાલના તબક્કે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (ગુજરાત યુનિટ)ને કોઈ લેખિત સૂચના અપાઈ નથી પરંતુ કેન્દ્રિય ચૂંટણીની ટીમ દ્વારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ બજાવનારા અધિકારીઓને આ બાબતે તાલીમ આપવાની શરૂઆત કરી દીધી છે. એવી શક્યતા છે કે, ગુજરાતના તમામ ૧૮૨ રિટર્નિંગ અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ પૂરી કરાયા બાદ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના યુનિટને આ બાબતે લેખિતમાં સૂચના અપાયા બાદ જ તેની સત્તાવાર જાહેરાત કરાશે.
કેન્દ્રિય ચૂંટણી પંચના ઉચ્ચાધિકારીઓની એક ટીમ અત્યારે ગુજરાત આવી પહોંચી રહી છે. જે ગુજરાતના ૧૦૦ જેટલા રિટર્નિંગ ઓફિસરો (આરઓ)ને ચૂંટણી બાબતના તમામ મુદ્દાઓને આવરી લઈને તાલીમ આપી રહી છે. ૨૨મીથી શરૂ થયેલી આ તાલીમ ૨૫મીના શુક્રવારે પૂરી થશે પછી વિધાનસભાના કુલ ૧૮૨ મત-વિસ્તારો પૈકીના બાકી રહેતા ૮૨ મત-વિસ્તારો માટેના છઘને ૨૭મીના સોમવારથી ચાર દિવસ માટે તાલીમ આપવાનું શરૂ કરાશે.
જાણવા મળ્યા મુજબ, કોઈપણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી યોજાયા બાદ તેના પરિણામો પછી સતત એવા આક્ષેપ થાય છે કે, જીતનાર પક્ષ દ્વારા ઈવીએમ કોઈ ચેડા કરાયા હશે. આ બાબત કોર્ટના દ્વારે પણ પહોંચી હતી. જેના અનુસંધાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીનની સાથે વીવીપીએટી (વોટર વેરીફાઈ્ડ પેપર ઓડિટ ટ્રેઈલ)નો પણ ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે. આ એવી સિસ્ટમ છે કે, જેમાં ઈવીએમમાં વોટ આપ્યા બાદ મતદારે કોને, ક્યા પક્ષને વોટ આપ્યો છે, તેની એક સ્લીપ મતદારને અમુક સેક્ધડ માટે દેખાય છે અને તે પછી તે સ્લીપ વીવીપીટીના સીલબંધ બોક્સમાં પડી જાય છે.