ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે એક દિવસનાં ગુજરાત પ્રવાસે: રાજકોટમાં પણ ટુંકું રોકાણ કરે તેવી સંભાવના
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ બપોરે વિશ્વપ્રસિઘ્ધ સોમનાથ મહાદેવનાં દર્શન કરી પુજા-અર્ચના કરશે. સોમનાથ જતા પૂર્વે તેઓ રાજકોટ એરપોર્ટ પર ટુંકું રોકાણ કરે તેવી સંભાવના જણાઈ રહી છે. અમિત શાહનાં આગમન પૂર્વે સોમનાથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટની મુલાકાતની પણ સંભાવના હોય પોલીસ સ્ટેન્ડ ટુ થઈ ગઈ છે.
લોકસભાની ચુંટણીનાં સાત તબકકા પૈકી ૬ તબકકા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આગામી ૧૯મીનાં રોજ ૭માં તબકકાનાં મતદાન માટે આજે સાંજે પ્રચાર-પડઘમ શાંત થઈ રહ્યા છે ત્યારે છેલ્લા બે માસથી ચુંટણી પ્રચાર અને રણનીતિમાં અતિવ્યસ્ત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે એક દિવસ માટે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે સોમનાથ મહાદેવનાં દર્શન માટે આવશે. બપોરે ૧૧ થી ૨ કલાક દરમિયાન તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકું રોકાણ કરે તેવી સંભાવના પણ જણાઈ રહી છે.
જોકે રાજકોટમાં તેઓનો કોઈપણ સતાવાર કાર્યક્રમ હજી સુધી નકકી થયો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. બની શકે તેઓ અમદાવાદ હવાઈ માર્ગે સીધા જ સોમનાથ જાય અને ત્યાંથી જ સીધા અમદાવાદ જવા રવાના થઈ જાય. બીજી એવી પણ શકયતા હાલ જણાઈ રહી છે કે, અમિતભાઈ શાહ સોમનાથ જતા પૂર્વે રાજકોટ એરપોર્ટ પર ટુંકું રોકાણ કરશે અને શહેર તથા જિલ્લા ભાજપનાં સંગઠનનાં હોદેદારો સાથે મુલાકાત કરશે. જોકે આ શકયતા હાલ જો અને તોનાં સમીકરણો વચ્ચે રમી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,લોકસભાની ચુંટણીમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચુંટણી લડયા છે. ગત ૨૩મી એપ્રિલનાં રોજ ગુજરાતની તમામ બેઠક માટે મતદાન પૂર્ણ થયા બાદ તેઓએ અન્ય રાજયોમાં ભાજપનાં પ્રચારની કમાન સંભાળી લીધી હતી. છેલ્લા બે માસથી તેઓ સતત ચુંટણી પ્રચાર અને રણનીતિમાં વ્યસ્ત છે.
આજે સાતમાં અને અંતિમ તબકકાનાં મતદાન માટે પ્રચાર-પડઘમ શાંત થતાની સાથે જ નવરાશનો સમય મળતાં અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવનાં ચરણોમાં શીશ ઝુકાવવા માટે માદરે વતન ગુજરાત દોડી આવ્યા છે. તેઓ સોમનાથ મહાદેવને ફરી કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર રચાય તેવી પ્રાર્થના કરશે. અમિત શાહનાં આગમનથી રાજયમાં ભાજપનાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને સોમનાથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.