ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપાનું કમળ ખીલશે તે નિશ્ચિત છે: જીતુભાઇ વાઘાણી
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે, એક બૂથના કાર્યકરથી શરૂઆત કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચી પૂર્વોત્તર રાજ્યોથી લઇ સમગ્ર દેશમાં ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારાને વ્યાપક રીતે પ્રસ્થાપિત કરનાર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ આગામી તારીખ ૩૦ માર્ચ,૨૦૧૯ના રોજ ગાંધીનગર લોકસભા બેઠક પર નામાંકન પત્ર ભરશે.
વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમિતભાઇ શાહ નામાંકન ભરતા હોય તે ઐતિહાસિક ક્ષણને વધાવવા હજારો કાર્યકર્તાઓ, ધર્મગુરુઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં સવારે ૯.૦૦ કલાકે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં મેગા રોડ-શો યોજવામાં આવશે. અમિતભાઇ શાહ તેમના નારણપૂરા ખાતે આવેલ જૂના નિવાસસ્થાન પાસેની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી આ મેગા રોડ-શોની શરૂઆત કરશે.
ત્યાંથી આગળ વધતાં પલ્લવ ચાર રસ્તા – શાસ્ત્રીનગર – પ્રભાત ચોક થઇ પાટીદાર ચોક સુધી આશરે ૪ કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. આ રોડ-શોના સમાપન બાદ અમિતભાઇ શાહ ગાંધીનગર મુકામે પહોંચશે, જ્યાં સેકટર-૬/૭ના બસ સ્ટેન્ડથી પથિકાશ્રમ સુધી ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી માનવ સાંકળનું નિર્માણ કરી અમિતભાઇ શાહને વધાવશે. આવા ઉત્સાહજનક વાતાવરણમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ જ્વલંત વિજયના સંકલ્પ સાથે કલેક્ટર કચેરી ખાતે નામાંકન દાખલ કરશે.
વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ ગાંધીનગર લોકસભા બેઠક પર જાહેર થતાની સાથે જ કોંગ્રેસની તમામ વ્યવસ્થાઓ ખોરવાઇ ગઇ છે ત્યારે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપાનું કમળ ખીલશે તે નિશ્ચિત છે.