મોદીના નંબર ૨ ‘શાહ’ ગૃહના ‘શહેનશાહ’ બનશે?
વડાપ્રધાન મોદીના ‘રાષ્ટ્રવાદ’ના વાયદાઓને પૂર્ણ કરવા અને દેશની આંતરીક સુરક્ષાને મજબૂત કરવા લોખંડી મનોબળ
ધરાવતા અમિત શાહને વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી બનાવ્યા બાદ રાષ્ટ્રપ્રેમીઓની તેમની પાસે ભારે અપેક્ષાઓ
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસવાદની સાથે રાષ્ટ્રવાદના મુદાને ઉઠાવીને પ્રચંડ જનાદેશ મેળવ્યો હતો. મોદીએ ગઈકાલે કરેલી ખાતાની ફાળવણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને ગૃહમંત્રી બનાવીને ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમને કરેલા રાષ્ટ્રવાદના સંકલ્પોને ફળીભૂત કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં મોદીના મુખ્ય પ્રધાન પદ નીચે ગૃહ ખાતુ સંભાળનાર શાહ સામે હવે દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરૂષનું બિરૂદ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલની સંકલ્પનાના રાષ્ટ્રવાદના અધુરા કાર્યોને પૂર્ણ કરવાની અપેક્ષા રાષ્ટ્રપ્રેમીઓ રાખી રહ્યા છે. શાહ પાસે કાશ્મીરથી લઈને કન્યા કુમારી અને ગુજરાતથી લઈને પૂર્વોજાર રાજયોની અનેક સમસ્યાઓ સામેકડક હાથે કામ લેવાની અપેક્ષા જોવાઈ રહી છે.
અંગ્રેજોમાં ૧૫૦ વર્ષનાં અત્યાચારી શશસન બાદ દેશનેક ૧૯૪૭માં આઝાદી મળી ત્યારે નવી સરકાર સામે અનેક વિકરાળ સમસ્યાઓ મ્હો ફાડીને ઉભી હતી તેમાંની સૌથીમોટી સમસ્યા દેશના ૫૬૨ દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવાની હતી. મજબૂત મનોબળના કારણે લોખંડી પુરૂષનું બિ‚દ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલે ગૃહમંત્રી બન્યા બાદ આ પડકારને ઝીલી લીધો હતો.
તેમને તમામ દેશી રજવાડાઓનો શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને ભારતને એક દેશ બનાવ્યો હતો. પરંતુ, કાશ્મીરને ખાસ રાજયનો દરજજો, આપતી નહેરૂએ દાખલ કરાવેલી બંધારણ કલમ ૩૭૦ અને ૩૫ એનો સરદારે વિરોધ કર્યો હતો. પરંતુ આ કલમો દૂર કરાવીને કાશ્મીરને ભારતનું અભિન્ન બનાવવાની સરદારની ઈચ્છા તેમના અવસાનથી અધુરી રહી ગઈ હતી.
ભાજપ લાંબા સમયથી જમ્મુ કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને હટાવવાનો વાયદાઓ કરતુ આવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે જમ્મુ-કાશ્મીરમાં મૂળ કાશ્મીરી પ્રજાઓને ખાસ દરજજો આપતી બંધારણની કલમ ૩૫-એને હટાવવાની ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી હતી સરદાર પટેલ પણ ગૃહમંત્રી તરીકે એક દેશ એક કાયદાની તરફેણમાં હતા.
આ કલમોના કારણે કાશ્મીરમાં આતંકવાદ વકર્યો છે. અને આ રાજયનો વિકાસ રૂધાયો છે. તેવા વિચાર સાથે ભાજપે જમ્મુ કાશ્મીર રાજય તથા તેની પ્રજાને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે આ બંને કલમો હટાવવાનો ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો. જેના ભાગરૂપે આતંકવાદ, નકસલવાદ, દેશ દ્રોહી તત્વો વગેરે સામે કડક હાથે કામ લઈને રાષ્ટ્રવાદની વિચારધારાને પ્રબળ બનાવવા વડાપ્રધાન મોદીએ અમિત શાહને ગૃહમંત્રી આપ્યું છે.
ગુજરાતનાં ગૃહમંત્રી તરીકે અમિત શાહે કરેલી યશસ્વી કામગીરીના કારણે રાજયમાં અવાર નવાર થતા કોમી રમખાણો સંપૂર્ણ પણે કાબૂમાં રાખી ગયા હતા ઉપરાંત, તેઓ પોતાની આગવી કાર્યશૈલીના કારણે અધિકારીઓ પાસેથી તેમની શકિત મુજબની શ્રેષ્ઠ કામગીરી કરાવવામાં પણ માહરે હોય તેઓએ રાજયના ગૃહમંત્રી તરીકે આગવી લોકચાહના મેળવી હતી.
શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ તેમની સામે કાશ્મીરના આતંકવાદથી માંડીને દેશના અનેક રાજયોમાં ફેલાયેલા નકસલવાદ તથા કેટલાક શબરીમાલામાં તમામ વયની મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમના હુકમનું યોગ્ય અમલ કરાવવા સહિતની અનેક સમસ્યાઓ ઉભી છે. પરંતુ, અમિત શાહ જે રીતે ગુજરાતનાં ગૃહમંત્રી તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી છે તેને નિહાળીને જ વડાપ્રધાન મોદીએ તેમને કેન્દ્રીય ગૃહમંત્રીનું પદભાર આપ્યું હોવાનું સુત્રમાંથી જાણવા મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને તત્વરીત નિર્ણય લઈ કોઈપણ પરિસ્થિતિમાં ધાર્યું પરિણામ લેવા માટે જાણીતા અમિત શાહને ગૃહખાતુ સોપીને વડાપ્રધાન કાર્યાલય અને આંતરીક સુરક્ષાની વ્યવસ્થાનું સુદ્દઢ સંકલન ઉભુ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે ગૃહખાતાનું નેતૃત્વ બદલાવી આતંકને લોખંડી હાથે દાબી દેવા અમિત શાહને છૂટોદોર આપવાના મત સાથે ગૃહખાતાનો હવાલો સોંપ્યો છે.
સરદાર માટે દેશની આંતરીક સુરક્ષાનો મુદો સૌથી અગત્યનો માનવામાં આવે છે. જયારે શાહ રાષ્ટ્રવાદના પગલાઓ માટે જાણીતા છે. અમિત શાહ રાજનાથસિંહની જેમ રાષ્ટ્રવાદી અભિગમ ધરાવે છે. જોકે બંને વચ્ચે કેટલાક તફાવત છે. રાજનાથસિંહ શાંત રીતે પોતાનું કામ કરવામાં માને છે. ત્યારે અમિત શાહ આક્રમકતાથી સમસ્યાનો અંત લાવવામાં માને છે.ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં અમિત શાહે ગૃહમંત્રી તરીકે આકરા હાથે કામ કરીને અસામાજીક તત્વો અને ગુનેહગારો સામે તાકાતનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો.
અમિત શાહ હવે ગૃહમંત્રી તરીકે પોતાની કામગીરી કરવા સ્વાયત બન્યા છે જોકે શાહ પોતાના કામમાં ધૈર્ય અને પરિણામ માટે લાંબા ગાળાની રણનીતિ માટે પણ નિપૂર્ણ ગણવામાં આવે છે. કોઈપણ નુકશાનના ભોગે લક્ષ્યસિધ્ધિમાં ઉતાવળા થતા નથી અમિત શાહ હવે ગૃહમંત્રી તરીકે મૂર્તિમંત કરવા કામે લાગી ગયા છે. અમિતશાહ એક માત્ર એવા રાજકીય નેતા છે કે જેના ઘરમાં વીર સાવરકર અને રાજનીતિના તજજ્ઞ ચાણકયની તસ્વીરો મૂકાયેલી છે. આજથી અમિત શાહની ગૃહમંત્રી તરીકેની શરૂ થયેલી નવી ઈનીંગ દેશ વિરોધી તત્વો માટે મૃત્યુઘંટ બની રહેશે કે કેમ? તેના પર મીંટ મંડાયેલી છે. વીર સાવરકર અને ચાણકયના સંસ્કારો જીવનમાં ઉતારનાર શાહ પાસે દેશ ઘણી અપેક્ષા લઈને બેઠું છે.