રાજયની પ્રથમ બેટરી સંચાલિત બસનું કરાવશે પ્રસ્થાન: પીડીપીયુનાં સાતમાં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આપશે હાજરી
જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. બે દિવસનાં ગુજરાત પ્રવાસમાં અમિત શાહ આજે અમદાવાદ આવ્યા છે અને તેઓ પ્રદેશ નેતાઓ સાથેની બેઠક સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગૃહપ્રધાનનાં આગમનને પગલે ગુજરાતનાં રાજકારણમાં કંઈક નવા-જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અમિત શાહ ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ભાજપનાં નેતાઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં મંત્રીમંડળમાં ફેરફાર કરવાની ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત સંગઠનમાં આમુલ પરિવર્તન કરી ગુજરાત ભાજપનાં સંગઠનની બાગડોર સોંપવા અંગે પણ નિર્ણય લઈ શકે છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનાં બે દિવસીય કાર્યક્રમને આખરીઓપ આપી દેવાયો છે. ૨૮મીએ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે જયાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આજે સાંજે અમિત શાહ તેમનાં નિવાસ સ્થાને ભાજપનાં ટોચનાં પ્રદેશનાં નેતાઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં મંત્રીમંડળનાં વિસ્તરણની ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફાર કરવા મુદ્દે પણ વાતચીત થઈ શકે છે. સાથે સાથે આગામી ઓકટોબર વિધાનસભાની સાત બેઠકો પર યોજાનારી પેટાચુંટણીનો મુદ્દો ઉઠી શકે છે.
મહત્વનું છે કે, આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ૧૦ વાગ્યે અમદાવાદનાં સાયન્સ સિટીમાં અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનનાં મિલિયન ટ્રી કાર્યક્રમમાં હાજરી આપશે. આજ સ્થળે તેઓ ગુજરાતની પ્રથમ બેટરી સંચાલિત એએમટીએસ બસનું પ્રસ્થાન કરાવશે ત્યારબાદ બપોરે ૩ વાગ્યે ગાંધીનગરમાં ભારત સરકારની વિવિધ યોજનાઓનાં અમલીકરણને લઈને રાજયનાં અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે અને સાંજે પાંચ વાગ્યે ગાંધીનગરમાં પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)નાં સાતમાં વાર્ષિક પદવીદાન સમારોહમાં ખાસ હાજરી આપશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત યુનિ.નાં પ્રેસિડેન્ટ એવા મુકેશ અંબાણી પણ ઉપસ્થિત રહેશે.