અમરનાથ યાત્રિકો પર જમ્મુ-કાશ્મીરના બાલતાલ નજીક થયેલા આતંકી હુમલામાં ગુજરાતના સાત યાત્રિકોના મોત નિપજ્યા છે અને પંદરથી વધુ યાત્રિકો ઘવાયા છે. આ હુમલાને અનુલક્ષીને મંગળવારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ ભાજપ-એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદના ગુજરાત પ્રવાસ કાર્યક્રમો મોકૂફ રાખવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવગુજરાત સમય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતના અમનાથ યાત્રિકો પર થયેલા આતંકી હુમલામાં ગુજરાતના વલસાડ સહિતના વિસ્તારોના યાત્રિકોના મૃત્યુ થયા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારા તમામ કાર્યક્રમો રદ કરાયા છે. એટલું જ નહીં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદનો મંગળવારે સાંજનો કાર્યક્રમ પણ મોકૂફ રખાયો છે. આ બન્ને કાર્યક્રમો હવે પછી નવેસરથી જાહેર કરાશે.રૂપાણીએ અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને જાહેર કર્યું હતું કે, ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે વારંવાર જાહેર કર્યું છે તેમ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ મુજબ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આતંકીઓ સામે ભારત ઝુકશે નહીં. રૂપાણીએ જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબુબા મુફતી સાથે ટેલિફોનથી વાત કરી છે અને ગુજરાતના યાત્રિકોની સલામતી અને સારવાર માટે પૂરતી વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ સાથે પણ મુખ્યપ્રધાન રાજનાથસિંહે વાત કરી હતી. રૂપાણીએ કહ્યું કે, સરકારની પ્રાથમિકતા ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તેની છે. અન્ય યાત્રિકોની સુરક્ષા માટે વધુ બંદોબસ્ત કરવો.
અહીં નોંધવું જરૂરી છે કે, મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહના ત્રણ કાર્યક્રમો હતા. જેમાં ઉત્તર ગુજરાતના પેઇજ પ્રમુખોનું સંમેલન, આ પહેલા ગાંધીનગર ટાઉન હોલ ખાતે સહકાર સંમેલન અને સાંજે સ્વર્ણિમ સંકુલ ખાતે રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો સાથે બેઠકના કાર્યક્રમો રદ થયા છે. ભાજપ દ્વારા સહકાર સંમેલન અને પેઇજ પ્રમુખ માટે તૈયારીઓ ચાલી રહી હતી. સવા લાખ લોકો માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં સામિયાણો ઊભો કરાયો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અગાઉ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવવાના હતા. આ કાર્યક્રમ પણ એકાએક રદ થયો હતો. બે દિવસ પહેલાં જ જાહેર કરાયું હતું કે હવે અમિત શાહ ૧૧ જુલાઇએ આવશે. પરંતુ અમરનાથ યાત્રિકો પર હુમલો થવાથી બદલાયેલી સ્થિતિમાં હવે તમામ કાર્યક્રમો મોકૂફ રહ્યા છે.