ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભર્યું: અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી પાટીદાર ચોક સુધીનો વિશાળ રોડ-શો: રોડ-શોમાં અલગ-અલગ ૨૪ જગ્યાએ શહેનશાહનું સ્વાગત
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નીતિન
ગડકરી, રામવિલાસ પાસવાન, ઉદ્ધવ ઠાકરે, પ્રકાશસિંહ બાદલ, ડો.અનિલ
જૈન, ઓમ માથુર અને ભુપેન્દ્ર યાદવ સહિતના રાષ્ટ્રીય નેતાઓની હાજરી
ભાજપના ૩૦ હજારથી વધુ કાર્યકરોએ ગાંધીનગર ખાતે બસ સ્ટેન્ડથી પથિકાશ્રમ સુધીની વિશાળ માનવ સાંકળ રચી અમિત શાહનું અભિવાદન કર્યું: વિજયોત્સવ જેવો માહોલ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદ ખાતે ૪ કિમીનો ભવ્ય રોડ-શો યોજીને શકિત પ્રદર્શન કર્યું હતું. સાથે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર પણ ભર્યું હતું. આ તકે અમિત શાહે પોતાના વિશે કહ્યું કે, ભાજપે એક બુથ ઈન્ચાર્જને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી દીધો છે. વધુમાં ઉમેર્યું કે, જો મારા જીવનમાંથી ભાજપને બાદ કરી દેવામાં આવે તો કાંઈ બાકી બચે નહીં.
અમિત શાહે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, ૧૯૮૨માં નારણપુરાની સંઘવી સ્કૂલમાં હું બૂથનો ઈન્ચાર્જ હતો. પોસ્ટર ચોંટાડતા, પત્રિકાઓ વહેંચતા વહેંચતા ભાજપે આજે મને દુનિયાની સૌથી પાર્ટીનો અધ્યક્ષ બનાવ્યો. મારા જીવનમાંથી ભાજપને બાદ કરી દો તો માત્ર શૂન્ય બાકી રહે છે. જીવનમાં મેં જે કંઈ કર્યું અને શીખ્યું તે ભાજપને જ આભારી છે. તેમણે કહ્યું હતું કે જે બેઠકનું પ્રતિનિધિત્વ અડવાણી, વાજપેયી અને માવળંકર જેવા દિગ્ગજ નેતાઓએ કર્યું તેના પરથી ચૂંટણી લડવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
હું જનતા વચ્ચે રહેનારો વ્યક્તિ છું, અને પક્ષે મને લોકસભા ચૂંટણી લડવાનો મોકો આપ્યો તે બદલ હું પક્ષના ટોચના નેતૃત્વનો આભારી છું. આ ચૂંટણી એક જ મુદ્દા પર લડાવાની છે, કે આ દેશનું નેતૃત્વ કોણ કરશે? આ સવાલ હું પૂછું છું દેશના ખૂણેખૂણાથી મોદીનો જ જવાબ આવે છે. આજે દેશને સુરક્ષા માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપ-એનડીએની સરકાર જ આપી શકે તેમ છે. મોદી દેશના પીએમ બનવાના છે તે નિશ્ચિત છે, પરંતુ હું ગુજરાતીઓને અપીલ કરવા આવ્યો છું કે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપને જીતાડે.
ભારતીય રાજનીતિના ચાણકય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ પૂર્વે તેઓએ અમદાવાદ ખાતે ૪ કિલો મીટરનો વિશાળ રોડ-શો યોજી પોતાની તાકાત વિપક્ષોને બતાવી દીધી હતી. ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ રોડ-શોમાં ૧ લાખથી વધુની માનવમેદની ઉમટી પડી હતી. અલગ-અલગ ૨૪ સ્થળોએ શહેનશાહનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના ૩૦ હજારથી વધુ કાર્યકરોએ ૮૦૦ મીટર લાંબી માનવ સાંકળ રચી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું અભિવાદન કર્યું હતું. ઠેર-ઠેર અમિત શાહને ગુજરાત કા બેટાના સંબોધન સાથે આવકાર આપવામાં આવ્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નામાંકનપત્ર દાખલ કરવાના હોય રાજયભરમાંથી ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરો વિશાળ સંખ્યામાં અમદાવાદ તથા ગાંધીનગર ખાતે ઉમટી પડયા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે અમિત શાહે નારણપુરા ખાતે આવેલા પોતાના જુના નિવાસ સ્થાન શ્રી સરદાર પટેલની પ્રતિમાથી સવારે ૯:૨૦ કલાકે ૪ કિલોમીટર લાંબા રોડ-શોનો આરંભ કર્યો હતો. આ તકે તેઓએ કાર્યકરોને ટુંકુ સંબોધન પણ કર્યું હતું.
નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા, પ્રભાત ચોક થઈ પાટીદાર ચોકમાં આ રોડ-શોનું સમાપન થયું હતું. ૩ કલાક સુધી ચાલેલા આ વિશાળ રોડ-શોમાં અલગ-અલગ ૨૪ જગ્યાએ વિવિધ સમાજના લોકો દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ-શોના રૂટ પર ૨૫ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. ૩ કલાક સુધી ચાલેલા અમિત શાહના રોડ-શોમાં તેઓએ પોતાની તોતીંગ જીતનું રિહર્સલ રજુ કરી દીધું હોય તેવો અદભુત માહોલ જોવા મળ્યો હતો.
અમિત શાહ અને ગુજરાતમાં ભાજપના આ શકિત પ્રદર્શનમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નિતીન ગડકરી, રામવિલાસ પાસવાન ઉપરાંત એનડીએમાં સામેલ શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉઘ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ બાદલ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન, ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત મંત્રીમંડળના તમામ સભ્યો, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના સંગઠનના હોદેદારો તથા ગુજરાતની જે ૧૯ બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તે તમામ ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
૩ કલાક સુધી ચાલેલા ૪ કિલોમીટર લાંબો રોડ-શો જયારે અમદાવાદમાં પૂર્ણ થઈ અમિત શાહની શાહી સવારી ગાંધીનગરે પહોંચી ત્યારે ભાજપના ૩૦ હજારથી વધુ કાર્યકરોએ સેકટર ૬/૭ના બસ સ્ટેન્ડથી પથિકાશ્રમ સુધી વિશાળ માનવ સાંકળ રચી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું જોરદાર અભિવાદન કર્યું હતું. બપોરે ૧:૨૦ કલાકે અમિત શાહે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે જઈ લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર દાખલ કર્યું હતું.
ભાજપ અને શિવસેનાનો એજન્ડા હિંદુત્વ છે: ઉદ્ધવ ઠાકરે
અમદાવાદમાં યોજાયેલી જાહેર સભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ઘણા લોકો મને જોઈને આશ્ચર્ય પામ્યા હશે કે હું અહીં કેમ આવ્યો છું? કેટલાક લોકોને ગમ્યું હશે, પરંતુ કેટલાક લોકોને પેટમાં દુખ્યું હશે, જેમને તકલીફ થઈ છે તેમનો ઈલાજ મારી અને અમિતભાઈ પાસે છે. ઠાકરેએ કહ્યું હતું કે, હું બાળા સાહેબ ઠાકરેના આશિર્વાદ અમિત શાહને આપવા અહીં આવ્યો છું. અમારા વચ્ચે મતભેદ હતા, વિવાદ હતા પરંતુ અમિત શાહ મારા ઘરે આવ્યા ત્યારે અમે તેના પર ચર્ચા કરી. હવે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી.
અમે જે પણ મુદ્દા ઉઠવ્યા હતા તે પ્રજાના મુદ્દા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, શિવસેનાએ ક્યારેય પીઠ પાછળ છરો નથી ભોંક્યો, અને ભોંકશે પણ નહીં. તેમણે કહ્યું હતું કે, ભાજપ અને શિવસેનાનો એજન્ડા હિંદુત્વ છે. મહાગઠબંધન પર કટાક્ષ કરતા ઠાકરેએ કહ્યું હતું કે, દિલ મળે ન મળે પરંતુ તેઓ મળી રહ્યા છે. પરંતુ ભાજપ અને શિવસેનાના દિલ મળી ગયા છે. ઠાકરેએ મહાગઠબંધનને ચેલેન્જ કરી હતી કે તે પોતાનો પીએમ કેન્ડિડેટ જાહેર કરી બતાવે
ચોકીદાર ચોર નહીં, પ્યોર છે ૨૦૧૯માં જીતવું શ્યોર છે: રાજનાથસિંહ
ભાજપના સીનિયર નેતા રાજનાથ સિંહે જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ અત્યાર સુધી અડવાણીએ સંભાળ્યું હતું, પરંતુ તેમના ઉત્તરાધિકારી તરીકે હવે અમિત શાહ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪માં સ્પષ્ટ બહુમત મળ્યું છતાં સાથીઓને લઈ સરકાર બનાવી. રાજનાથે કહ્યું હતું કે, જેમ ૧૯૭૧ના યુદ્ધમાં મળેલી જીતનો શ્રેય ઈન્દિરા ગાંધીને અપાયો હતો તેમ હાલમાં પાકિસ્તાન પર કરાયેલી એર સ્ટ્રાઈકનો શ્રેય પીએમ મોદીને કેમ ન મળવો જોઈએ? રાજનાથે કહ્યું હતું કે, ચોકીદાર ચોર નહીં પરંતુ પ્યોર છે, અને ૨૦૧૯માં તેમનું જીતવું શ્યોર છે..
મહાગઠબંધન લઠબંધનમાં ફેરવાઈ ગયું છે: પાસવાન
એલજેપીના વડા પાસવાને જણાવ્યું હતું કે, ૨૦૧૪ સુધી પીએમ પદ પર કોઈ વેકેન્સી નથી. દેશમાં કોંગ્રેસનું નામોનિશાન મટી ગયું છે. ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએ ૨૦૧૪ કરતા પણ વધારે બેઠક જીતશે.
અમિત શાહ માણસ નહીં, સંસ્થા છે: બાદલ
પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલે જણાવ્યું હતું કે, અમિત શાહ દેશના સૌથી મોટા પ્રચારકર્તા અને ઓર્ગેનાઈઝર અમિત શાહ છે. ૨૦૧૪ની ચૂંટણીમાં મોદી બાદ જો કોઈને કેન્દ્રમાં સરકાર બનાવવાનો છે.
જે ૫૦ વર્ષમાં ન થયું તે મોદી સરકારે ૫ વર્ષમાં કર્યું: ગડકરી
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, દેશના તમામ વર્ગનું કલ્યાણ કરતા અને દેશને સુખી સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા સરકાર કામ કરી રહી છે. સરકાર પ્રગતિના કાર્ય કરી રહી છે, અને અમિત શાહે ભાજપને મજબૂત બનાવ્યો છે, અને તેમના નેતૃત્વ હેઠળ જ ભાજપ દુનિયાનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો છે. દેશના ખૂણે-ખૂણે ભાજપને મજબૂત બનાવવાનો શ્રેય અમિત શાહને જાય છે. ગુજરાત જ નહીં દેશની જનતામાં પણ અમિત શાહ પ્રત્યે એક વિશ્વાસનું નિર્માણ થયું છે.