રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત જામનગર આવેલા અમિત શાહનું સ્વાગત
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી અમિત શાહ ગુરુવારે બપોરે પ્રથમ વખત જામનગર આવ્યા હતા. તેઓ પક્ષના કાર્યક્રમ માટે આવ્યા હતા. ગુરુવારે બપોરે ૩:૧૦ કલાકે તેઓ જામનગર હવાઈ મથક આવી પહોંચ્યા હતા જયાં શહેર-જિલ્લા ભાજપા અધ્યક્ષો હસમુખભાઈ હિંડોચા તથા ચંદ્રેશ પટેલ, ધારાસભ્ય પબુભા માણેક, મેયર પ્રતિભાબેન કનખરા, ડેપ્યટી મેયર ભરત મહેતા વગેરેએ તેઓને આવકાર્યા હતા. બાદમાં તમામ મહાનુભાવો પક્ષની બેઠકના સ્થળે ઓશવાળ સેન્ટર ખાતે પહોંચ્યા હતા.
પ્રથમ બેઠકમાં પક્ષના ૧૦૦ આગેવાનો અને બીજી બેઠકમાં પક્ષના ૯૦૦ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે તમામને ચૂંટણી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું અને ચૂંટણી માટેના દાવેદારો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ અગ્રણી ભીખુભાઈ દલસાણિયા, પક્ષના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, મંત્રી ચીમનભાઈ શાપરીયા, શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હિંડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પ્રદેશ ભાજપાના પૂર્વ અધ્યક્ષ આર.સી.ફળદુ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયા, મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી વગેરે હાજર રહ્યા હતા.