- હીરાસર એરપોર્ટ ઉપર માત્ર 1 જ મીનીટની ટ્રાન્ઝિસ્ટ વિઝીટ: અંતિમ ઘડીએ 16 જેટલા પદાધિકારીઓને એરપોર્ટ ન આવવાનો આદેશ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજકોટના હીરાસર એરપોર્ટની એક મિનિટની ટ્રાન્ઝિસ્ટ વિઝીટ કરી હતી. જો કે તે દરમિયાન તેઓએ અમિત શાહે સ્થાનિક અધિકારી-પદાધિકારીઓ પાસેથી રિપોર્ટ મેળવવાનું ટાળ્યું છે. હવે તેઓ સીધા ઉપરી કક્ષાએથી જ રિપોર્ટ લેશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
લોકસભાની ચુંટણીના સાતમા અને અંતિમ તબકકાના મતદાનના પ્રચાર-પ્રસાર શાંત થતાંની સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિ કાંડ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રીની ગુજરાતની મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે પ્રથમ જયોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શને જતા પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હિરાસર એરપોર્ટ પર માત્ર એક મિનિટ માટે રોકાયા હતા. તેઓ પ્લેનમાંથી ઉતરીને હેલિકોપ્ટરમાં શિફ્ટ થયા હતા.
રાજકોટ શહેર ભાજપના સંગઠનના હોદેદારો, પ્રદેશ ભાજપના આગેવાનો સાંસદ, ધારાસભ્યો અને મેયર સહિતના આગેવાનો તેઓને મળવાના હતા. પરંતુ અંતિમ ઘડીએ કોઈને હીરાસર એરપોર્ટ ખાતે ન આવવાની સૂચના આપી દેવામાં આવી હતી.
અગ્નિ કાંડની ઘટનાથી દિલ્હી હાઇકમાન્ડ ભારોભાર નારાજ છે. અમિતભાઇ આજે હિરાસર એરપોર્ટ ખાતે ટુંકા રોકાણ દરમિયાન પણ અગ્નિ કાંડની તમામ માહીતી મેળવી લેશે તેવી વાતો અગાઉ વહેતી થઈ હતી. પરંતુ તેઓએ સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી આ માહિતી મેળવવાનું ટાળ્યું હતું એટલે હવે તેઓ ઉપરી કક્ષાએથી જ ઘટનાનો રિપોર્ટ લેશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિતભાઇ શાહની ગુજરાત મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વધુમાં તેઓ ગઈકાલે બપોરે સોમનાથથી રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે 3:05 કલાકે પહોંચવાના છે. અહીંથી તેઓ દિલ્હી રવાના થવાના હોવાનું તેઓના સતાવાર કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યુ છે.