પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની સત્તાવાર જાહેરાત
અબતક, નવી દિલ્હી : ગોવામાં આમ આદમી પાર્ટીએ અમિત પાલેકરને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો છે. તેમનું નામ યાદીમાં સૌથી મોખરે ચાલી રહ્યું હતું. આપે પહેલા જ કહ્યું હતું કે તેમનો સીએમ પદનો ચહેરો ભંડારી સમાજનો હશે.
આમ આદમી પાર્ટીએ પંજાબ બાદ ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે સીએમ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ ગોવામાં આ જવાબદારી અમિત પાલેકરને આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે.
અમિત વ્યવસાયે વકીલ છે, પરંતુ સામાજિક કાર્યોમાં ખૂબ સક્રિય રહે છે. આ જ કારણ છે કે ગોવામાં લોકો તેને પસંદ કરે છે. તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા રહે છે. આ સિવાય તેઓ ભ્રષ્ટાચારને લઈને પણ અનેકવાર અવાજ ઉઠાવી ચૂક્યા છે.
ભંડારી સમાજના સીએમ આપીને આપે મોટો દાવ ખેલ્યો છે. અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે. ગોવામાં 35% ભંડારી સમુદાયની વોટ બેંક પર દાવ લગાવ્યો. અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે, સમાજ સેવામાં સક્રિય છે. કેજરીવાલ મંગળવારે જ ગોવા પહોંચ્યા હતા. તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત પાલેકરના નામની જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું, ‘ગોવાના લોકો હાલની પાર્ટીઓથી કંટાળી ગયા છે. નેતાઓથી કંટાળી ગયા. તેઓ સત્તામાં રહીને પૈસા કમાય છે અને પછી એ પૈસાથી સત્તામાં આવે છે. ગોવાના લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે. તેમની પાસે વિકલ્પો નહોતા, પરંતુ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે.
કેજરીવાલે કહ્યું કે તેમની પાર્ટી તમામ 40 સીટો પર ચૂંટણી લડશે. 40 સીટોવાળી ગોવા વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે સમાપ્ત થાય છે. એવી અપેક્ષા છે કે 15 માર્ચ સુધીમાં રાજ્યમાં નવી સરકારની રચના થઈ જશે. આ વખતે ગોવામાં 40 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 10 માર્ચે આવશે. ગોવાની સાથે અન્ય ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબમાં પણ 10 માર્ચે મતગણતરી થશે.