- ભ્રષ્ટાચારમાં મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા હોઇ વિજિલન્સ તપાસ માટે સરકાર ચુપ કેમ?: અમિત ચાવડા
ગુજરાત વિધાનસભામાં દાહોદ જિલ્લામાં ગરીબોની મનરેગા યોજનામાં થયેલા 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર મુદ્ે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રશ્ર્ન પૂછયો હતો. જેમાં સરકારે 100 કરોડના ભ્રષ્ટાચારમાં મંત્રીના નજીકના લોકોની સંડોવણી હોય, તપાસના નામે કેસનું પોટલું વાળવા, ભ્રષ્ટાચારની તપાસ ટીડીઓ કક્ષાના અધિકારીને સોંપી છે.
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે જે મનરેગા યોજનાને ભાંડવામાં કશું જ બાકી નહોતા રાખતા એ મનરેગા યોજના રોજગાર આપનારી વિશ્ર્વની શ્રેષ્ઠ યોજના છે. એવું આખા વિશ્ર્વએ સ્વીકાર્યું છે. મનરેગા યોજના 100 દિવસ રોજગારી આપનારી યોજના છે, પણ ગુજરાતમાં દાહોદના લોકો એમ કહે છે કે મનરેગા યોજના 100 દિવસ રોજગારી આપનારી યોજના તો બરાબર પણ 100 કરોડનો ભ્રષ્ટાચાર આ યોજનામાં દાહોદ જિલ્લામાં થયો છે. એ અંગે લોકોએ વારંવાર પહેલા પણ ફરિયાદો કરી છે. અમે પણ સરકારને વારંવાર લેખિતમાં અને સ્થળ પરની હકીકતોના એફોડેવીટ સાથે રજુઆતો કરી છે. તેમ છતાં પણ સરકાર પોતાના મંત્રીઓ અને મળતીયાઓને બચાવવાના પ્રયત્નો કરી રહી છે.
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ગેરરીતિઓ છે એ બાબતે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો. જેમાં સરકારે પણ સ્વીકાર્યું છે કે અનેક ફરિયાદો મળી છે. પરંતુ આ ફરીયાદોની તપાસ કોણ કરે? તો સરકારે જવાબ આપ્યો છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટાભાગની ફરીયાદોની તપાસ કરવામાં આવી, જેની સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિમાં સામેલ હોવાની ફરિયાદો હોય, જેની આંખો નીચે, જેના મેળાપીપણાથી ફરિયાદો અને ભ્રષ્ટાચાર થયો હોય એ જ લોકો એની તપાસ કરે તો એમાં શું નીકળવાનું?
યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્ે મંત્રીએ આક્ષેપ કર્યો છે કે વિધાનસભામાં અમે માંગણી કરી કે જાન્યુઆરી મહિનામાં લેખિત પુરાવા સાથે દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા, ધાનપુર તાલુકા, ફતેપુરા વિસ્તારમાં 100 કરોડ રૂપિયા કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ રાજ્ય સરકાર કરાવે, અને આ તપાસ ત્યાંના સ્થાનિક અધિકારીઓ દ્વારા જો કરવામાં આવે તો પોતે જ સંડોવાયેલા છે એટલે એમાં કશું જ નથી નીકળવાનું તો આ તપાસ રાજ્ય સરકાર વિજીલન્સ મારફત કરાવવા માંગે છે કે કેમ? તો સરકારે જવાબમાં ના પાડી કે વિજીલન્સ મારફત તપાસ નથી કરવી એનો સ્પષ્ટ મતલબ છે કે મંત્રીના મળતિયાઓ, કે જેમની સામે સ્પષ્ટ આક્ષેપો, પુરાવાઓ છે. એ રાજ ક્ધસ્ટ્રક્શન હોય, રાજ ટ્રેડર્સ હોય એવી જે એજન્સીઓ છે. જેમાં મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા છે એ એજન્સીઓએ કામ કર્યા વગર કરોડો રૂપિયાના બીલો એને ચુકવવામાં આવ્યા છે. પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એની તપાસ આ સરકાર કરાવવા માંગતી નથી.
અમિત ચાવડાએ જણાવ્યું કે જ્યારે કોંગે્રસની ટીમ આ સ્થળોની તપાસ કરવા ગઈ ત્યારે સ્થળ પર કામો નહોતા. રાતોરાત ત્યાં બોર્ડ મૂકી દઈને કામો થઇ ગયા હોય તેવા પુરાવા ઉભા કરવાનો પણ પ્રયત્ન થયો છે. આ જે બોર્ડ મુકવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટ બતાવે છે કે એમાં કામ ક્યારે પૂર્ણ થયું તેની તારીખ પણ નથી, એની બાકીની વિગતો પણ લખવામાં નથી આવી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાના મળતિયાઓ, મંત્રીના આશીર્વાદથી જે પરિવારના સભ્ય મનરેગા યોજનામાં દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની વિજીલન્સ તપાસ કરવા માંગતી નથી.
સરકારને ચેલેન્જ કરીએ છીએ કે જો તમે સાચા હોય, ખાતો નથી ને ખાવા દેતો નથી એ સુત્ર વડાપ્રધાનનું સાર્થક હોય તો વિજીલન્સ મારફત દાહોદ જીલ્લાના મનરેગાના કામોની તપાસ કરાવો.