રાજકોટ મહાનગર પાલિકાના 31માં કમિશનર તરીકે 24 જૂન 2021ના રોજ ચાર્જ સંભાળ્યો હતો: એક વર્ષ પૂર્ણ થતાં પદાધિકારીઓ અને સાથી કર્મચારીઓએ આપ્યા અભિનંદન
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે આજે અમિત અરોરાએ એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટના વિકાસને વધુ વેગવાન બનાવવા માટે અનેકવિધ નિર્ણયો લીધા છે. વહીવટીવડા તરીકે તેઓના માર્ગદર્શનમાં કોર્પોરેશન તંત્ર શહેરીજનોની સુખાકારી વધારવા માટે દિનપ્રતિદિન વધુ સુદ્રઢ બની રહ્યું છે.
ગત વર્ષે 24 જૂનના રોજ ઉદીત અગ્રવાલના સ્થાને રાજકોટના 31માં મ્યુનિ.કમિશનર તરીકે અમિત અરોરાએ કાર્યભાણ સંભાળ્યો હતો. તેઓએ કોરોનાની ત્રીજી લહેરની વ્યાપક અસર ખાળવા માટે કોવિડ વેક્સિનેશનની કામગીરીને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું હતું. અલગ-અલગ 352 વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં દરેક કેમ્પમાં ઓછામાં ઓછા 300 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ ઉપરાંત પાંચ વખત મેગા વેક્સિનેશન ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં 1.50 લાખ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. શહેરીજનો માટે કોર્પોરેશનની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે. જેને સુદ્રઢ બનાવવા માટે તેઓએ એક વર્ષના કાર્યકાળ દરમિયાન અલગ-અલગ 90થી વધુ સાઇટ વિઝીટ કરી છે. લોકોએ સામાન્ય ફરિયાદ નોંધાવવા માટે કોર્પોરેશનની કચેરી સુધી ધક્કા ખાવા ન પડે તે માટે આરએમસી ઓન વ્હોવટએપ્પ સેવા શરૂ કરાવ્યું છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઘર નજીક જ લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે સ્લમ વિસ્તારોમાં 57 સ્થળોએ દિન દયાલ ઉપાધ્યાય ક્લીનીક શરૂ કરવામાં આવ્યા છે. શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં રામવનનું નિર્માણ કામ પૂર્તતાને આરે છે. રાજકોટને ભાગોળે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલ સુધી લોકોને જવા-આવવામાં સરળતા રહે તે માટે વાહન વ્યવહારની સુવિધા સુદ્રઢ બનાવી છે. રૂડાના ચેરમેન તરીકે પણ તેઓ ચાર્જમાં હોય, રૂડા દ્વારા સેકેન્ડ રીંગ રોડ ફેઝ ફોરનું કામ હાલ પૂર્ણતાના આરે છે. કોર્પોરેશનના હાથ-પગ એવા કર્મચારીઓ અને અધિકારીઓને જન્મદિવસે શુભેચ્છાપત્ર આપવાની તેઓએ નવી પહેલ શરૂ કરાવી છે. ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે તેઓના કાર્યકાળમાં મહાપાલિકાના 1897 અને રૂડાના 1982 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લક્ષ્મીનગર બ્રિજનું પણ લોકાર્પણ કરાયું છે. જ્યારે અન્ય પાંચ બ્રિજનું કામ ગતિમાં છે. સ્માર્ટ સિટી એરિયામાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. નાણાકીય વર્ષ-2021-22માં તેઓના નેતૃત્વમાં કોર્પોરેશનને ટેક્સ પેટે ઓલ ટાઇમ હાય વસૂલાત થવા પામી છે અને ઓનલાઇન કનેક્શન પેટે 100 કરોડથી પણ વધુ રૂપિયા એકત્રિત થયા છે. જીપીએસ અને જીપીઆર આધારિત વેબસાઇટ થકી તેઓએ નાગરિકોને વિવિધ માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફીડબેક રેટીંગની સુવિધા ધરાવતી પિન આધારિત ફરિયાદ નિવારણ સેવા શરૂ કરવામાં આવી છે. સ્ટાફને નિવૃતિના દિવસે જ પીએફ સહિતના લાભોની ચુકવણીની પ્રણાલી પણ શરૂ થઇ છે.
તેઓના એક વર્ષના કાર્યકાળમાં મહાપાલિકાને 6 એવોર્ડ પ્રાપ્ત થયા છે. ક્લાઇમેન્ટ સ્માર્ટ સિટી એસેસમેન્ટ ફ્રેમ વર્ક અંતર્ગત રાજકોટને ફોર સ્ટાર એવોર્ડ, સ્માર્ટ સિટી મિશન દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેલેન્જ હેઠળ દેશના 113માંથી 11 શહેરોમાં રાજકોટની પસંદગી થઇ છે અને આ માટે એક કરોડનો પુરસ્કાર મળ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ-2021 અંતર્ગત 4320 શહેરોમાંથી બેસ્ટ સિટીઝન લીડ ઇનેટીવી કેટેગરીમાં રાજકોટને 11મું સ્થાન અને ગાર્બેજ ફ્રી સિટી અંતર્ગત થ્રી સ્ટાર સર્ટીફીકેટ પ્રાપ્ત થયું છે. હાઉસીંગ પ્રોજેક્ટને પણ એવોર્ડ મળ્યો છે. વન પ્લાનેટ સિટી અંતર્ગત રાજકોટ સતત ચોથી વખતે નેશનલ કેપીટલ ઓફ ઇન્ડિયા-2022નો ખિતાબ મેળવવામાં સફળ રહ્યું છે. જ્યારે ફાયર સર્વિસની થીમને પણ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ પ્રાપ્ત થયો છે.