ચોમાસાના પ્રારંભિક વાવણીલાયક લોઠકા વરસાદ બાદ ચોમાસુ લાંબુ અને છેવટ સુધી મુશળધાર વરસાદ વરસાવશે, આ વખતે ‘રામમોલ’થી કોઠાર છલકાઈ જશે: અર્થતંત્રની ગાડી પુરપાટ દોડશે
કોરોના મહામારીમાં અત્યારે આફત, મુશ્કેલી અને નિરાશાના વ્યાપક સમાચારો વચ્ચે આ વર્ષે સાર્વત્રીક ધોરણે ચોમાસાની મેઘમહેર થાય તેવા મહામારી વચ્ચે ટાઢક થાય તેવા સમાચારોમાં સવા સોળ આની વરસાદ સાથે સતત ત્રીજુ વર્ષ મેઘરાજાની મહેરની કૃપા વરસતા વર્ષ સવા સોળ આની પાકશે અને કૃષિ ઉત્પાદનમાં ભારે બરકતના કારણે અર્થતંત્રની ગાડી પાટે ચડી જશે. કોવિડ-19 મહામારીના આ માહોલમાં ગુજરાત સહિત દેશભરમાં ખુબજ સારૂ ચોમાસુ રહેશે તેવા ખાનગી હવામાન વરતારા આપતી સંસ્થા સ્કાયમેટે ગઈકાલે કરેલી આગાહીમાં આ વર્ષે 2019થી 2021 સુધીના સતત ત્રણ વર્ષ સવા સોળ આની વર્ષ પાકે અને સારા વર્ષો અર્થતંત્રને મજબૂત બનાવશે. અગાઉ 1996, 1997 અને 1998માં જેવી રીતે સારા વર્ષની હેટ્રીક સર્જાઈ હતી. તેવી જ રીતે આ વખતે પણ 2019, 2020 અને 2021નું વર્ષ સવાયો વરસાદ વરસાવનારો બની રહેશે.
કૃષિ પ્રધાન ભારતમાં મોટાભાગની ખેત પ્રવૃતિઓ સંપૂર્ણપણે ચોમાસુ વરસાદ આધારીત રહેતી હોવાથી વરસાદ કેવો રહેશે, કેટલા પ્રમાણમાં રહેશે તેનું જ્ઞાન કૃષિકારો માટે અગત્યનું બની રહે છે. વરસાદના પ્રમાણ પર જ ખેડૂતો પાકની પસંદગી કરતા હોય છે. તેવા સંજોગોમાં દાયકાઓથી નહીં પરંતુ સદીઓથી ભડલી વાક્યોના વરતારા મુજબ ખેડૂતોની પાક પસંદગીની પરંપરા આજે પણ આધુનિક હવામાન આગાહીના યુગમાં મહદઅંશે સાચી પડે છે. કારતક, માગશરથી વરસાદનો ગર્ભ બંધાવા લાગે છે. એ ગર્ભના લક્ષણો જોઈ 135 દિવસ બાદ ક્યારે કેટલો વરસાદ ચોમાસામાં થશે કે નહીં થાય તે ચોક્કસ પ્રમાણમાં ગણતરી લગાવી શકાય છે. વાદળ, વાયુ, વિજળી, વરસાદ, આકાશના કડાકા, ગર્જના ઝાકળ પડવી, મેઘધનુષ્ય, સૂર્ય પર મંડળ અને હિમ જેવા 10 લક્ષણો વરસાદનો વરતારો આપે છે. આ વર્ષે સારો વરસાદ પડશે તેની સ્કાયમેટે જાહેરાત કરી છે. તેવા સંજોગોમાં ભડલી વાક્ય મુજબ જોવા જઈએ તો કારતક સુદ બારસ, માગશર દશમ, પોષ પાંચમ અને મહાસુદ સાતમે જો વાદળા ગાજે તો ચોમાસામાં ચારે મહિના વરસાદ થાય છે.
સ્કાયમેટે કરેલી આગાહી મુજબ મૌસમના કુલ વરસાદની ટકાવારી સરેરાશ 103 ટકા રહેશે જે પાછલા વર્ષો કરતા 5 ટકા વધારે રહેશે. જૂન મહિનામાં પ્રારંભીક વરસાદ પુષ્કળ પડશે. જુલાઈ-ઓગષ્ટમાં સપ્રમાણ વરસાદ રહ્યાં બાદ છેવાડાના વરસાદ પણ ખુબજ સારા પડનાર હોવાથી ગુજરાત સહિત કૃષિ ઉત્પાદક રાજ્યમાં આ વર્ષે ખુબજ સારી મૌલાત રામમોલની ઉપજ દેશના અર્થતંત્રને ફુલગુલાબી બનાવી દેશે. જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં પ્રારંભીક તબક્કે ખુબજ સારો અને વચ્ચમાં મધ્યમ વરસાદ બાદ છેલ્લા વરસાદ પણ ખુબજ સારા રહેશે. ચોમાસુ પાકમાં ડાંગર, કઠોળ, તેલીબીયા, ધાન અને વિવિધ પ્રકારના પાક મબલખ થશે.
હિંદ મહાસાગરમાં સતત ત્રીજા વર્ષથી અલનીનો અને લાનીનોની અસરના કારણે દક્ષિણના ચોમાસુ પવનો ખુબજ સારી રીતે ચોમાસાનું વાતાવરણ સર્જશે અને સરેરાશ આ વર્ષે ચોમાસાના કુલ વરસાદની ટકાવારી 110 ટકા રહેશે જ્યારે 105 થી 110 ટકાની ટકાવારી 15 ટકા અને 96 થી 104 ટકા જેટલા વરસાદની ટકાવારી 60 ટકા માનવામાં આવી રહી છે. આ વખતે 90 ટકાથી ઓછા વરસાદની ટકાવારી નહીંવત માનવામાં આવી રહી છે. જૂન મહિનામાં સવાયો વરસાદ આવશે અને જુલાઈ મહિનામાં ચોમાસુ થોડુ ધીરૂ પડશે. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધશે અને દિવાળી સુધી છેવાડાના વરસાદના કારણે ચોમાસુ સામાન્યથી સવાયુ રહેશે.
ચોમાસુ પાક સપ્રમાણ વરસાદના કારણે ખુબજ સારી રીતે પાકશે. આ વખતે કપાસ, મગફળી, એરંડા સહિતના લાંબાગાળાના રોકડીયા પાક ઉપરાંત મકાઈ, જુવાર, તલ અને બરછટ ધાન અને કઠોળના પાકની હોણ માનવામાં આવે છે. સવા સો ટકાથી વધુ ચોમાસુ વરસાદના કારણે શિયાળુ પાક માટે પણ પુરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધીની શકયતાને લઈને વર્ષ 2021નું કૃષિ પાક મહામારી અને આર્થિક મુશ્કેલીના આ સમયમાં ટાઢક આપનારૂ બની રહેશે. સવા સોળ આની વરસાદ માટે સતત ત્રીજુ વર્ષ શુકનવંતુ બની રહેશે.
જૂનથી સપ્ટેમબર સુધી દે ધનાધન, મધ્યમ અને પુરતા વરસાદથી ચોમાસુ લાંબુ રહેશે
કૃષિ પ્રધાન ભારત અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે શુકનવંતા સમાચાર આવ્યા છે કે, આ વર્ષે પણ સતત ત્રીજુ વર્ષ ચોમાસુ પાક સવા સોળ આની પાકશે. જૂન મહિનામાં જ 106 ટકા વરસાદ સાથે વાવણીલાયક વરસાદ અને ચોમાસાના પ્રારંભીક તબક્કામાં જ ભરપુર વરસાદ વરસશે. જુલાઈ મહિનામાં વરસાદની ટકાવારી 97 ટકા રહેશે અને પ્રથમ મહિના બાદ ચોમાસુ સપ્રમાણ રહેશે. આ જ રીતે ઓગષ્ટ મહિનામાં ફરીથી ચોમાસુ જોર પકડશે. ત્યારબાદ સપ્ટેમબર મહિનામાં આખો મહિનો 116 ટકા વરસાદ સાથે સવાયુ પાણી વરસશે અને દિવાળી સુધી ચોમાસુ લંબાશે.
ભડલીના વરતારા મુજબ આ વર્ષે વરસાદ સારો રહેશે
- કારતક સુદ બારશ દેખ, માગશર સુદ દશમી તું પેખ,
- પોષ સુદ પાંચમ વિચાર, માધ સુદિ સાતમ નિર્ધાર;
- તે દિન જો મેઘો ગાજત, માસ ચાર અંબર વરસંત.
- ફાગણી પાંચમ ચૈત્રી ત્રીજ, વૈશાખી પડવો ગણી લીજ;
- એહ દિન જો ગાજે મેહ, લાભ સવાયો નહિ સંદેહ.
આ વર્ષે વરસાદનો સારો ગર્ભ બંધાયો તેમ સમજવું અને તિથીઓ મુજબ વરસાદનો વરતારો આપવામાં આવ્યો છે. આ વખતે ભડલીએ આપેલા વરતારા મુજબ હોળીની જાળથી લઈ વાતાવરણમાં વરસાદનું ભારણ બાંધવાનો નિર્દેશ મળ્યો છે. પોષમાં વાદળ, વીજળી અને ચારેતરફ વાદળ થાય તો શ્રાવણની પુનમ અને અમાષનો વરસાદ સારો થાય છે. ખુબ વરસાદ પડે તેવા સંકેતો આ વખતે મળી રહ્યાં છે. ચોમાસે વરસાદ સારો થાય અને લોકો સુખી થાય, ધનનો ભંડાર ભરાય છે. આ વખતે હોળીની રજા ઉતર તરફ ફરકતી હોવાથી ખુબજ પાણી વરશે તેવો વરતારો પણ જોવા મળ્યો છે. હોળીના દિવસ પવન ઉપરથી ફળનો વિચાર કરવામાં આવે છે. પશ્ર્ચિમનો વાયુ હોય તો ઉતમ ફળ, પૂર્વનો વાયુ હોય તો ઓછો વરસાદ, દક્ષિણનો વાયુ હોય તો પશુમાં રોગચાળો. આ વખતે ઉત્તરનો પવન હતો તેથી વધુ વરસાદ થાય તેવું મનાઈ રહ્યું છે. તેની સાથે સાથે સ્કાયમેટે પણ સારા વરસાદની આગાહી આપે છે.
વિક્રમ સંવત 2078 વર્ષ 2021ની હોળીની જાળ ઉત્તરમાં રહેતા વર્ષ સારૂ રહેશે
ભડલીના વરતારા મુજબ આ વર્ષે ચોમાસુ સારૂ રહેવાના આ રહ્યાં ભડલી વાક્યના સુત્રો. આપણી આસપાસના સંકેતો એવા મળી જ રહે છે કે, ચોમાસુ કેવું રહેશે. અનુભવી ખેડૂતો ભડલી વાક્યો મુજબ જ ચોમાસામાં તલથી લઈ કપાસ, મગફળી, ધાન અને કઠોળના પાકની પસંદગી કરતા હતા. આ વર્ષની પરિસ્થિતિ સાથે નીચેના વાક્યો કેવા તાલ મેળવે છે તે આજના આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ સંશોધનનો વિષય છે.
- જળચર જળ ઉપર ભમે, ગો નભ ભણી જોવંત;
- ભડલી તો એમ જ ભણે, જળધર જલ મેલંત.
- પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય;
- ભડલી તો તું જાણજે, જળધર આવે સોય.
- હોય પાણી કળશે ગરમ, ચલ્લીઓ દૂળે ન્હાય;
- ઈંડાળી કીડી દીસે, તો વરષા બહુ થાય.
- પવન થક્યો તેતર લવે, ગુડ રસી દે નેહ;
- ભડલી તો એમ જ ભણે, તે દિન વરસે મેહ.
- બોલે મોર મહાતુરો, હોયે ખાટી છાશ;
- પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડી આશ.
અર્થ: જળચર જળ ઉપર ભમવા માંડે અને ગાયો આકાશ ભણી તાકે ત્યારે, ભડલી કહે છે કે, તુરતમાં વરસાદ પડશે. પિત્તળ, કાંસા અને લોઢાને જ્યારે કાળાશ (કાટ) ચઢે ત્યારે જાણવું કે ઝટ વરસાદ થશે. લોટાનું પાણી ગરમ થઈ જાય, ચકલીઓ ધૂળમાં નહાય અને ઈંડાવાળી કીડીઓ દેખાય તો તે ભારે વરસાદનાં ચિહન જાણવાં. પવન પડી જાય, તેતર ચીસ પાડે અને ગોળ રસીને ચીકણો થાય તે દિવસે વરસાદ થાય. મોર વારંવાર બોલે અને છાશ ખાટી થાય તો વરસાદ થાય.