ખેડૂતોને સરકારના ‘ટેકા’ના ભાવ બજાર ભાવ કરતા ‘ઓછા’ લાગ્યા
ખૂલ્લા બજારમાં સારી ગુણવતા વાળી મગફળી આવતા તેના ભાવ પણ ખેડુતોને સારા મળી રહ્યા છે. જયારે બીજી તરફ ખેડુતોને ટેકો આપવા ટેકાના ભાવે મગફળી ખરીદવા માઈ-બાપ એવી રાજય સરકાર ખરીદી કરે છે પણ તેમાં પણ ગુણવતા કે ભેજ કે અન્ય બહાના બતાવી મગફળી રીજેકટ કરવામાં આવતી હોવાથી ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
સરકાર દ્વારા ખરીદીમાં મગફળી રીજેકટ થવાના ભયથી ખેડુતો નટેકાથના ભાવે વેચવાના બદલે ખૂલ્લા બજારમાં મગફળી વેચે છે. અને સરકારના ભાગે તો નબળો જ માલ વધશે. ખેડુતોને સરકારના ટેકાના ભાવ હવે ઓછા લાગે છે જેથી સરકારી ખરીદીમાં મગફળી વેચવા જતા નથી.
ખુલ્લા બજારમાં મગફળીના છેલ્લા એક સપ્તાહથી સરકારના ટેકાના ભાવ કરતા ઉંચા ભાવ મળી રહ્યાં હોવાથી ખેડૂતોનો પ્રવાહ ખુલ્લા બજાર તરફ વળ્યો છે. આ વર્ષે સારા વરસાદ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ માહોલમાં ત્યારે ચાર ચાંદ લાગી ગયા જ્યારે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઊંચા બોલાય છે. વાત જામનગરની કરવામાં આવે તો અહીં ટેકાના ભાવની સરખામણીએ ખુલ્લા બજારની હરાજીમાં આઠસો થી પોણા પંદરસો રૂપિયા ભાવ બોલતા હોવાથી ખેડૂતોનો પ્રવાહ ખુલ્લા બજાર તરફ વળ્યો છે. હાલ છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં ખુલ્લા બજારમાં રાજ્યમાં સૌથી વધુ ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. બીજી તરફ ટેકાના ભાવની મગફળી ખરીદીમાં ખેડૂતોની નિરસતા ઉડીને આંખે વળગે છે. મગફળીના હબ ગણાતા જૂનાગઢ, અમરેલી અને જામનગર-દ્વારકા સહિતના જિલ્લાઓમાં હાલ યાર્ડ માગફળીથી છલકાઈ રહ્યા છે. મબલખ ઉત્પાદન બાદ ખુલ્લા બજારમાં ભાવ પણ સારા રહેતા ખેડૂતો હાલ ઓપન બજાર તરફ વળ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જામનગર યાર્ડ ખાતે રેકોર્ડ બ્રેક આવક થતા તંત્રએ આવક બંધ કરવા મજબૂર થવું પડ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં રૂપિયા ૮૦૦ થી ૧૨૦૦ વચ્ચે શરૂ થયેલ ખરીદ પ્રક્રિયામાં દિવસેને દિવસે ભાવમાં ઉછાળો આવી રહ્યો છે.છેલ્લા એક સપ્તાહથી જામનગર યાર્ડમાં મગફળીના ભાવ રાજ્યભરમાં સૌથી વધુ રહ્યા છે. આજે તો મગફળીએ નવો રેકોર્ડ કર્યો છે. ખુલ્લા બજારમાં ઊંચમાં ઊંચો રૂપિયા ૧૪૮૦ ભાવ બોલાયો છે.જ્યારે નીચેનો ભાવ ૮૫૦ ઉપર રહ્યો છે. જે રીતે ભાવમાં ઉછાળો આવી રહ્યો છે તે રીતે આવતી કાલે જામનગરમાં ૧૫૦૦ ભાવ બોલાય તો નવાઈ નહીં
રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયા બાદ સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના લાગુ કરવામાં આવી છે. આ વર્ષે પ્રતિ મણ રૂપિયા ૧૦૫૫ ભાવ નક્કી થયો છે. ટેકાના ભાવની ખરીદી પૂર્વે જામનગર જિલ્લામાં ૫૨ હજાર ઉપરાંત ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ ઓપન બજારમાં ખરીદી શરૂ થઈ ગઈ હતી. ખુલ્લા બજારની ખરીદ પ્રક્રિયા રૂપિયા ૮૦૦થી શરૂ થઈ છે અને દરરોજ ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે.