ભારતના અતિ મહત્વકાંક્ષી એવા લદાખ ક્ષેત્રમાં છેલ્લા છ મહિનાથી સતત ચીન સાથે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. સરહદ પર ભારે હિલચાલ થઈ રહી છે. ત્યારે ભારતીય સેનાએ લદાખના ચૂમર-ડેમચોક વિસ્તારમાંથી એક ચીની સૈનિકની ધરપકડ કરી છે. જો કે ચીનની સેનાના આ સૈનિકે કહ્યું છે કે તેણે અજાણતાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. હાલમાં, ચીની સૈનિકનો આઈકાર્ડ જપ્ત કરવામાં આવ્યો છે, કેટલાક વધુ દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
ભારત અને ચીનની સરહદ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંન્ટ્રોલ (એલએસી)ને લઈને બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતીય પ્રદેશમાંથી ચીની સૈનિકની ધરપકડ થતાં ઘણાં પ્રશ્નો ઊભા થયા છે.
ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં ચીની સૈનિકે કહ્યું કે તે તેની યાકની શોધમાં ભારતીય સરહદમાં અજાણે પ્રવેશ્યો હતો.આ અંગે સુરક્ષાબળો દ્વારા જણાવવામાં આવ્યું છે કે નિર્ધારિત પ્રક્રિયાને અનુસર્યા પછી, સ્થાપિત પ્રોટોકોલ મુજબ ચીની આર્મીને પરત મોકલી દેવામાં આવશે.
આ પીએલએ સૈનિકનું નામ કોર્પોરલ વાંગ યા લોંગ હોવાનું સામે આવ્યું છે. હાલ, ભારતીય સૈન્યએ તેને કઠોર આબોહવાની પરિસ્થિતિઓથી બચાવવા માટે ઓક્સિજન, ખોરાક અને ગરમ કપડાં સહિતની તબીબી સહાય પ્રદાન કરી છે.
એવું પણ જાણવા મળ્યું છે કે ગુમ થયેલ પોતાના સૈનિક અંગે ચીને ભારતીય સેનાને એક વિનંતી મોકલી છે. જે મુજબ હવે પ્રોટોકોલને અનુસરી , સૈનિકની પૂછપરછ કરી અને અન્ય ઓપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, તેને ચુશુલ-મોલ્ડો મીટિંગ પોઇન્ટ પર ચીની અધિકારીઓના હવાલે કરવામાં આવશે.