એક તરફ વિશ્વના અનેક અર્થતંત્ર મંદીની આહટમાં મંદ પડી રહ્યા છે, તેવામાં ભારતનું અર્થતંત્ર નવા લક્ષ્યો હાંસલ કરી કાઠું કાઢશે

વિશ્વનું સર્વિસ હબ બનવા તરફ ભારતની આગેકૂચ, સેવા નિકાસ ચાલુ વર્ષે રૂ.26 લાખ કરોડે પહોંચશે

એક તરફ વિશ્વના અનેક અર્થતંત્ર મંદીની આહટમાં મંદ પડી રહ્યા છે, તેવામાં ભારતનું અર્થતંત્ર નવા લક્ષ્યો હાંસલ કરી કાઠું કાઢશે. ભારતની નિકાસ ચાલુ વર્ષે 60 લાખ કરોડને વટાવી જવાની છે. જેમાં સેવા ક્ષેત્રની નિકાસ જ અધધધ 26 લાખ કરોડને આંબવાની હોવાનો કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે.

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતની માલસામાન અને સેવાઓની નિકાસ ટૂંક સમયમાં 60 લાખ કરોડને વટાવી જશે.તેઓએ ઉમેર્યું કે ફેબ્રુઆરી સુધીનો ડેટા દર્શાવે છે કે આપણે થોડા દિવસોમાં 60 લાખ કરોડની નિકાસને પાર કરીશું. વેપાર અને સેવાઓ બંને વધી રહ્યા છે.  સેવાઓ ઝડપથી વધી રહી છે, ગોયલે મુંબઈમાં સિન્થેટિક એન્ડ રેયોન ટેક્સટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે આ વર્ષે 26 લાખ કરોડની સેવાઓની નિકાસની અપેક્ષા છે.

નાણાકીય વર્ષ 2022માં ભારતની માલસામાન અને સેવાઓની નિકાસ અનુક્રમે રૂ. 34 લાખ કરોડ અને રૂ. 21 લાખ કરોડ  સર્વકાલીન ટોચે પહોંચી હતી. કુલ શિપમેન્ટ રૂ. 55 લાખ કરોડે પહોંચી હતી.  વૈશ્વિક વેપાર ધીમો પડી રહ્યો છે પરંતુ ભારતની નિકાસ વધી રહી છે, અને જ્યારે વર્ષ શરૂ થયું ત્યારે યુક્રેન યુદ્ધ સાથે, વિકસિત અર્થતંત્રોમાં ઓર્ડર ધીમાં પડી રહ્યા હતા અને ફુગાવો અને મંદીની સ્થિતિ હતી.

ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેના વેપાર કરારથી બેટરી ઉત્પાદકોને મળશે ફાયદો

મુક્ત વેપાર કરારો પર, પિયુષ ગોયલે કહ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર  એક સંતુલિત અને સમાન કરાર છે. અને તે બેટરી ઉત્પાદન માટે એક તક છે. આ કરારથી નિકાસમાં ધરખમ વધારો થશે. ઉધોગકારોને પણ તેનાથી ફાયદો થશે અને અર્થતંત્રને બુસ્ટર મળશે.

બે હજાર પ્રોડક્ટને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર હેઠળ લઇ જવાશે

ગોયલે એમ પણ કહ્યું હતું કે 2,000 પ્રોડક્ટ્સ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર હેઠળ આવશે કારણ કે દેશની નિકાસ તેના લીધે ધીમી પડી રહી છે.અન્ય દેશો ભારત સાથે કનેક્શન બનાવવા, વેપાર અને વ્યાપારી સંબંધોને વિસ્તૃત કરવા, ભારત સાથેના તેમના સૈન્ય અને સંરક્ષણ સંબંધોમાં સુધારો કરવા માટે ઉચ્ચ સ્તરનું મહત્વ આપે છે. દરેક ક્ષેત્રમાં તેઓને લાગે છે કે ભારત એક તેજસ્વી સ્થળ અને વૈશ્વિક શક્તિ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.