રાજકારણીઓ માટે ચૂંટણી કે લોકોનો જીવ મહત્વનો ?
ચૂંટણી પંચે તમામ રાજ્યો પાસેથી માંગ્યો રિપોર્ટ: જાન્યુઆરી મહિનામાં ફરીવાર બેઠક યોજી લેવાશે અંતિમ નિર્ણય
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ વિશે સોમવારે ચૂંટણી પંચની સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. મીટિંગમાં એવા સંકેત મળ્યા છે કે ચૂંટણી તેના નક્કી કરેલા સમયે જ થશે. જોકે જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં ફરી મીટિંગ થઈ શકે છે, ત્યારપછી અંતિમ નિર્ણય લેવાશે.
હાલ જે રીતે કોરોના અને ઓમીક્રોનનો ભરડો ઝડપથી વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે તેવા સમયે ક્યાંક રાજકીય પક્ષો સમયસર ચૂંટણીઓ યોજવા દબાણ કરી રહ્યા હોય ત્યારે ચુંટણી પંચ સમયસર ચૂંટણી યોજવા મજબૂર બન્યું હોય તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઇકોર્ટે પણ ચૂંટણીઓ મુલતવી રાખવા ચૂંટણી પંચ અને વડાપ્રધાનને વિન્નતી કરી હતી તેમ છતાં ચૂંટણી સમયસર જ યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે. ત્યારે ચોક્કસ સવાલ થાય કે, રાજકારણીઓ માટે ચૂંટણી મહત્વની છે કે પ્રજાનો જીવ ?
ચૂંટણી પંચે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણીપુરમાં કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ પર ચર્ચા કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, સ્વાસ્ખ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સીનિયર અધિકારીએ ચૂંટણી પંચને કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
રેલીઓ અને જનસભા પર પ્રતિબંધ લાગવાની શક્યતા
ચૂંટણી વિશેની વધુ માહિતી જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી થોડા સમયમાં ઓમિક્રોન તરીકેની ત્રીજી લહેર આવી શકે છે. તેથી ચૂંટણી પંચ દ્વારા પણ અમુક આકરા પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પહેલાં ચૂંટણી પહેલાં રાજ્યોની સ્થિતિ સમજીને નિર્ણય લેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રોન વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવના રિપોર્ટ પછી શક્ય છે કે, ચૂંટણી પંચ કોવિડના નિયમોનું કડક રીતે પાલન કરવાના આદેશ આપે. મોટી રેલી-રોડ શો અને સભા ઉપર પ્રતિબંધ પણ લાદવામાં આવી શકે છે. વર્ચ્યુઅળ અને ડોટ ટુ ડોર કેમ્પેનિંગની મંજૂરી મળી શકે છે. ચૂંટણી પ્રચારની પદ્ધતિઓમાં ફેરફાર લાવવાની સાથે માસ્ક અને બે ફૂટનું અંતર રાખવાનો નિયમ કડક રીતે લાગુ કરવામાં આવી શકે છે.
દિલ્હીમાં ચૂંટણી પંચની બેઠક દેશમાં વધતા ઓમિક્રોન સંક્રમણ, કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે તે રાજ્યોનો આખો રિપોર્ટ માંગ્યો હતો જ્યાં ૨૦૨૨માં ચૂંટણી થવાની છે. આ રાજ્યોમાં ઓમિક્રોનના કેસ, વેક્સિનેશનની ડિટેલ્સ આપવી પડશે. તે ઉપરાંત એવું પણ જણાવવું પડશે કે આ રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને શું કામ કરી રહી છે. આ રિપોર્ટના આધાર પર જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં એક બેઠક કરવામાં આવશે.
૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોના રસીકરણ અને પ્રિ-કોશન ડોઝ માટે માર્ગદર્શિકા જહેર કરાઇ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો માટે કોવિડ-૧૯ રસીકરણ, હેલ્થ વર્કરો માટે સાવચેતીના ડોઝ અને ફ્રન્ટલાઇન કામદારો અને અન્ય રોગોથી પીડાતી ૬૦ વર્ષથી વધુની વસ્તી માટે માર્ગદર્શિકા જારી કરી હતી. માર્ગદર્શિકા અનુસાર, આરોગ્ય અને એડવાન્સ ફ્રન્ટ પર તૈનાત કર્મચારીઓને જેમને બે ડોઝ મળ્યા છે તેમને ૧૦ જાન્યુઆરીથી કોવિડ-૧૯ રસીનો વઘુ એક ડોઝ આપવામાં આવશે.
આ સાવચેતીના ડોઝની પ્રાથમિકતા બીજા ડોઝની તારીખથી ૯ મહિના પૂર્ણ થવાના આધારે હશે. ઉલ્લેખનીય છે કે, આ વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોન કોવિડ-૧૯ની ત્રીજી લહેર અને વધતા જતા કેસોની આશંકા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.
૧૫-૧૮ વર્ષના બાળકોને રસીકરણ વિકલ્પ ફક્ત કોવેક્સિન હશે. આત્યંતિક સાવચેતી તરીકે, તે હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇન વર્કર્સ જેમણે બે ડોઝ મેળવ્યા છે, તેમને ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ થી રસીનો વધુ એક ડોઝ આપવામાં આવશે. આ સાવચેતીનો ડોઝ બીજા ડોઝની તારીખથી ૯ મહિના એટલે કે ૩૯ અઠવાડિયા પૂરા થવા પર આધારિત હશે.
૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ કે જેઓ કોઈપણ રોગથી પીડિત છે, જેમણે રસીના બે ડોઝ મેળવ્યા છે, તેમને ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ થી ડૉક્ટરની સલાહ પર સાવચેતી માટેનો ડોઝ આપવામાં આવશે. આ સાવચેતીભર્યા ડોઝની પ્રાથમિકતા અને ક્રમ બીજા ડોઝના વહીવટની તારીખથી ૯ મહિના એટલે કે ૩૯ અઠવાડિયા પૂરા થવા પર આધારિત હશે.
ઓમીક્રોનના ભયના ઓથાર હેઠળ ૨૫૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ્દ!!
વધતા જતા ઓમીક્રોનના કેસ વચ્ચે વિશ્વભરમાં હવાઈ મુસાફરી પર નિયંત્રણો મુકાઈ રહ્યા છે. ક્રિસમસ વીકએન્ડ પછી હવાઈ મુસાફરોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સોમવારથી જ ફ્લાઇટ્સ રદ્દ જોવા મળી રહી છે. વિશ્વભરમાં ૨૫૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સની ૧૦૦૦ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ત્યારે ચાઇનીઝ એરલાઇન્સ તેમની ફ્લાઇટ્સ રદ કરનાર ટોચના કેરિયર્સમાં સામેલ હતી.
ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધી ૨૬૦૧ રદ કરાયેલી ફ્લાઈટ્સમાંથી ૪૨૩ ફ્લાઈટ્સ ચાઈના ઈસ્ટર્ન એરલાઈનની હતી અને ૧૯૮ એર ચાઈનાની હતી. યુએસ એરલાઇન્સમાં યુનાઇટેડ એરલાઇન્સે ૯૩ ફ્લાઇટ્સ, અમેરિકન એરલાઇન્સ ૮૨, ડેલ્ટા એર લાઇન્સ ૭૩ અને જેટબ્લ્યુએ સોમવારે ૬૬ ફ્લાઇટ્સ રદ કરી હતી.