નવા વેરિયન્ટના સંક્રમણ વચ્ચે વૈશ્વિક આર્થિક વ્યવસ્થા ડામાડોળ થવાની શકયતા
વિશ્ર્વભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ભારતમાંપ ણ ઓમિક્રોનના કેસમાં સતત વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણને રોકવા સરકાર દ્વારા કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવેતેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આવામા આજે ઉઘડતી બજારે શેર બજારમા તોતીંગ કડાકા બોલી ગયા હતા સેન્સેકસે 56 હજારની સપાટી તોડી હતી અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો તૂટયો હતો.
ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. તેની અસર શેર બજાર પર પડી રહી છે. જો આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થશે તો અર્થ વ્યવસ્થા ફરી ડામાડોર થઈ જાય તેવી ભીતિ વચ્ચે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારના બંને આગેવાન ઈન્ડેકસોમાં જોરદાર કડાકા બોલી ગયા હતા. ઈન્ટ્રા ડેમાં સેન્સેકસ 56 હજારની સપાટી તોડી 55651.58 સુધી નીચે સરકી ગયો હતો. જયારે નિફટીએ પણ 16600ની સપાટી તોડી હતી અને 16566.80 સુધી સરકી ગયો હતો. બેંક નિફટી અને નીફટી મીડકેપ ઈન્ડેકસમાં પણ જોરદાર કડાકા બોલી ગયા હતા. ભારતીય રૂપીયાનું અમેરિકી ડોલર સામે ધોવાણ સતત ચાલુ છે.
આ લખાય રહ્યું છે.ત્યારે સેન્સેકસ 1184 પોઈન્ટના ઘટાડા સાથે 55817, નિફટી 365 પોઈન્ટના કડાકા સાથે 16919 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 4 પૈસાના ઘટાડા સાથે 76.12 પર ટ્રેડ કરી રહ્યા છે.
રાજ્યના ૮ જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી : રાજકોટ-અમદાવાદમાં પણ કેસ નોંધાયો
રાજ્યમાં ઓમિક્રૉનનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રૉનના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં બે અને રાજકોટમાં ૧ દર્દી ઓમિક્રૉન સંક્રમિત થયા છે. આ તમામ દર્દીઓ તાન્ઝાનિયાથી આવ્યા છે. તાન્ઝાનિયાથી અમદાવાદ ઓપરેશન માટે આવેલા પતિ-પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો રાજકોટમાં તાન્ઝાનિયાથી આવેલા ૨૩ વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ ૧૩ ઓમિક્રૉનના કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં ૧, સુરતમાં ૨, અમદાવાદમાં ૨ કેસ, જામનગરમાં ૩, વડોદરામાં ૨ કેસ, ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં ૧-૧ કેસ નોધાયો છે. રાજકોટમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. ઓમિક્રોન વેરિઅન્ટનો રાજકોટની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો તાન્ઝાનિયાનો યુવક ઓમિક્રોન સંક્રમિત થયો છે.
વિદ્યાર્થીને પંડિત દીનદયાલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઓમિક્રોનનો આ પ્રથમ કેસ છે. કલેક્ટરે જણાવ્યું કે વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. ગુજરાતમાં નવા કેસ મળી આવતા, ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને ૧૫૩ થઈ ગયા છે.
દેશમાં કોરોના સંક્રમણ ૧૯ મહિનાના તળિયે !!
વૈશ્વિક સ્તરે વધતા જતા ઓમિક્રોનનો ડર અને વધતા કોરોના વાયરસ કેસ વચ્ચે ભારતમાં કોવિડ સંક્રમણ સતત ઘટી રહ્યો છે. દેશમાં રવિવારના રોજ પૂરા થતા સપ્તાહમાં ૫૦,૦૦૦ થી ઓછા નવા કેસ નોંધાયા હતા, જે ૧૯ મહિનામાં પ્રથમ વખત સાપ્તાહિક ગણતરીમાં સૌથી ઓછા કેસ છે. ભારતમાં સપ્તાહમાં (૧૩-૧૯ ડિસેમ્બર સુધીમાં) લગભગ ૪૯,૦૦૦ નવા કેસ નોંધાયા છે, જે અગાઉના સપ્તાહની ૫૫,૮૨૪ ની ગણતરી કરતા ૧૨.૩%નો ઘટાડો સૂચવે છે અને મે ૨૦૨૦ પછી દેશમાં રોગચાળાનો સૌથી નીચો તબક્કો છે.
બીજી બાજુ ૧૧-૧૭ ઓક્ટોબર પછી પ્રથમ વખત અઠવાડિયા દરમિયાન મૃત્યુ પણ ઘટીને ૨૦૦૦ થી નીચે ગયા છે. ભારતમાં ૧૩-૧૯ ડિસેમ્બર દરમિયાન ૧૯૨૨ મૃત્યુ નોંધાયા હતા, જેમાંથી તાજેતરના દિવસોમાં ૬૮૦ મૃત્યુ થયા હતા.
દેશભરના કુલ કેસો પૈકી કેરળમાં અઠવાડિયામાં ૨૨૯૮૪ કેસ નોંધાયા છે જે અગાઉના સપ્તાહમાં ૨૮૬૮૪ હતા. નોંધપાત્ર રીતે ઘણા અઠવાડિયામાં બાદ પ્રથમ વખત કેરળમાં દેશના કોવિડ કેસના ૫૦% કરતા ઓછા કેસ નોંધાયા છે. હાલ કુલ કેસો પૈકી કેરળમાં ૪૭% કેસ નોંધાયા છે.
બ્રિટનમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં ૯૦,૪૧૮ કેસ નોંધાયા : ભારતમાં સંક્રમણ રોકવા પ્રતિબંધો જરૂરી?
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને પોતાનું રૌદ્ર રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આ વાયરસ અત્યાર સુધી ૮૯ દેશોમાં પહોંચી ચુક્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે બ્રિટનમાં ઓમિક્રોનથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે, જ્યારે એક દિવસમાં આ વેરિએન્ટના ૧૦,૦૫૯ કેસ સામે આવ્યા છે. આ સાથે બ્રિટનમાં ઓમિક્રોનના સંક્રમિતોનો આંકડો વધીને ૨૪,૯૬૮ થઈ ગયો છે. તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૯૦,૪૧૮ કેસ સામે આવ્યા છે, જ્યારે મહામારીથી ૧૨૫ લોકોના મૃત્યુ થયા છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યુ કે, ઓમિક્રોનથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે. અમે તમામ પગલાં ભર્યા જે જરૂરી છે. અમે આંકડા પર નજર રાખી રહ્યાં છીએ અને પોતાના વૈજ્ઞાનિકો અને સલાહકારો સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યાં છીએ. અમે મહામારી પર સાવધાનીથી નજર રાખીશું. અમે છેલ્લા કેટલાક દિવસમાં ઓમિક્રોન સંક્રમણમાં એક મોટો ઉછાળો જોયો છે.
ઓમિક્રોનનો સામનો કરવા માટે રસીકરણ વધારવામાં આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા સ્ટ્રેનની તુલનામાં ઝડપથી ફેલાય રહ્યો છે. તેના કેસની સંખ્યા ૧.૫થી ૩ દિવસમાં ડબલ થઈ રહી છે. મહત્વનું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન વેરિએન્ટને વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો છે. કોરોના અને ઓમીક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે શું ભારતમાં ફરીવાર આકરા પ્રતિબંધો લાદવા પડશે કે કેમ ? આ પ્રશ્ન પણ ઉદ્ભવયો છે.