જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને “સખી” વન સ્ટોપ સેન્ટર, રાજકોટ જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક ગઇકાલે કલેકટર કચેરી ખાતે મળી હતી. આ બેઠકમાં “સખી” વન સ્ટોપ સેન્ટર અંતર્ગત વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે આવતા જુદા જુદા કેસ, આવેલા કેસનું કઈ રીતે કાઉન્સેલિંગ થાય છે,
વર્ષ દરમિયાન કેટલા કેસ આવ્યા તેની જાણકારી આપવામાં આવી હતી. વર્ષ 2017 થી અત્યાર સુધીમાં ઘરેલુ હિંસા, જાતીય હિંસા, દહેજ સહિતના જુદા જુદા અંદાજે 2483 કેસમાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે.રાજકોટની સાથે સાથે ગોંડલમાં પણ “સખી” વન સ્ટોપ સેન્ટર પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે, જેની વિગત પણ આ તકે આપવામાં આવી હતી.
આ તકે કલેકટર અરૂણ મહેશ બાબુએ “સખી” વન સ્ટોપ સેન્ટરમાં થતી કામગીરી વિશે લોકોમાં વધુ જાગૃતતા આવે તે માટે નક્કર પ્રયાસો કરવા સૂચવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા, મહિલા અને બાળ વિકાસ કચેરીના અધિકારીઓ, સખી વન સ્ટોપના અધિકારીઓ, બાળ સુરક્ષા વિભાગના અધિકારી એ.વી.ગોસ્વામી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સેરસીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ મેનેજર સાવિત્રી નાથજી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.