રોગપ્રતિકારક શક્તિમાં સુવર્ણ પ્રાશન ટીપા બાળકો અને ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક
સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ્ નામની સંસ્થા છેલ્લા 50 વર્ષથી અવિરત આયુર્વેદિક સુવર્ણ પ્રાશન ટીપા બાળકોને રોગપ્રતિકારક શક્તિમાં ફાયદારૂપ નિવડે તેવા હેતુસર પીવડાવી રહી છે. વારણસીમાં વિશ્ર્વનાથ ગુરૂજી દ્વારા સંસ્કૃતિ આર્યની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાની રાજકોટમાં એક બ્રાન્ચ અમીબેન દોશી દ્વારા ચલાવવામાં આવી રહી છે. અમીબેન દોશી ગર્ભાવતી મહિલાઓ તથા 3 વર્ષથી લઇ 16 વર્ષના બાળકોને આ ટીપા પીવડાવવાનું સેવાકીય કાર્ય કરી રહ્યાં છે. દર મહિનાના પુષ્ય નક્ષત્રમાં આ ટીપાને પીવડાવવામાં આવે છે.
કોરોના કાળ બાદ લોકોને ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિની મહત્વતા ખૂબ સમજાણી ત્યારે છેલ્લા 50 વર્ષથી સુવર્ણ પ્રાશન ટીપા આ કાર્ય કરી રહ્યું છે. બાળકોમાં આ ટીપાથી ખૂબ જ ફાયદાઓ જોવા મળે છે. બાળકની એકાગ્રતાની શક્તિ વધે છે. સામાન્ય તાવ, ઉધરસ, શરદી જેવા વાયરલ ઇન્ફેક્શનમાં આ ટીપા અસરકારક સાબિત થાય છે. જો બાળકે આ ટીપાનું સેવન કરેલું હોય તો તેને વાયરલ ઇન્ફેક્શનથી કોઇ અસર થતી નથી. થોડા જ દિવસોમાં બાળકને વાયરલ ઇન્ફેક્શન દૂર થઇ જાય છે. અમીબેન દોશીએ આ સેવાકીય પ્રવૃતિ થોડા જ સમય પહેલા શરૂ કરી છે. હાલ તેઓ પોતાના સોશિયલ મીડીયાના ગૃપ દ્વારા તેમજ તેમના રહેણાંક વિસ્તારના રહેવાસી થકી આ સેવાકીય કાર્યને આગળ ધપાવી રહ્યા છે. લોકો દૂર-દૂરથી સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવા અમીબેન દોશીના કેન્દ્ર પર પહોંચી રહ્યા છે ત્યારે ખરા અર્થમાં આ સેવાકીય પ્રવૃતિ થકી અમીબેન દોશી જનસેવાનું મોટું કાર્ય કરી રહ્યાં છે.
સુવર્ણ પ્રાશન કેન્દ્રમાં હું નિષ્ઠાપૂર્વક સેવા કરી મારી ફરજ નિભાવી રહી છું: અમીબેન દોશી
સુવર્ણ પ્રાશન કેન્દ્રના અમીબેન દોશીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે સુવર્ણ પ્રાશન આયુર્વેદિક ઔષધિમાંથી બનાવવામાં આવે છે. કાશ્યપ સંહિતામાં સુવર્ણ પ્રાશનનો ઉલ્લેખ છે. કેન્દ્રમાં નિ:શુલ્ક ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. વાલીઓ ખૂબ જ ઉત્સાહથી અહી પોતાના બાળકો સાથે આવી અને આ સેવાનો લાભ લઇ રહ્યા છે. રાજકોટમાં આવા કેન્દ્ર શરૂ થવા જરૂરી છે. ભાવિ પેઢીને રોગપ્રતિકારકશક્તિમાં ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી સાબિત થતા સુવર્ણ પ્રાશન ટીપા શહેરના વિવિધ સ્થળો પર મળતા શરૂ થાય તે જરૂરી છે.
બાળકની રોગ પ્રતિકારકશક્તિમાં શક્તિવર્ધક બન્યાં સુવર્ણ પ્રાશન ટીપા: હેતલબેન
કેન્દ્રમાં આવેલા હેતલબેને ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે મારા બાળકને સુવર્ણ પ્રાશન ટીપા ખૂબ જ અસરકારક સાબિત થયાં છે.
તેની રોગપ્રતિકારકશક્તિમાં સારો વધારો કર્યો છે. આયુર્વેદિક ટીપા હોવાથી વાલી પણ આગ્રહ રાખી છે કે તેના બાળકને આ શક્તિવર્ધક ટીપા જરૂરથી મળી રહે. 6 થી 14 વર્ષના કોઇપણ બાળકને આ ટીપા આપી શકાય છે. શરદી-ઉધરસ જેવી બિમારીમાં આ ટીપા ખૂબ જ ઉપયોગી નીવડે છે.