ટુ પ્લસ ટુ ડાયલોગમાં અમેરિકા અને ભારત વચ્ચે મહત્વની સમજુતી: ચીનના વિરોધ છતાં એનએસજીમાં ભારતનો સમાવેશ કરવા અમેરિકા પ્રયાસ કરશે
ન્યુકલીયર સપ્લાયર ગ્રુપ (એન.એસ.જી.)માં ભારતનો સમાવેશ કરવા માટે અમેરિકાએ કમરકસી છે. ગઈકાલથી દિલ્હી ખાતે શરૂ થયેલા ૨+૨ ડાયલોગમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તથા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન દ્વારા આ મુદ્દે અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઈક પોમ્પીયો અને ડિફેન્સ સેક્રેટરી જેમ્સ મેટીસ સાથે મહત્વની ચર્ચા થઈ હતી.
ન્યુકલીયર સપ્લાય ગ્રુપ એક એવું સમુહ છે જેના સભ્યદેશો ન્યુકલીયર ટેકનોલોજીનો વેપાર કરી શકે છે. ભારત ઘણા સમયથી આ સમુહમાં પ્રવેશવા મથામણ કરતું હતું પરંતુ ચીન દ્વારા દરેક વખતે વિરોધ કરવામાં આવ્યો છે. ચીનનો દાવો છે કે જયાં સુધી ભારત એનપીટી એટલે ન્યુકલીયર પ્રોલાઈફરેશન ટ્રીટી ઉપર હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી તેનો સમાવેશ એનએસજીમાં થઈ શકે નહીં. હાલ એનએસજીમાં ૪૮ સભ્ય દેશો છે.
ચીનના વિરોધ વચ્ચે અમેરિકા ભારતનો એનએસજીમાં સમાવેશ કરવા માટે કટીબઘ્ધ થયું છે જેની પાછળ અમેરિકાના પોતાના હિત પણ જવાબદાર માનવામાં આવે છે. અમેરિકા હાલ ભારતનો એશિયામાં સંરક્ષણ અને આર્થિક મામલે ઉપયોગ કરવા માંગે છે બીજી તરફ અમેરિકા સાથે સંબંધ રાખી ભારતના પણ અનેક હિત સંકળાયેલા છે. ચીનને હંફાવવા માટે ભારતને આગળ ધરવાની નિતી અમેરિકાની છે બીજી તરફ હાલ અમેરિકાની આ ગરજનો લાભ લઈ ભારત પણ ટેકનોલોજી અને આર્થિક વિકાસ માટે મહત્વના કરાર કરી રહ્યું છે.
ન્યુકલીયર સપ્લાયર ગ્રુપમાં સામેલ થવું ભારત માટે મહત્વનું છે જોકે ભારત તેના વિકલ્પરૂપે મીસાઈલ ટેકનોલોજી કંટ્રોલ સમુહમાં સભ્યપદ મેળવી ચુકયું છે. ભારત પાસેથી સંરક્ષણ અને અર્થતંત્રમાં પુરતા સહકારની અપેક્ષા અમેરિકા રાખે છે. એનએસજીમાં ભારતનો પક્ષ લઈ અમેરિકા એક રીતે ચીનને પણ કાબુમાં રાખવા માંગે છે. ભારત અને અમેરિકાના સંબંધોમાં બંને દેશો એકબીજાના હિત જ જોઈ રહ્યા છે.
અમેરિકાએ ભારત સાથે ‘વેપાર વૃદ્ધિ’ કરવી જરૂરી !
ભારત અને અમેરિકા વચ્ચે વેપારમાં તોતીંગ વૃદ્ધિ થાય તેવી અપેક્ષા મંત્રી સુરેશ પ્રભુ રાખી રહ્યા છે. હાલ ભારત અને અમેરિકા વચ્ચે વિવિધ ક્ષેત્રમાં ૧૨૫ બિલીયન ડોલરનો વેપાર થાય છે જે ધીમે-ધીમે ૫૦૦ થી ૬૦૦ બિલીયન ડોલર સુધી પહોંચી જાય તેવી અપેક્ષા સેવવામાં આવે છે. એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટીકલ્સ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્ટાર્ટઅપ ક્ષેત્રે અમેરિકાને ભારત સાથે વેપાર કરવામાં અનેક તક છે જેથી આગામી સમયમાં બંને દેશો વચ્ચે વેપાર વૃદ્ધિ થાય તે ઈચ્છનીય છે. આગામી સમયમાં ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર પણ હરણફાળ ભરશે. ૧૦ થી ૧૫ વર્ષમાં ૧૦૦ નવા એરપોર્ટ ઉભા કરવામાં આવશે. જેનાથી ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થશે. દર વર્ષે ૨૫૦ બિલીયન ડોલરના મૂડીરોકાણની તક અમેરિકા સહિતના દેશોને છે.
આતંકવાદને નાબુદ કરવા માટે પાકને અમેરિકાની ચીમકી
પાકની સરજમીન પરથી આતંકવાદને નાબુદ કરવાની ચેતવણી અમેરિકાએ આપી છે. ભારતમાં મુંબઈ, પઠાણકોટ અને યુરી સહિતના આતંકી હુમલા બાદ સરહદ પારના આતંકવાદને અટકાવવા ભારત અને અમેરિકાએ સાથે કામ કરવાનો નિર્ધાર કર્યો છે. ગઈકાલે ટુ પ્લસ ટુ ડાયલોગના પ્રથમ દિવસે ભારત અને અમેરિકાએ સાથે મળી પાકિસ્તાનને આતંકવાદનો ખાતમો કરવા ચેતવણી આપી દીધી છે. પાકિસ્તાનની ભુમીનો ઉપયોગ આતંકવાદીઓના ફેલાવા માટે ન થાય તે નિશ્ર્ચિત કરવા જણાવાયું છે. આતંકવાદ સામે એક સાથે કામ કરવાની કટીબઘ્ધતા ભારત અને અમેરિકાએ વ્યકત કરી છે.
ક્રુડને લઈ ચાબહાર પોર્ટમાં કામગીરી તેજ
ઈરાનનું ક્રુડ ભારત માટે અતિમહત્વનું પાસું છે. ક્રુડ ઉપરાંત ચાબહાર પોર્ટનો વિકાસ પણ ભારત માટે મહત્વનો માનવામાં આવે છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની તંગદિલી બાદ ભારતને ક્રુડ મામલે મુશ્કેલીઓ પડી રહી છે. અમેરિકાના પ્રતિબંધોથી ચાબહાર પોર્ટનો વિકાસ રૂધાયો છે. ચાબહાર પોર્ટ પાકિસ્તાનને બાયપાસ કરીને વિશ્ર્વ સાથે વેપાર કરવા સૌથી સુરક્ષિત માધ્યમ બની જશે તેવી અપેક્ષા છે ત્યારે ટુ પ્લસ ટુ વાર્તાલાપમાં ઈરાન ઉપરના પ્રતિબંધ છતાં ભારતને કઈ રીતે ફાયદો થઈ શકે તે મુદ્દે ચર્ચા થઈ હતી. ઉપરાંત પેમેન્ટ ઉપર મુકેલા પ્રતિબંધો મામલે પણ ઈરાનની બેંકો કઈ રીતે ચાબહાર પોર્ટનો વિકાસ માટે ભંડોળ મેળવી શકે તે ચર્ચા થઈ હતી.