- વર્લ્ડ ટેરિફ વોરની વિશ્ર્વભરના ધેરી અસર: મહામંદીની દહેશતથી ફફડતું ઉઘોગ જગત
અમરેલીકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે બીજી વખત સત્તારૂઢ થયા બાદ તેઓએ આડેધડ ટેરિફ ઝીંકતા વર્લ્ડ ટેરિફ વોર જેવો માહોલ સર્જાયો છે. ટ્રેડ વોરના કારણે વિશ્ર્વભરના શેરબજારોમાં મંદીની સુનામી આવી છે. અમેરિકાનું બજાર પણ તુટયું છે. વિશ્ર્વભરમાં મહામંદીની દહેશત ફેલાઇ જવા પામી છે. ભારતીય શેરબજારમાં સોમવારે મોટો કડાકો બોલી ગયો હતો. શેરબજાર સાથે સોનુ, ફુ્રડ અને રૂપિયો પણ હલબલી ગયા છે. આગામી દિવસોમાં સલામત રોકાણ ગણાતા સોનાના ભાવમાં ઐતિહાસિક કડાકો બોલી જવાની ભીતી દેખાય રહી છે.
ભારતીય શેરબજાર માટે તમામ પ્રકારનું સાનુકુળ વાતાવરણ હોવા છતાં અમેરિકાના ટેરિફ વોરના કારણે બજારમાં મહામંદી વયાપી જવા પામી છે. વિશ્ર્વના દેશો હાલ એકબીજા સાથે જે વ્યાપાર કરી રહ્યા છે તેને અમેરિકાના ટેરિફ વોરે હલબલાવી દીધા છે. ટેરિફની અસર માત્ર શેરબજાર પુરતી સિમિત રહી નથી. આંતર રાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ, ફુડ બેરલના ભાવમાં કડાકો બોલી ગયો છે. વિશ્ર્વ આખુ ફરી મહામંદી તરફ ધકેલાય રહ્યું છે.
સોનાના ભાવમાં પણ અકલ્પનીય ઘટાડો થવાની આશંકા જાણકારો વ્યકત કરી રહ્યા છે. ફુડ બેરલના ઉત્પાદનમાં જો ઓપેકના દેશો દ્વારા વધારો કરવામાં આવશે તો આગામી દિવસોમાં ઇધણના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના જણાય રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલ પરની એકસાઇઝ ડયુટીમાં વધારો કરાયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરનો કુલ વેરા વધીને પ્રતિ લિટર રુ. 19.9 થી રૂ. 21.9 થયો છે. તેમા પ્રતિ લિટર રુ. 1.40ની બેઝિક એકસાઇઝ ડયુટી, પ્રતિ લિટર રૂ. 13ની સ્પેશ્યલ એડિશનલ એકસાઇઝ ડયુટી, રૂ. 2.50નો કૃષિ ઉપકર અને પાંચ રુપિયા રોડ અને ઇન્ફ્રાસ્ટ્ર્કચર ઉપકરનો સમાવેશ થાય છે. ડીઝલ પરની સરકારની કુલ આવક પ્રતિ લિટર રૂ. 15.80થી વધીને રૂ. 17.80 થઈ છે. તેમા રૂ. 1.80 બેઝિક એકસાઇઝ ડયુટી, રુ. 10 સ્પેશ્યલ એકસાઇઝ ડયુટી, પ્રતિ લિટર રુ. 4નો કૃષિ ઉપકર અને પ્રતિ લિટર બે રુપિયાના રોડ અને ઇન્ફ્રા સેસનો સમાવેશ થાય છે. દેશમાં પ્રતિ વર્ષ 16,000 કરોડ લિટર પેટ્રોલ-ડીઝલનું વેચાણ થાય છે. આમ પ્રતિ લિટર બે રુપિયાનો વધારો તતાં સરકારની આવકમાં રૂ, 32,000 કરોડ સુધીનો વધારો થશે.
કોરોના કાળને લીધે 2021માં તેલના ભાવ સૌથી વધુ નીચા ગયા પછી અમેરિકા અને ચાયનાની ટ્રેડ-વોરને પરિણામે તોળાઈ રહેલી વૈશ્વિક મંદીની ભીતિને લીધે ક્રૂડ તેલના ભાવમાં કડાકો બોલ્યો છે. તેમાં પ્રમુખ ટ્રમ્પે ’ટેરિફ’ ઘટાડવાની સ્પષ્ટ ના કહી તો સામે ચાયનાએ 34 ટકા વળતો ટેરિફ લાદવાની જાહેરાત કરતાં હવે બંને દેશો વચ્ચે ટ્રેડ-વોર તીવ્ર થતી જાય છે. પરિણામે વૈશ્વિક મંદી ધાર્યા કરતાં ઘણી વહેલી આવવાની ભીતિને લીધે તેલના ભાવ નીચે ઉતરતા જાય છે. કારણ કે હવે માંગ ઘટવાની છે તે નિશ્ચિત છે. ગ્રીનીચ મીરીડન ટાઇમ (જીએમટી) પ્રમાણે બ્રેન્ટનો વાયદો બેરલ દીઠ 3.9 ટકા સુધી નીચો જતાં એક બેરલ બ્રેન્ટ-ક્રૂડનો ભાવ 63.04 ડોલર જેટલો નીચો ગયો. જ્યારે યુ.એસ. વેસ્ટ ટેક્ષાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ 4.03 ટકા સુધી નીચે જતાં તેના ક્રૂડનો ભાવ બેરલદીઠ 59.49 ડોલર્સ રહ્યો. આમ બંનેના બેન્ચ-માર્ક એપ્રિલ 2021 પછી સૌથી નીચા ગયા હતા.
ચાયનાએ વળતા ટેરિફની જાહેરાત કર્યા પછી તો ભાવ 7 ટકા જેટલા તૂટયા હતા. પરિણામે મંદીની ભીતિ તોળાઈ રહી છે,
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્ષપોર્ટિંગ ક્ધટ્રીઝ (ઓપેક) અને તેના સાથી દેશોએ મે મહીનામાં રોજના 4,11,000 બેરલ તેલ ઉત્પાદન કરવા નિર્ણય લીધો છે જે પહેલા તો 1,35,000 બેરલ જેટલો જ હતો, આ સાથે તેલના ભાવ તૂટશે સાથે મંદી ઘેરી બનશે.
શેરબજાર આજે ગ્રીન ઝોનમાં
ભારતીય શેર બજારમાં સોમવારે કડાકો બોલી ગયા બાદ આજે બજારમાં થોડી રિકવરી જોવા મળી રહી છે. મુંબઇ શેર બજારના બન્ને આગેવાન ઇન્ડેકસ સેન્સેકસ અને નીફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. બેન્ક નિફટી, નિફટી મીડકેપ-100 માં પણ ઉછાળો રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્ર્વના અલગ અલગ દેશો પર ઝીંકવામાં આવી રહેલા ટેરિફના કારણે બજારમાં મહામંદી પ્રવર્તી રહી છે. ગઇકાલે શેર બજારમાં તોતીંગ કડાકા બાદ આજે બજારમાં રિકવરીનો ટોન જોવા મળ્યો હતો.
રાંધણ ગેસના બાટલામાં રૂ. પ0નો વધારો ઝીંકાયો
- કેન્દ્ર સરકારે રાંધણ ગેસના બાટલા પર પ0 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દીધો છે જેનાથી ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે
ગૃહિણીઓ પર મોંઘવારીનો બોમ્બ ફાટયો છે. સરકાર રાંધણ ગેસના બાટલાના ભાવમાં સીધો 50 રુપિયાનો ભાવ ઝીંક્યો છે. આના લીધે 803 રૂપિયે મળતો બાટલો 853 રૂપિયે મળશે. સરકારે ભાવવધારામાંથી ગરીબોને પણ બાકાત રાખ્યા નથી. ઉજ્જવલા યોજનાના લાભાથીઓને ગેસનો બાટલો 503 રૂપિયામાં મળતો હતો, તે હવે 553 રૂપિયામાં મળશે. આમ ગરીબોને વર્ષે સીધો રૂ. 600નો ફટકો પડશે. આ ભાવવધારો આજથી અમલમાં આવશે. સરકારે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પરની આબકારી જકાતમાં પણ પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે, પરંતુ તેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં થાય. પેટ્રોલ પરની સ્પેશ્યલ એક્સાઇઝ ડયુટી વધીને પ્રતિ લિટર 13 રુપિયા થઈ છે તો ડીઝલ પરની આ ડયુટી પ્રતિ લિટર 8 રુપિયાથી વધીને રૂ. 10 થઈ છે.