શું અમેરિકાની સહાય ભારત માટે આશીર્વાદરૂપ કે શ્રાપિત?
દરીયાઈ ક્ષેત્રે ચીનને ભરી પીવા અમેરીકાએ ભારત સાથે કવાયત હાથ ધરી: અમેરીકાનું યુદ્ધ જહાજ બંગાળની ખાડીમાં પહોંચ્યું
કહેવાય છે કે ‘હિસ્ટ્રી રીપીટ ઈટસેલ્ફ’ લોકોની મદદ કેટલા પ્રમાણમાં રહેવું તે જાણવું પણ એટલું જ જરૂરી છે પછી તે મદદ વ્યકિતગત હોય કે બંને દેશો વચ્ચેની હોય. ઉદાહરણરૂપે હાલ પાકિસ્તાનની જે હાલત જોવા મળી રહી છે તેનું મુખ્ય કારણ પણ એજ છે કે અમેરિકાએ જે રીતે પાકિસ્તાનને પોશયું છે અને જે નાણાકિય સહાય આપી છે તેનાથી હાલ પાકિસ્તાન નિર્ભર બની ગયું છે અને આર્થિક રીતે પણ પાયમાલ થઈ ગયું છે. હાલ અમેરિકા જે રીતે પાકિસ્તાનને મદદ કરી હતી એવી રીતે ભારતને પણ મદદ કરે છે ત્યારે ભારતને અપાતી સહાય તે દેશ માટે આશીર્વાદરૂપ સાબિત થશે કે શ્રાપિત સાબિત થશે તે જોવાનું રહ્યું. કહેવાય છે કે, જે પોસતુ હોય એજ મારતું હોય છે ત્યારે કોઈપણ પ્રકારે અતિરેક ન થાય એ જાણવું પણ એટલું જ જરૂરી છે. કોઈપણ વસ્તુમાં અતિરેક જોવા મળે તો તે ઝેરમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે હાલ અમેરિકા દ્વારા ભારતને જે દરિયાઈ ક્ષેત્રે સહાય આપવામાં આવી રહી છે તે ઘણાખરા પ્રશ્ર્નોને પણ ઉદભવિત કરે છે.
૧૯૭૧માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ જોવા મળ્યું હતું તે સમયે ભારત પાકિસ્તાન કરતા અનેકગણું શકિતશાળી હતું પરંતુ જે રીતે અમેરિકાએ આ યુદ્ધમાં જે ભાગ ભજવ્યો તેનાથી પાકિસ્તાનને ઘણીખરી રીતે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. ભારત અને રશિયા વચ્ચેનાં સંબંધો વર્ષોથી ગાઢ રીતે ચાલતા આવ્યા છે. ભારત અને રશિયા બંને સામ્યવાદ અને સમાજવાદની વૃતિ સાથે જોડાયેલા દેશો છે. વર્ષોથી ભારત રશિયા પાસેથી શસ્ત્રો પણ ખરીદી રહ્યું છે ત્યારે એ સમયગાળા દરમિયાન રશિયા અફઘાનિસ્તાન પર પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. રશિયાને અફઘાનિસ્તાનમાંથી ખડેડવા હાલના જગત જમાદાર અમેરિકાએ તાલિબાનને પોસયું હતું તેમાં જ બિનલાદેનનો જન્મ થયો હતો પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે, હાલ તાલિબાન જ અમેરિકા માટે જોખમી સાબિત થયું છે ત્યારે અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરી અમેરિકાએ પાકિસ્તાનનો સહારો લીધો છે. રાજકિય વિશેષજ્ઞોનું માનવું છે કે, અમેરિકા જે કોઈ રાષ્ટ્રને સહાય અથવા તો મદદ કરે છે તે સહાય જે-તે રાષ્ટ્ર માટે શ્રાપિતરૂપ સાબિત થાય છે જો તેની યોગ્ય જાળવણી કે તેની સંભાળ લેવામાં ન આવી હોય તો.
ઈરાક સાથેનાં યુદ્ધમાં પણ અમેરિકાએ વરવી ભૂમિકા ભજવી હતી. અમેરિકા દ્વારા કરવામાં આવેલ યુદ્ધ કયાંકને કયાંક અમેરિકાનાં શસ્ત્ર સરંજામનાં વ્યવસાયને ધબકતું રાખવા માટે કરવામાં આવેલું હોય તેવું સાબિત થયું છે. અમેરિકા અન્ય દેશોની સરખામણીમાં હથિયારોનું ઉત્પાદન ખુબ મોટા પ્રમાણમાં કરે છે ત્યારે જગત જમાદારનો હેતુ માત્ર એટલો જ છે કે તેમના શસ્ત્રોનું વેચાણ ખુબ જ મોટા પ્રમાણમાં થાય. અમેરિકા દ્વારા ઈરાક સાથેના યુદ્ધ બાદ જે તેલના કુવાઓ પોતાને હસ્તગત કર્યા હતા તે સ્થિતિમાં પણ અમેરિકાની વરવી વાસ્તવિકતા અને તેની ભૂમિકા સ્પષ્ટ થાય છે તો બીજી તરફ વિયાતનામ સાથેનાં કરારે ખાલીસ્તાનને જન્મ આપ્યો છે. આ તમામ ગતિવિધિઓ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને તેનું પૃથ્થકરણ કરાય તો એ વાત સ્પષ્ટ છે કે જગત જમાદાર અમેરિકા પોતાના સ્વાર્થને સિઘ્ધ કરવા માટે કોઈપણ સ્તર સુધી જઈ શકે છે. અમેરિકા દ્વારા હરહંમેશ એ વાત ઉપર જ મદાર રાખવામાં આવે છે કે, કમાણી કેવી રીતે વધારી શકાય અને તેમના કરવામાં આવેલા ઉત્પાદનને કેવી રીતે તેનું વેચાણ કરી શકાય આજ મુદ્દે હાલ અમેરિકા પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
હાલનાં સમયમાં ભારત અને ચીન વચ્ચે જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેને દુર કરવા માટે અમેરિકા હરહંમેશ એ વાત ઉપર મદાર રાખે છે કે, ભારત તેની સહાય લ્યે. તો બીજી તરફ અમેરિકા પણ બંને દેશો વચ્ચે સમાધાન કરવાની ભૂમિકામાં આવી રહ્યું હોવાનું પણ જણાવે છે. હાલની પરિસ્થિતિ અનુરૂપ જે રીતે અમેરિકા સમાધાન કરવાની રાહ ઉપર ચાલી રહ્યું છે તો બીજી તરફ તે ચાઈનાને ભરી પીવા માટે ભારતનો સાથ પણ આપતું હોય તેવું નજરે પડે છે. હાલ બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબાર ટાપુ ઉપર અમેરિકા ભારતની સાથે સંયુકત દરીયાઈ કવાયત શરૂ કરી છે જેમાં અમેરિકાનાં સૌથી મોટા દરિયાઈ જહાજ યુએસએસ નિમિક્ષ કે જેના ઉપર ૮૦ થી ૯૦ જેટલા ફાઈટર જેટ રહી શકે છે અને એક લાખથી વધુ ટનની ક્ષમતા ધરાવે છે તે યુદ્ધ જહાજને દરીયાઈમાં પાર્સીંગ એકસસાઈઝ માટે મુકવામાં આવ્યું છે. આ યુથ કવાયતમાં ભારત પણ અમેરિકાનો સાથ આપી રહ્યું છે જે રીતે અમેરિકા ભારતને સહાય કરે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, આ સહાય માટે ભારતે કઈ કિંમત ચુકવવી પડશે તેનું એકમાત્ર કારણ એ છે કે અમેરિકા દ્વારા જે કોઈ રાષ્ટ્રને કરવામાં આવેલી મદદ આવનારા સમયમાં તેને સૌથી ખરાબ રીતે અન્ય ઉપર નિર્ભર બનાવી દયે છે જે સ્થિતિ હાલ પાકિસ્તાનની જોવા મળી રહી છે. અમેરિકાએ પાકિસ્તાનને જરૂર કરતા પણ વધુ નાણા આપી પાક.ને તહેસ-નહેસ કરી નાખ્યું છે પરંતુ હાલની સ્થિતિ મુજબ ભારત કઈ સ્થિતિમાં આગળ વધે છે તે જોવું એટલું જ જરૂરી છે.