- વર્ષ 2025 માં દેશનો ફાર્મા નિકાસ 2.48 લાખ કરોડ એ પહોંચશે હાઇપરટેન્શન, ડિપ્રેશન તથા ડાયાબિટીસની દવાઓમાં માંગ વધી
નાણાકીય વર્ષ 2023-24માં દેશની ફાર્માસ્યુટિકલ નિકાસ વાર્ષિક ધોરણે 9.67 ટકા વધીને યુ.એસ ડોલર 27.9 બિલિયન થઈ ગઈ છે. અગાઉ, નાણાકીય વર્ષ 2022-23માં નિકાસ 25.4 અબજ ડોલર હતી. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર માર્ચ મહિનામાં ફાર્માસ્યુટિકલ નિકાસ 12.73 ટકા વધીને 2.8 અબજ ડોલર થઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં પ્રદેશ માટે ટોચના પાંચ નિકાસ બજારો યુએસ, યુકે, નેધરલેન્ડ, યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ હતા. ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 31 ટકાથી વધુ હતો.
એક ઉદ્યોગ નિષ્ણાતે જણાવ્યું હતું કે યુએસ જેવા દેશોમાં વધતી બજારની તકો અને માંગ નિકાસને માસિક ધોરણે વૃદ્ધિ નોંધાવવામાં મદદ કરી રહી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું ટર્નઓવર યુ.એસ ડોલર 130 બિલિયનને પાર કરી શકે છે. બજારની તકોના વિસ્તરણ અને વિદેશી બજારોમાં વધતી માંગના આધારે આ શક્ય બનશે. નાણાકીય વર્ષ 2022-23માં ટર્નઓવર યુ.એસ ડોલર 50 બિલિયન કરતાં વધુ હતું.
સરેરાશ, ભારત દર મહિને બે થી ત્રણ અબજ ડોલરના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસ કરે છે. દેશનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ 60 રોગનિવારક શ્રેણીઓમાં 60,000 થી વધુ જેનરિક દવાઓનું ઉત્પાદન કરીને વિશ્વમાં વોલ્યુમની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો અને મૂલ્યની દૃષ્ટિએ 13મો સૌથી મોટો ઉદ્યોગ છે. સરકારે મુખ્ય ફાર્માસ્યુટિકલ ઘટકો અને જેનેરિક દવાઓના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ નામની બે યોજનાઓ શરૂ કરી છે. યુએસ અને યુરોપમાં હાયપરટેન્શન, ડિપ્રેશન તથા ડાયાબિટીસની દવાઓમાં સતત માંગ વધી રહી છે.