યુ.એસ.માં હાર્વે અને ઈરમાએ ખેદાન મેદાન કર્યા બાદ સૌરાષ્ટ્રના કવોલિટીમાં રીચ એવા કપાસની ભારે વૈશ્ર્વિક માગ
કપાસ એ સૌરાષ્ટ્રમાં કેશ ક્રોપ એટલે કે રોકડીયા પાક તરીકે નંબર વન છે. આ વર્ષે વરસાદ સારો થયો છે. એટલે સ્વાભાવિક રીતે જ ઉત્પાદન સારૂ થાય. સૌરાષ્ટ્રના કપાસની કવોલિટી રીચ છે. હમણા અમેરિકામાં વાવાઝોડા ‘ઈરમા’ એ બધુ ખેદાન મેદાન કરી નાખ્યું એટલે સૌરાષ્ટ્રના કપાસની માગ વધી છે. ટૂંકમાં ‘ઈરમા’એ સૌરાષ્ટ્રના કોટન નિકાસકારોને ફાયદો કરાવ્યો છે.
ગયા અઠવાડીયે અહીથી ચીન, તાઈવાન, વિયેતનામ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઈન્ડોનેશશિયામાં કપાસની દોમ દોમ નિકાસ થઈ છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ભારત વિશ્ર્વનું બીજા નંબરનું સૌથી મોટું કપાસનું નિકાસકાર છે.
આ મામલે પ્રથમ ક્રમ અમેરિકા ધરાવે છે. પરંતુ ઈરમા એ અમેરિકાને ધમરોળ્યા બાદ ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કપાસના નિકાસકારને વ્યાપારિક ફાયદો પહોચી રહ્યો છે. અમેરિકાનું ટેકસાસ રાજય એકલું ૫ થી ૬ લાખ ગાંસડી કપાસ નિકાસ કરે છે.
જયારે ગયા અઠવાડીયે એકલા સૌરાષ્ટ્રમાંથી ૩ લાખ ગાંસડી કપાસની નિકાસ ઉપરોકત દેશોમાં થઈ. અમેરિકા તેનું ૮૬% કોટન નિકાસ કરે છે. જેમાં ૬૯ ટકા એશિયામાં ખપે છે.
જયદીપ કોટનના ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતુ કે અમેરિકામાં હાર્વે અને ઈરમાએ ખેદામમેદાન કર્યા પછી ચાલુ વર્ષે ભારતીય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી કપાસની ખૂબજ નિકાસ થશે તે નકકી છે.