અમેરિકાની ડિગ્રી ધરાવનાર ૨૦ હજાર લોકોને H-1B કવોટા અંતર્ગત વિઝા મેળવવામાં પ્રાધાન્યતા અપાશે
અમેરિકામાં અભ્યાસ તેમજ કારકિર્દી ઈચ્છતા લોકોની મુશ્કેલીઓમાં એચ-૧બી વિઝાની જોગવાઈથી વધારો થયો છે. આ પૂર્વે અમેરિકી વિઝા માટે વર્તમાન સરકારે વિઝા પોલીસી અંતર્ગત સ્કીલ બેઈઝ સિલેકશનની પોલીસી બનાવી હતી ત્યારે હવે અમેરિકામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને તેની કારકિર્દી માટે અમેરિકામાં વિઝા મેળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
અમેરિકામાં પ્રવેશવા માટે સૌપ્રથમવાર વિઝા મેળવનારે અમેરિકાની ડિગ્રી બતાવવી પડશે જોકે આ જોગવાઈ કરવાથી અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો માટે વધુ મુશ્કેલીઓ પડશે. દર વર્ષે અમેરિકામાં ૬૫ હજાર એચ-૧બી વિઝા આપવામાં આવે છે. જેમાંથી ૨૦ હજાર લોકો એવા છે જે યુ.એસ.માંથી જ ડિગ્રી હાંસલ કરી ચુકયા હોય. આ સિસ્ટમને લોટરી માસ્ટર કેપ નામ આપવામાં આવ્યું છે તે ૩૦ જાન્યુઆરીએ જાહેર કરાયેલી વિઝા પાેલીસી કરતા તદન વિપરીત છે. આ પોલીસી દ્વારા અમેરિકા પોતાના જ દેશમાં અભ્યાસ કરી ચુકેલ લોકોને પ્રાધાન્યતા આપશે.
અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓને પણ આ નવી સિલેકશન મેથડ અંગે ગાઈડલાઈન આપી દેવામાં આવી છે. અભ્યાસ દરમિયાન ઉમેદવારની કાર્યક્ષમતા, અનુભવ, સ્વભાવના માપદંડો અનુસાર તેમના ડિગ્રી સર્ટીફીકેટ તૈયાર કરવામાં આવશે. આ ડિગ્રી સર્ટીફીકેટધારકોને અમેરિકન વિઝા મેળવવામાં સરળતા રહેશે. જેવી રીતે ભારતમાં અનામત કોટા રાખવામાં આવ્યા છે તેવી જ રીતે વિઝા પોલીસી માટે ડિગ્રી ધરાવનાર ૨૦ હજાર લોકોને વિઝા માટે પ્રાધાન્યતા આપવામાં આવશે.