31મીએ મુવેબલ હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે લોકાર્પણ, તૈયારીઓનો ધમધમાટ
અબતક, રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી 31મીએ રાજકોટની મુલાકાતે પધારવાના છે. તેઓના હસ્તે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં તૈયાર થયેલી અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે. જે સંદર્ભે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુ દ્વારા આ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેરમાં ચૌધરી હાઇસ્કૂલના મેદાનથી લઇને છેક રોડ સુધી એમ્બ્યુલન્સની લાઇન લાગી હતી. જેને ધ્યાને લઈને એક નવીન ટેક્નોલોજીસાથે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં જરૂર પડ્યે એકસાથે 100 બેડની વ્યવસ્થા કરી શકાય તેવી ઇન્ડો અમેરિકન ટેક્નોલોજીની મુવેબલ હોસ્પિટલ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ છે. આ હોસ્પિટલને અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન નામ આપવામાં આવી રહ્યું છે.
કોરોનાની બીજી ઘાતક લહેરમાં ઓક્સિજન બેડ, સામાન્ય બેડ સહિતના ટાંચા સાધનોને લઇને જે સ્થિતિ થઇ હતી તેમાથી બોધપાઠ લઇને તમામ સ્તરે તૈયારીઓ સ્ટેન્ડ ટુ રાખવામા આવી છે. ઇન્ડો અમેરિક ટેકનોલોજીથી આ પ્રકારની એર ડોમ ટાઇપ મુવેબલ હોસ્પિટલની વ્યવસ્થા સમગ્ર ભારતમાં પ્રથમ રાજકોટમાં થઇ છે. આ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. આ હોસ્પિટલનું આગામી 31મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આ હોસ્પિટલની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું હતું.