- અનેક મુદ્દે લાંબા સમયથી ચાલતા અવરોધોને દૂર કરવામાં એકબીજાને સહકાર આપવા માટે પરિવર્તનશીલ પહેલ
- અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અજિત ડોભાલ સાથે મિટિંગ યોજી’
ભારત અને યુએસ સેમિક્ધડક્ટર્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ , ક્રિટિકલ મિનરલ્સ, એડવાન્સ્ડ ટેલિકોમ્યુનિકેશન્સ અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન વચ્ચેની વાટાઘાટો દરમિયાન લાંબા સમયથી ચાલતા અવરોધોને દૂર કરવાનું વચન આપતા બંને દેશોએ સહકારને વેગ આપવા માટે પરિવર્તનશીલ પહેલની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન વચ્ચે વિગતવાર વાતચીત બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. બંનેએ 31 એમકયું -9બી પ્રિડેટર ડ્રોન ખરીદવાની ભારતની યોજના, સેના માટે લડાયક વાહનોનું સંયુક્ત ઉત્પાદન અને ફાઈટર એરક્રાફ્ટ એન્જિનના ઉત્પાદન માટે જીઇ એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વચ્ચે ચાલી રહેલી વાતચીતની પણ સમીક્ષા કરી. સુલિવાન ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં બિડેન પ્રશાસનના વરિષ્ઠ અધિકારીની આ પ્રથમ મુલાકાત છે.
ડોભાલ અને સુલિવાન વચ્ચેની મંત્રણા ભારત-યુએસ ઈનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીના માળખા હેઠળ થઈ હતી. ભવિષ્યમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને પક્ષોના હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા લોકતાંત્રિક મૂલ્યો અને પરસ્પર માન્યતા સાથે સમન્વયિત રીતે ટેક્નોલોજીની રચના, વિકાસ અને ઉપયોગ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જો કે, બે એનએસએ વચ્ચેની વાતચીતમાં ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પનુની હત્યાના પ્રયાસનો મુદ્દો આવ્યો કે કેમ તે તરત જ જાણી શકાયું નથી. ભારતે પનુને આતંકવાદી જાહેર કર્યો છે.
વાટાઘાટો પરની હકીકત પત્રકમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં, ડોભાલ અને સુલિવાને ભારત અને યુએસ વચ્ચે વ્યૂહાત્મક તકનીકી ભાગીદારીના આગામી અધ્યાય માટે વિઝન નક્કી કર્યું. મંત્રણામાં જે અન્ય મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા તેમાં ગ્લોબલ ચેલેન્જ ઇન્સ્ટિટ્યૂટ માટે 90 મિલિયન ડોલર (રૂ. 751.67 કરોડ) ફંડિંગ, 6જી ટેક્નોલોજીમાં સહકારને મજબૂત કરવાની પહેલ સામેલ છે.
ઇસરો અને નાસા વચ્ચે સહકારને ગાઢ બનાવવા માટે કરાર
બંને પક્ષો નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) અને ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) વચ્ચે સહકારને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા હતા. બંને દેશો નાસાના જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં ઇસરો અવકાશયાત્રીઓને અદ્યતન તાલીમ આપવા માટે પણ કામ કરી રહ્યા છે. બંને પક્ષોએ 21મી સદી માટે સ્વચ્છ ઉર્જા અને ક્રિટિકલ મિનરલ્સ પાર્ટનરશિપ બનાવવાનો પણ સંકલ્પ કર્યો હતો.
યુએસના એનએસએ જેક સુલીવાને વડાપ્રધાન મોદી સાથે પણ કરી મુલાકાત
પીએમ મોદીએ ખુદ અમેરિકન એનએસએ જેક સુલિવાન સાથેની તેમની મુલાકાતની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે લખ્યું, અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને મળ્યા. આપણો દેશ વૈશ્વિક ભલા માટે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. સુલિવને પીએમ મોદીને આઇસીઇટી હેઠળ દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો, ખાસ કરીને સેમિક્ધડક્ટર્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, ડિફેન્સ, ક્રિટિકલ મિનરલ્સ અને સ્પેસ વગેરેની પ્રગતિ વિશે જાણકારી આપી હતી, એમ વડા પ્રધાન કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું.