પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અમેરિકા તરફથી મળતી આર્થિક મદદ રોક્યા બાદ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જે નાણાંની મદદ કરવાનું હતું તેનો ઉપયોગ મેક્સિકોની દિવાલ બનાવા માટે કરશે.
જી હા અમેરિકા આ રકમનો ઉપયોગ મેક્સિકો સરહદ પર બનાવવામાં આવી રહેલી દિવાલના બાંધકામમાં વાપરશે. અમેરિકાના કાર્યકારી રક્ષા મંત્રી પેટ્રિક શાનાહને જણાવ્યું કે, તેમનો દેશ અમેરિકા-મેક્સિકો સીમા પર દિવાલના બાંધકામમાં દોઢ અબજ ડોલર ખર્ચ કરી રહ્યું છે. પેટ્રિકે જણાવ્યું કે, આ રકમ પહેલા અફઘાનિસ્તાન સુરક્ષાદળો તથા પાકિસ્તાની સેનાને મોકલવાની હતી.
શાનાહે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, અમે દોઢ અબજ ડોલરની રકમ ૧૨૦ માઈલ લાંબી સીમા પર દિવાલના નિર્માણમાં લગાવવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, આ રકમ કેટલાએ સ્ત્રોતો ભેગા કરી બનાવી છે. આમાં ગત વર્ષની બચેલી રકમ, પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદ પર રોક તથા કેટલાક અનુબંધોમાં ઘટાડો કરવામાં આવેલી રકમ સામેલ છે. આમાંથી ૬૦ કરોડ ડોલરથી વધારે રકમ અફઘાન સુરક્ષાદળોના ખાતામાંથી આવી છે.
એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં રહેતા લગભગ ૬૦ લાખ મેક્સિકોવાસી એવા છે જેમની પાસે કાગળિયા જ નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે દાવો કર્યો કે, છેલ્લા ૪૫ વર્ષમાં આ પહેલી એવી તક છે જ્યારે, આ સરહદથી ઘૂસણખોરીમાં ઘટાડો થયો છે.
ટ્રંપ પ્રશાસને આ દિવાલના ખર્ચનો અંદાજ ૧૨ અબજ ડોલર છે, જ્યારે હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અનુસાર, તેના પર ૨૧ અબજથી વધારે ખર્ચ આવશે. તો એક રિપોર્ટ અનુસાર, આના પર લગભગ ૭૦ અબજ ડોલર ખર્ચ આવવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે અમેરિકા-મેક્સિકો સરહજે દિવાલ બનાવાના ખર્ચ માટે ટ્રમ્પને તેના જ વિપક્ષે ઘણા સુધી ઘેર્યા હતા અને ઘણા દિવસો બાદ આ દિવાલ બનાવાની મંજૂરી મળી હતી.