ટેકનોલોજી ક્ષેત્રમાં ચીનના પગપેસારાથી ટ્રમ્પ ચિંતિત: ચાઈનીઝ કંપનીઓ ઉપર નિયંત્રણો લદાશે તો ટ્રેડવોર ઘેરો બનશે તેવી ભીતિ
અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોર વધુ ઘેરી બને તેવી શકયતા છે. અમેરિકામાં ચીન તરફથી ટેકનોલોજીમાં બહોળા પ્રમાણમાં મૂડી રોકાણ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ આ મુડી રોકાણ ઉપર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરશે તેવું જાણવા મળે છે.
અમેરિકન ટેકનોલોજી ક્ષેત્રે બહોળા પ્રમાણમાં મુડી રોકાણ કરી ચીન અમેરિકાને પાંગળુ બનાવવા માંગે છે. ઈતિહાસમાં અનેક કિસ્સા એવા છે જયાં ચીને મોટાપાયે કરેલા રોકાણથી જે-તે ક્ષેત્રને નુકસાન થયું છે. અમેરીકામાં ચીનના રોકાણને અટકાવવામાં આવશે.
તાજેતરમાં જ અમેરિકાએ ચીનના સામાન ઉપર ૫૦ બિલીયન ડોલરનું ટેરીફ મુકયું હતું. ચીનના સામાન ઉપર ટેરીફ મુકાતા વિશ્ર્વ ટ્રેડવોરમાં ધકેલાશે તેવી દહેશત અનેક વખત વ્યકત કરવામાં આવી હતી.
અમેરિકાએ મુકેલા ટેરીફનો બદલો ચીને લીધો હતો. ચીન દ્વારા પણ અમેરિકાના સામાન ઉપર ટેરીફ લાદવાનો તખ્તો ઘડાયો હતો.
બીજી તરફ હવે ટ્રમ્પે અમેરિકામાં ટેકનોલોજીમાં મૂડી રોકાણ કરનારી ચાઈનીઝ કંપનીઓને રોકવાનો નિર્ણય લેતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. વિશ્ર્વમાં ટોચની ૧૦ ટેકનોલોજીમાં માંધાતા બનવાનું લક્ષ્ય ચીન સેવી રહ્યું છે. જેના અનુસંધાને ચીને ‘મેડ ઈન ચીન ૨૦૨૫’ પ્લાન ઘડી કાઢયો છે.