નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીની માહિતી અમેરિકાએ જ કેનેડાને આપ્યાનો ધડાકો
નેશનલ ન્યૂઝ
વિશ્વ આખામાં જગત જમાદાર તરીકેની ઓળખ ધરાવતું અમેરિકા પોતાનું જમાદારીપણું જાળવી રાખવા ’બે મોઢા’ જેવું વલણ અપનાવી રહ્યું છે. એકતરફ આતંકવાદને નેસ્ત નાબૂદ કરવાની વાતો કરતું અમેરિકા બીજી બાજુ કેનેડાને ખાલિસ્તાનીઓને સમર્થન આપવા પાછલાં દરવાજે હવા આપતું હોય તેવા અહેવાલ સામે આવ્યા છે.
ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર અમેરિકાની ગુપ્તચર એજન્સીએ જ કેનેડાને ગુપ્ત માહિતી દ્વારા ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાની ગુપ્ત માહિતી આપી હતી. આ બાબતમાં કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ લાબું વિચાર્યા વિના કોઈ જ પુરાવા વિના ભારત વિરુદ્ધ આક્ષેપો કરી દેતા હાલ કેનેડાનો પગ ’કુંડાળા’માં આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
એકતરફ અમેરિકા આતંકવાદના ખાત્માની વાતો કરે છે પણ અમેરિકા આતંકવાદીઓ ઉપર ત્યારે જ તવાઈ બોલાવે છે જયારે તેઓ પોતે જ ભીંસમાં મુકાયા હોય. તેનો દાખલો એ છે કે, જયારે લાદેને વ્હાઇટ હાઉસ પર હુમલાનું કાવતરું ઘડ્યું તો અમેરિકાએ પાકિસ્તાનના અબોટાબાદમાં ઘૂસીને લાદેનનો ખાત્મો કર્યો હતો. અમેરિકા પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કોઈ પણ હદે જવા તૈયાર હોય તેવા અનેક દાખલાઓ છે.
હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. અમેરિકાના એક મોટા અખબાર ધ ન્યુયોર્ક ટાઈમ્સે દાવો કર્યો છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીએ જ કેનેડાને ગુપ્ત માહિતી દ્વારા ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાની ગુપ્ત માહિતી આપી હતી. જોકે આ દાવાની સાથે જ અમેરિકાની ડબલ ગેમ ઉઘાડી પડી ગઈ છે. અમેરિકા આ વિવાદની શરૂઆતથી ભારતની પડખે હોવાનો દાવો કરતો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નિજ્જરની હત્યા વાનકુવરમાં કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ ભારત પર લાગ્યો છે. કેનેડાના પીએમ ટ્રુડોએ આરોપ મૂક્યો હતો કે ભારતની ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ નિજ્જરની હત્યા કરી હતી. આ મામલે ટ્રુડોએ ભારતને તપાસમાં સહયોગ કરવા કહ્યું હતું અને તેના બાદથી જ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વકર્યો હતો.
ખાલિસ્તાની આતંકીઓના ભારત પ્રવેશ પર પ્રતિબંધ: OCI કાર્ડ રદ કરાશે
ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યા મુદ્દે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ થયા છે. તેવા સમયે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટનમાં રહેતા ખાલિસ્તાની આતંકીઓની ઓળખ કરીને તેમના ઓસીઆઈ કાર્ડ રદ કરવા અને ભારતમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા, તેમની સંપત્તિઓ જપ્ત કરવા સંબંધિત ઓથોરિટીને નિર્દેશ આપી દીધા છે. ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ સરકારનું આ સૌથી મોટું પગલું મનાય છે. કેનેડા સાથે વિવાદ વચ્ચે ભારતે ત્યાં વિઝા સેવા બંધ કરી દીધી છે ત્યારે ભારતીય મૂળના ઓસીઆઈ કાર્ડધારકો તેનો ઉપયોગ કરીને ભારત આવી શકે છે. પરિણામે તેમનો ભારત પ્રવેશ રોકવા માટે સરકારે ખાલિસ્તાની આતંકીઓના ઓસીઆઈ કાર્ડ રદ કરવા આદેશ આપ્યા છે. ઓવરસીઝ સીટિઝનશિપ ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) ભારતીય મૂળના લોકો અને તેમના જીવનસાથીને અપાતું કાર્ડ છે, જે તેમને ભારત પ્રવેશ અને દેશમાં અનિશ્ચિતકાળ સુધી રોકાવાની સુવિધા પૂરી પાડે છે.
ભારતનો વિકાસ જોઈ અમેરિકાને ચૂંક ઉપડી કેનેડાનો પગ ’કુંડાળા’માં મુકાવી દીધો!!
આમિર ખાનની ફિલ્મ થ્રી ઇડિયટમાં એક ડાયલોગ છે કે, ’સાથ મે બૈઠને વાલા અગર ફેઈલ હો જાયે તો દુ:ખ હોતા હૈ લેકિન અગર વો ફર્સ્ટ આ જાયે તો જ્યાદા દુ:ખ હોતા હૈ’. આ ડાયલોગ વાસ્તવિકતાથી ખુબ જ નજીક છે. હાલ અમેરિકામાં પણ આ સ્થિતિમાં છે. જ્યાં સુધી ભારતની સ્થિતિ નબળી હતી ત્યાં સુધી અમેરિકા ભારતની પડખે રહેતું હતું પણ આજે જયારે ભારત વિશ્વ ગુરુ બનવા તરફ ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના વિકાસને જોઈને અમેરિકાના પેટમાં ચૂક ઉપડી છે. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર અમેરિકાની ગુપ્તચર એજન્સીએ જ કેનેડાને ગુપ્ત માહિતી દ્વારા ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાની ગુપ્ત માહિતી આપી હતી. આ બાબતમાં કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ લાબું વિચાર્યા વિના કોઈ જ પુરાવા વિના ભારત વિરુદ્ધ આક્ષેપો કરી દેતા હાલ કેનેડાનો પગ ’કુંડાળા’માં આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ડોલરનું વર્ચસ્વ જાળવી રાખવા અમેરિકાના હવાતિયા
જગત જમાદારને જમાદારીપણું સાચવી રાખવા માટે યુએસની કરન્સી ડોલરને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે જાળવી રાખવું પડે તેમ છે. હાલ વિશ્વના અનેક દેશો રૂપિયા સહીતના ચલણમાં વ્યવહાર કરવા લાગતા અમેરિકા ડોલરને વર્ચસ્વ જાળવી રાખવા હવાતિયાં મારી રહ્યું છે. ડોલર જો આંતરરાષ્ટ્રીય ચલણ તરીકેનો દરજ્જો ગુમાવે તો અમેરિકાએ જગત જમાદારીપણું ગુમાવવાનો વારો આવે તે સ્પષ્ટ છે ત્યારે આ તમામ પગલાંઓ ડોલરને વર્ચસ્વ તરીકે જાળવી રાખવા લેવાઈ રહ્યા છે.
ન હોય… ફકત પાંચ વર્ષમાં 1.6 લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા અપનાવી!!
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી 2018થી જૂન 2023 સુધીના સાડા પાંચ વર્ષના સમયગાળામાં 1 લાખ 60 હજાર ભારતીયોએ કેનેડાની નાગરિકતા અપનાવી છે. અન્ય દેશની નાગરિકતા અપનાવતા કુલ લોકોમાં 20% લોકોએ કેનેડાની નાગરિકતા અપનાવી છે. આ યાદીમાં યુએસ ટોચના સ્થાને છે અને ત્યારબાદ બીજા ક્રમે કેનેડા છે. આ સમયગાળા દરમિયાન કુલ 8.4 લાખ લોકોએ વિવિધ 114 દેશોની નાગરિકતા અપનાવી છે જેમાં ફકત અમેરિકા અને કેનેડાની નાગરિકતા અપનાવનાર લોકોની સંખ્યા 58% છે.