ઘણા સમયથી વૈશ્વિક કક્ષાએ તણાવો વધ્યા છે. રશિયા અને યુક્રેન ફેબ્રુઆરી, 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે અમેરિકા અને ચીન વચ્ચે પણ ખટપટ વર્ષોથી ચાલી રહી છે. તેમાં અમેરિકાએ ચીનને ઉશ્કેરવા મોટુ પગલું લીધુ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રે તાઈવાનને 30 કરોડ ડોલરના નવા શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી છે. આ સાથે તે તાઈવાનને સેંકડો સશસ્ત્ર ડ્રોન, મિસાઈલ સંબંધિત શસ્ત્રો વેચશે. અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન પરથી આ અંગે જાણવા મળ્યું છે. અમેરિકા તાઈવાનને એવા સમયે હથિયાર વેચી રહ્યું છે, જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચરમ સીમાએ પહોંચ્યો છે. ચીન તાઈવાનને પોતાનો હિસ્સો ગણે છે, અને તેનુ કહેવુ છે કે, તાઈવાન પર નિયંત્રણ માટે જો બળ પ્રયોગ કરવો પડે તો તે કરશે. એવામાં તાઈવાનને હથિયારોથી સજ્જ બનાવવાનો અમેરિકાનો નિર્ણય તણાવ વધારી શકે છે. અમેરિકન વિદેશ મંત્રાલયે જે હથિયારોના વેચાણને મંજૂરી આપી છે, તેમાં 291 અલ્ટિયસ-600 એમ પ્રણાલી સામેલ છે. આ હથિયારોમાં 720 સ્વિચબ્લેડ ડ્રોન પણ સામેલ છે.
રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હમાસ, અને ચીન-તાઈવાન બાદ વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય તો ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ વધી શકે છે. કોવિડ મહામારી બાદ અમેરિકા ઉપરાંત અન્ય ઘણા દેશોએ ચીન વિરૂદ્ધ નીતિઓ જાહેર કરી હતી. અમેરિકા અને ચીન વચ્ચે અવારનવાર ચડસાચડસી થતી રહેતી હોય છે.
આ મંજુરી અંગે માહિતી આપતા અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સાથે તાઈવાન પોતાની સેનાને મજબૂત કરશે. તેનાથી તેની સુરક્ષા મજબૂત થશે અને તે અમેરિકન હિતોને પણ સેવા આપી શકશે. પરિણામે તાઈવાનની સુરક્ષામાં સુધારો કરવામાં અને ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા, સૈન્ય સંતુલન અને આર્થિક પ્રગતિ જાળવવામાં મદદ મળશે. નોંધનીય છે કે તાજેતરમાં અમેરિકાએ ચીનથી આવતા ઘણા ઉત્પાદનોની આયાત ડ્યુટી વધારી દીધી હતી. અમેરિકાએ ચીન વિરૂદ્ધ ટ્રેડ સ્ટ્રાઈક પણ કરી છે. જેના પર ચીને જવાબી કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત વસુધૈવ કુટુંબકમમાં માનીને વિશ્વને શાંતિનો સંદેશો આપી રહ્યું છે. પણ અત્યારે વેપારમાં ગળાકાપ હરિફાઇ અને વિસ્તારવાદની નીતિને કારણે અનેક પાડોશી દેશો એકબીજાના કટ્ટર બની રહ્યા છે. તેવામાં હવે આગામી દિવસોમાં વિશ્વની સ્થિતિ કઈ જશે તે કહેવું મુશ્કેલ છે.