અમેરિકાના લડાકૂ વિમાને ચીની સ્પાય બલૂનને તોડી પાડ્યું છે. આ બલૂનને અમેરિકાના તટથી દૂર સમુદ્રમાં તોડી પાડવામાં આવ્યું હતું. આ બલૂનનો કાટમાળ દરિયામાં સાત માઈલના વિસ્તારમાં ફેલાયો હતો. જેને એકત્ર કરવા માટે અમેરિકાની નૌસેનાના કેટલાંક યુદ્ધ જહાજ પહેલેથી જ એ વિસ્તારમાં હાજર હતા. તો આ કાર્યવાહી બાદ ચીન ઉશ્કેરાયું છે.

છેલ્લા થોડા દિવસોથી અમેરિકી દેશોમાં ફરી રહ્યું હતું જાસૂસી બલૂન

અમેરિકાએ ચીની જાસૂસી બલૂનને દક્ષિણ કેરોલિનાના તટ પર તોડી પાડ્યું છે. આ સ્પાય બલૂન અમેરિકા પર ઉડાન ભરી રહ્યું હતું. જ્યારે આ બલૂન સમુદ્ર તરફ આગળ વધ્યું ત્યારે અમેરિકાના લડાકૂ વિમાને તેને તોડી પાડ્યું હતું. આ શંકાસ્પદ બલૂને એક સપ્તાહ પહેલાં જ અમેરિકાની હવાઈ સીમામાં પ્રવેશ કર્યો હતો. અમેરિકાએ તેને જાસૂસી બલૂન ગણાવ્યું હતું. તો ચીને તેને સામાન્ય હવામાન સંબંધી જાણકારી મેળવવા માટેનું ગણાવીને માહોલ સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટનાથી અમેરિકા અને ચીનના સંબંધ જરૂર ખરાબ થઈ ગયા છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, તેઓએ બલૂનને તોડી પાડવા માટે બુધવારે જ આદેશ જારી કર્યો હતો. પરંતુ ત્યારે અમેરિકા રક્ષા મંત્રાલય પેંટાગોને રાહ જોવાની ભલામણ કરી હતી કે જ્યાં સુધી આ બલૂન સમુદ્ર પર ન જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. તેનો મુખ્ય હેતુ શૂટ ડાઉનથી જે કાટમાળ પડે એનાથી લોકોને બચાવવાનો હતો. બાઈડને કહ્યું કે, તેઓએ સફળતાપૂર્વક તેને નીચે પાડ્યું છે અને હું આપણાં એવિએટર્સને શુભેચ્છા આપવા માગુ છું, જેઓએ આ કામ કર્યું.

એક વરિષ્ઠ અમેરિકા સૈનાના અધિકારીએ કહ્યું કે, ચીની બલૂનને તોડી પાડવાના મિશનમાં અમેરિકા વાયુ સેનાના કેટલાંક લડાકૂ વિમાન અને ઈંધણ ભરનારા વિમાન સામેલ હતા. પરંતુ તેને વર્જિનિયાના લૈંગલી એર ફોર્સ બેઝ પરથી ઉડાન ભરનારા એક એફ-22 રેપ્ટર લડાકૂ વિમાને બપોરે તોડી પાડ્યું હતું. એના માટે એઆઈએમ 9એક્સ સુપરસોનિક હિટ સીકિંગ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.