- સતત ચોથી બેઠકમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહિ, વ્યાજ દર 5.25%થી 5.50% વચ્ચે સ્થિર
યુએસ સેન્ટ્રલ બેંક યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે મોડી રાત્રે ચાવીરૂપ વ્યાજ દરો અંગેના નિર્ણયની જાહેરાત કરી છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બે દિવસીય બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. યુએસ ફેડએ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેડએ મુખ્ય વ્યાજ દર 5.25 ટકાથી 5.50 ટકા પર સ્થિર રાખ્યા છે. આમ, સતત ચોથી બેઠકમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જો કે નિષ્ણાંતો આ નિર્ણયને ભારત માટે સારો કહી રહ્યા છે. આ નિર્ણય બજારની અપેક્ષાઓ અનુસાર છે. યુએસમાં મુખ્ય વ્યાજ દરો હાલમાં 23 વર્ષની ઊંચી સપાટીએ છે.
યુએસ ફેડએ કહ્યું કે જ્યાં સુધી ફુગાવો સતત બે ટકા તરફ આગળ વધી રહ્યો છે તેવો વિશ્વાસ ન આવે ત્યાં સુધી તે વ્યાજદરમાં ઘટાડો કરવાની અપેક્ષા રાખતું નથી. ઈન્ટરેસ્ટ-સેટિંગ પેનલે એમ પણ જણાવ્યું હતું કે રોજગારી અને ફુગાવાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટેના જોખમો વધુ સારી રીતે સંતુલિત છે. આ રીતે, લગભગ બે વર્ષનો સમયગાળો પૂરો થઈ રહ્યો છે જેમાં વ્યાજદરમાં વધારો અને મોંઘવારી વધવાથી ઉદ્ભવતા જોખમો તરફ વલણ હતું. ફેડએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાછલા વર્ષમાં ફુગાવો ઘટ્યો છે પરંતુ તે ઊંચો છે. ફેડ કહે છે કે અધિકારીઓ ફુગાવાના જોખમો વિશે અતિ-જાગ્રત રહે છે
બુધવારે અમેરિકન શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ 0.82 ટકા અથવા 317 પોઈન્ટ ઘટીને 38,150 પર બંધ થયો. તે જ સમયે, એસ. એન્ડ પી. 500 1.61 ટકા અથવા 79 પોઇન્ટના ઘટાડા સાથે 4,845 પર બંધ થયો. તે જ સમયે, નાસ્ડેક 2.23 ટકા અથવા 345 પોઈન્ટ ઘટીને 15,164 પર બંધ થયો હતો.
સોનામાં તેજી હી તેજી
ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી ઔંસદીઠ 2048.12 ડોલરની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, એકંદરે વૈશ્ર્વિક બજારનાં મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 75નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 74 ઘટી આવ્યા હતા. લંડન ખાતે ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ હોવાથી સ્થાનિકમાં .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 74 ઘટીને રૂ. 71,668ના મથાળે રહ્યા હતા. બીજી તરફ અમદાવાદમાં સોનાના ભાવ 65 હજારને પાર પહોંચ્યા હતા.