ડબલ્યુટીઓની ચીનને અમેરિકાના માલ સામાન ઉપર રૂ. ૨૫ હજાર કરોડની ડ્યુટી નાખવાની છુટ!!!

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વિશ્વભરમાં વૈશ્વિક દેશોને સાંકળી વ્યાપાર વિકસાવવામાં મદદરૂપ અને કડીરૂપ કામગીરી કરતું હોય છે ત્યારે ડબલ્યુટીઓનાં ઈન્ટરનેશનલ કોર્ટમાં અમેરિકા સામે ભારતની હાર થઈ હતી જેનું કારણ નિકાસ સબસીડી હોવાનું સામે આવ્યું હતું પરંતુ બીજી તરફ જગત જમાદાર અમેરિકા જે રીતે વિશ્વનાં અન્ય દેશો ઉપર સકંજો કસવા માટે કમરકસી રહ્યું છે ત્યારે ચાઈનાની ડબલ્યુટીઓમાં જીત થઈ છે અને ચાઈના અમેરિકા ઉપર આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાની ડયુટી લાદશે જેની છુટ તેને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન મારફતે મળી છે. અમેરિકા દ્વારા ચીનની જે એન્ટી ડમ્પીંગ ચીજ વસ્તુઓ માટેનાં જે ડબલ્યુટીઓનાં નીતિ-નિયમો છે તેનો ઉલાળીયો કર્યો હતો જેના કારણોસર ચાઈનાએ આ અંગેની ફરિયાદ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં કરતા ચાઈનાને છુટ આપવામાં આવી છે કે તે અમેરિકી ચીજ-વસ્તુઓ અને અમેરિકી માલ-સામાન ઉપર વધારાની ડયુટી લાદે આ પગલાથી અમેરિકાનાં વ્યાપારને માઠી અસર પહોંચશે તેવું પણ સામે આવી રહ્યું છે.

અમેરિકા દ્વારા જે ચાઈનાની ૨૫ જેટલી પ્રોડકટો ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી લગાવવામાં જયારે અસમર્થ નિવડયું હતું તે ચીજ-વસ્તુઓ વિશે માહિતી લેવામાં આવે તો તેમાં ડાયમંડની શોબ્લડ, ફર્નિચર, સોલાર પેનલ, ઓટોમેટીવ ટાયર, સ્ટીલ પ્રોડકટ સહિત અન્ય ચીજ-વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.હાલ વૈશ્ર્વિક સ્તર પર જે રીતનું વાતાવરણ સર્જાયું છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યાપાર કરવા માટે નવા નીતિ-નિયમોને લાગુ કરવામાં આવશે જેનો અમલ તમામ વૈશ્ર્વિક દેશો કે જે ડબલ્યુટીઓ સાથે જોડાયા છે તેઓએ કરવાનો રહેશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વૈશ્ર્વિક દેશો વચ્ચે કડીરૂપ તથા મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે અને સુચારું વ્યાપાર થાય તે દિશામાં કાર્ય પણ કરે છે. હાલ અમેરિકા અને ચાઈના વચ્ચે જે ટ્રેડવોર ચાલી રહ્યો છે તેની સરખામણીમાં ચાઈનાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન તરફથી જે જીત મળી છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે અમેરિકાની કુટનીતિથી ચાઈનાને વધુ ફરક નહીં પડે.

અમેરિકા અને ચાઈના દ્વારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં અનેકવિધ પ્રકારની ફરિયાદો ખુબ વધુ સંખ્યામાં કરવામાં આવી છે તેનું નિરાકરણ આવનારા વર્ષોમાં થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અમેરિકા અને ચાઈના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને અનેકગણો ફાયદો થશે કારણકે ભારત સૌથી મોટુ માર્કેટ માનવામાં આવી રહ્યું છે. જે રીતે ભારતની હાર ડબલ્યુટીઓમાં નિકાસ સબસીડીને લઈ થઈ છે તે જોતા સરકાર પણ આંતરીક સબસીડી આપવા માટે પ્રયત્નશીલ છે અને તે દિશામાં પગલા પણ લઈ રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્ધારીત થયેલા જે નીતિ-નિયમો છે તેનું પાલન વૈશ્ર્વિક દેશો કેવી રીતે કરશે જેથી વૈશ્ર્વિક સ્તર પર વ્યાપાર વધુને વધુ મજબુતાઈથી થઈ શકે. જે રીતે ચાઈના અમેરિકી ચીજ-વસ્તુઓ પર આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાની ડયુટી લાદશે તેનાથી અમેરિકાનાં વ્યાપારને પણ ઘણી ખરી અસર પહોંચશે ત્યારે જોવાનું એ રહ્યું કે, અમેરિકા ઉપર જે સંકટનાં વાદળો છવાયા છે અને ઘેરાઈ રહ્યા છે તેનાથી તેઓ કેવી રીતે બહાર નિકળી શકશે અને ચાઈનાની ચીજ-વસ્તુ કે જે અમેરિકામાં વેચાણ થાય છે તેના પરની ડયુટી કેવી રીતે ઓછી થઈ શકે છે તે દિશામાં અમેરિકી સરકારે વિચાર કરવો અનિવાર્ય બન્યો છે.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વૈશ્ર્વિક દેશો વચ્ચે વ્યાપારિક શાંતિ જળવાઇ રહે તે દિશામાં હરહંમેશ કાર્યરત રહેતુ હોય છે ત્યારે ઉતરોતર જે ઘટના ઘટી તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે વૈશ્ર્વિક સ્તર પરનો જે તણાવ છે તે અત્યંત વધી રહ્યો છે ત્યારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારતની અમેરિકા સામે હાર જ્યારે બીજીતરફ ચાઇનાની ડબ્લયુટીઓમાં અમેરિકા સામેની જીત તે અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.