મહાસત્તાના મહારથી બનવા તરફ જો બિડેન આગળ પણ ‘ટ્રંપ કાર્ડ’ની ભૂમિકા અંતિમ પરિણામો બદલી નાખે તો નવાઈ નહીં!!
મહાસતાના મહારથી કોણ બનશે?? વ્હાઈટ હાઉસ પર પગદંડો કોણ જમાવશે ? તે અંગે હજુ કોઈ ચિત્ર સ્પષ્ટ થયું નથી આ ચિત્ર સ્પષ્ટ કરી પ્રમુખપદ માટેના સત્તાધારી નકકી કરવામાં અમેરિકાનું ચિત્ર ધૂંધળુ થઈ રહ્યું છે. યુનાઈટેડ નહિ પણ ‘ડિવાઈડેડ’ સ્ટેટસ ઓફ અમેરિકા બની જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને રિપબ્લીકન પાર્ટીના ડોનાલ્ડટ્રંપ વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો છે. પરંતુ આ જંગમાં અમેરિકાનો નકશો ઉલટો પડે તેવી ભયાનક સ્થિતિ ઉભી થઈ છે. પચાર રાજયોનાં સમુહથી બનેલો અમેરિકા દેશ ‘યુનાઈટેડ’ તરીકે ઓળખાય છે. પણ આ વર્ષની ચૂંટણીના પરિણામો અમેરિકાને આગળ ‘યુનાઈટેડ’ કે ‘યુનિયન’નું મથાળુ છીનવી ‘ડીવાઈડેડ’ લગાવી દે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. દાયકાઓ જૂની રંગભેદની નીતિ અમેરિકામાં ફરી એક વખત ઉથલો મારે તેવી કટ્ટર સ્થિતિનું સર્જન થયું છે. જે સમગ્ર વિશ્ર્વ પર ભયંકર પરિણામો ઉપજાવનારી બની શકે છે.
મહાસત્તા તરીકે ઓળખાતા દેશ અમેરિકામાં સત્તા માટે ભારે જંગ છેડાયો છે. પોલની માહિતી મુજબ, જો બિડેન ૨૬૪ ઈલેકટોરલ મતથી આગળ છે. પરંતુ મત ગણતરીમાં છબરડા થયા હોવાના રાષ્ટ્રપતિ ટ્રંપના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રંપે હરીફ બિડેન પર ‘મતચોરી’નો આરોપ લગાવ્યો છે જેને લઈ ટ્રંપે સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખટખટાવ્યા છે પરંતુ કોર્ટે આ બાબતે ડોનાલ્ડ ટ્રંપની માંગનો અસ્વિકાર કરી મતગણતરી ચાલુ રાખવાનો નિર્ણય સંભળાવ્યો છે. જો બિડેનનો પ્રમુખ પદ માટેનો ઘોડો આગળ તો વધી રહ્યો છે. પરંતુ આ બાબત નજીકનાં ભવિષ્ય માટે ‘ભયાનક’ સાબિત થાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રંપના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. અને ૪૦ ટકા અમેરિકી કે જેઓ ટ્રંપની હાર છતા હાર સ્વિકારવા તૈયાર નથી એટલું જ નહિ ડોનાલ્ડ ટ્રંપની જીત માટે કાયદાકીય લડત લડવા સમર્થકોએ ૬ કરોડ ડોલર એકઠા કરી લીધા છે.
ડોનાલ્ડ ટ્રંપ ‘રાષ્ટ્રપતિ’ પછી વધુ ઘાતક ચહેરા તરીકે ઉભરી આવશે તેમ વિશ્ર્લેષકોનો સ્પષ્ટ મત છે. પરંતુ અમેરિકાની આ હાલની ચૂંટણી જ ઘાતક સાબીત થાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ડોનાલ્ડ ટ્રંપના સમર્થકોજીત માટે અને તે માટે કાયદાકીય લડત આપવા પણ એકજુથ થયા છે.એમાં પણ જો બિડેન રાષ્ટ્રપતિ પદ માટે જાહેર થાય તો અંધાધૂંધી ફેલાવવા પર કોઈ શક નથી. અમેરિકામાં હથીયારોનાં ખરીદ-વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી. આથી અમેરિકો પાસે વ્યકિત દીઠ બંદૂકો અને હથિયારો પડેલા છે. યુએસએનું આ ગનકલ્ચર ચૂંટણી પરિણામોમાં અતિભયાનક ચિત્ર ઉભુ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.
આ ગનકલ્ચર ઉપરાંત વાત કરીએ રંગભેદની નીતિ વિશે તો ઉત્તર અમેરિકા અને આફ્રિકામાં રંગભેદનો મૂદો દાયકાઓ જુનો મુદો છે, હાલની ચૂંટણીના પરિણામો ભયાનક બનાવવામાં આ રંગભેદનો મુદા પણ મોટો ભાગ ભજવી શકે છે. અમેરિકામાં સફેદ અને અશ્ર્વેત લોકો આમને સામને આવી ચૂકયા છે.
ડોનાલ્ડટ્રંપના સમર્થકોમાં શ્ર્વેત લોકોનો વિશાળ સમૂહનો સમાવેશ થાય છે. અને જો બિડેનની વિરૂધ્ધમાં વર્ગવિગ્રહ ફાટી નીકળે તેમ સ્થિતિ ઉદભવી છે. એમાં પણ ભારતીય આફ્રિકી મૂળની મહિલા કમલા હેરિસન કે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માટેના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે. તેઓ વાઈસ પ્રેસીડન્ટ બનવા તરફ આગળની હરોળમાં છે. અને તે ‘કાળા’ હોવાથી આ મુદો પણ ચરમસિમાએ પહોચી હિંસક વળાંક લે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ૧૬મી સદીથી અમેરિકા અને દક્ષિણી આફ્રિકામાં રંગભેદની નીતિ ચાલી આવી રહી છે. ૧૮૦૮માં અમેરિકામાં અશ્ર્વેત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લદાયો હતો આ કારણસર યુએસએમાં ગૃહયુધ્ધ શરૂ થયેલું જે ૧૮૬૩માં રાષ્ટ્રપતિ અબ્રાહ્મલિંકનની ચળવળથી શાંત થયેલું પરંતુ શું આ ચળવળ અમેરિકામાં ફરી શરૂ થશે? ત્યાંની સ્થાનિક પોલીસ પણ જાણે આ વિવાદિત નીતિને પ્રોત્સાહન આપી રહી હોય તેમ સંજોગો ઉભા થયા છે. ચૂંટણી પરિણામોના અંતે હિંસા ફાટી નીકળશે તો તેમા માત્ર અમેરિકા જ નહિ પણ સમગ્ર વિશ્વ પર ભયાવહ અસર ઉભી થશે.
ભારતમા જેમ પૂર્વ વડાપ્રધાન સોનિયા ગાંધીએ મોત કા સોદાગર…. વાકયનો ઉપયોગ કરી વિવાદમાં સપડાયા હતા અને તેને વિપક્ષોએ જીતનો હાથો બનાવી રાજકીય લાભ લીધો હતો તેમ અમેરિકામાં પણ અંતે ‘રંગભેદની નીતિ’નો મુદો ટ્રંપકાર્ડ તરીકે ઉછળે અને અંતિમ પરિણામો બદલી નાખે તેવી સ્થિતિ ઉભી થઈ છે.